કાર્તિક આર્યન હવે સુપરહીરો ?
- 'ચંદુ ચેમ્પિયન'માં કાર્તિકને જબરદસ્ત પ્રભાવશાળી કિરદાર ભજવવાનો મોકો મળ્યો છે. તેથી જ એ કોઈ વાતે કચાશ છોડવા માગતો નથી.
વચ્ચે કાર્તિકે કંઈક ભેદી વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર શેર કરી ને તે સાથે જ અટકળોનું બજાર ગરમ થઈ ગયું. આ ક્લિપમાં કાર્તિકની ચહેરા પર જબરી તીવ્રતા દેખાય છે, એની આસપાસ આગની જ્વાળાઓ ફૂંકાઈ રહી છે અને એના હાથે લાલ રંગની પટ્ટીઓ બાંધેલી છે. લોકો કલ્પના કરવા માંડયા: આ શું 'રા.વન'ની રીમેક છે? 'બ્રહ્માસ્ત્ર-ટુ'માં રણબીરની સાથે કાર્તિક પણ દેખાવાનો છે? કાર્તિક 'ક્રિશ-ફોર'નો વિલન છે? કે એ 'શક્તિમાન' બન્યો છે?
કાર્તિક આ બધું વાંચીને મંદ મંદ મરકી રહ્યો છે. એણે હજુ સુધી જાણી જોઈને મગનું નામ મરી પાડયું નથી. બાકી એની બન્ને આગામી ફિલ્મો ખાસ્સી ઇન્ટરેસ્ટિંગ છે. એક છે, 'ભૂલભૂલૈયા-થ્રી'. અનીસ બઝમીના ડિરેક્શનમાં બની રહેલી આ ફિલ્મમાં ઓરિજિનલ મંજુલિકા વિદ્યા બાલન પણ દેખાવાની છે એટલે ઓડિયન્સની ઉત્સુકતા જોરદાર વધી ગઈ છે.
બીજી ફિલ્મ છે, 'ચંદુ ચેમ્પિયન'. આ એક બાયોપિક છે. મુરલીકાંત પેટકરનું નામ સાંભળ્યું છે તમે? ભારતના તેઓ સર્વપ્રથમ પેરાલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ છે. મૂળ તેઓ ફૌજી માણસ, ૧૯૬૫માં પાકિસ્તાન સામે યુદ્ધ થયું ત્યારે એમના પર ગોળીઓ વરસી હતી. તેઓ અપંગ થઈ ગયા. તેઓ શરીરથી પંગુ થયા હતા, મનથી નહીં. તેમણે શારીરિક ઉદ્યમ ચાલુ રાખ્યો. તૂટેલા શરીર સાથે પણ તેઓ ટેબલ ટેનિસ રમતા રહ્યા, સ્વિમિંગ કરતા રહ્યા. સ્પોર્ટ્સની દુનિયામાં અત્યાર સુધીમાં તેઓ કંઈકેટલીય સિદ્ધિઓ મેળવી ચૂક્યા છે. એમના નામે એકાધિક વર્લ્ડરેકોર્ડ બોલે છે.
ભારે પ્રેરણાદાયી કહાણી છે મુરલીકાંત પેટકરની. દેખીતું છે કે આવું પ્રભાવશાળી કિરદાર ભજવવાનો મોકો મળ્યો છે એટલે કાર્તિક રાજીના રેડ છે. એ કોઈ વાતે કચાશ છોડવા માગતો નથી. 'ચંદુ ચેમ્પિયન'ના ડિરેક્ટર કબીર ખાન છે.
આ સિવાય આજકાલ કાર્તિક અને વિશાલ ભારદ્વાજ પર ઘુસપુસ-ઘુસપુસ કરતા દેખાય છે. વિશાલની આગલી ફિલ્મનો હીરો કાર્તિક હોય તો જરાય આશ્ચર્ય ન પામવું. કાર્તિક એક 'આઉટસાઇડર' છે. તેથી બોલિવુડમાં એની સફળતા કેટલાય ઊભરતા અને સ્વપ્નિલ અદાકારોને પ્રેરણા આપે છે. લગે રહો, કાર્તિકભાઈ.