Get The App

કાર્તિક આર્યન: એક્ઝામ આપું કે ઓડિશન?

Updated: Feb 23rd, 2023


Google NewsGoogle News
કાર્તિક આર્યન: એક્ઝામ આપું કે ઓડિશન? 1 - image


- સિનેમા એક્સપ્રેસ- શિશિર રામાવત

લો! જેની પાસેથી ઠીક ઠીક આશા હતી એવી કાર્તિક આર્યનની 'શહઝાદા' ફિલ્મ બોક્સઓફિસ પર ફસડાઈ પડી. આશા રાખવાનાં બે  કારણ હતાં. એક તો, કાર્તિક એવો સિતારો છે, જેણે ગયા વર્ષે 'બોયકોટ બોલિવુડ'ના આકરા માહોલ વચ્ચે 'ભૂલભૂલૈયા-ટુ' જેવી હિટ ફિલ્મ આપીને હિન્દી સિનેેમાની લાજ રાખી લીધી હતી. બચ્ચા જેવા ચહેરાવાળો આ હીરો પોતાના ખભે આખી ફિલ્મ ઊંચકી શકે છે એની આખી ઇન્ડસ્ટ્રીને ખાતરી થઈ ગઈ. બીજું કારણ, 'શહઝાદા' વાસ્તવમાં 'પુષ્પા'ફેમ અલ્લુ અર્જુનની એક ટિપિકલ મસ્સાલેદાર હિટ ફિલ્મની ઓફિશિયલ રીમેક છે. અગાઉ ઘણી રીમેક ફ્લોપ થઈ ગઈ છે એ ખરું, પણ 'દ્રશ્યમ-ટુ'ના પગલે 'શહઝાદા' પણ ચાલી જશે એવું મનાતું હતું. એવું ન થયું. 'ભૂલભૂલૈયા-ટુ' પછી કાર્તિક એકાએક હોટ-એન્ડ-હેપનિંગ, 'એ'-લિસ્ટ બોલિવુડ સ્ટાર બની ગયો હતો, પણ સાપ-સીડીની રમતમાં નાગના મોં પર પગ પડતાં જ જેમ સરરરર... કરતાં પાતાળ તરફ સરકી જવાય, બસ, એવું જ કંઈક કાર્તિકના કેસમાં બન્યું છે. એ પાછો લસરીને 'ભૂલભૂલૈયા-ટુ'ની પહેલાં જે સ્તર પર હતો ત્યાં પહોંચી ગયો છે. નક્કી રણવીર સિંહો અને રણબીર કપૂરો અને વરુણ ધવનો મૂછમાં મરકતા હશે: બચ્ચુ બહુ હવામાં ઉડતો હતો. આવી ગયોને પાછો લાઇન પર! 

ખેર, આ તો ભઈ ફિલ્મી લાઇન છે. ક્યારે કોણ ચડશે ને કોણ પડશે તે કહેવાય નહીં.ધારો કે કાર્તિકની આગામી ફિલ્મ, 'સત્યપ્રેમ કી કથા', કે જે સમીર વિદ્વંસ ડિરેક્ટ કરી રહ્યા છે ને કિઆરા અડવાણી જેની હિરોઈન છે, તે હિટ થઈ જાય તો કાર્તિકનો સિતારો પાછો બુલંદ થઈ જશે. હુ નોઝ! મૂળ ગ્વાલિયરના વતની એવા કાર્તિકની કરીઅરનો ગ્રાફ ઉપર-નીચે ભલે થાય, પણ એની પોતાની કથા મજેદાર છે. શાહરુખ ખાનની 'બાઝીગર' ફિલ્મ આવી ત્યારે કોકી નવમા ધોરણમાં  ભણતો હતો (કાર્તિકનું ઘરનું નામ કોકી છે.) બસ, આ ફિલ્મ જોઈને એને પહેલી વાર મનમાં ઊગ્યું હતું કે, મારે બી ફિલ્મી હીરો બનવું છે. મમ્મી-પપ્પાને જોકે આવું કહેવાની હિંમત ન ચાલી. બારમા પછી  ચેન્નાઈની એક એન્જિનીયરિંગ કોલેજમાં એને એડમિશન મળી ગયું. કોલેજ અને હોસ્ટેલના પૈસા પણ ભરાઈ ગયા. ત્યાં ખબર પડી કે મુંબઈની એક કોલેજમાં પણ સીટ મળી ગઈ છે. કાર્તિકે મમ્મી-પપ્પા સામે જીદ કરી: મારે આગળ ભણવા મુંબઈ જ જવંુ છે. તમે ચેન્નાઈની કોલેજમાંથી પૈસા પાછા લઈ લો.  ભણવા માટે મુંબઈ જવાનો આગ્રહ કરવાનું કારણ બોલિવુડ હતું. મુંબઈમાં રહેતા હોઈએ તો ફિલ્મોમાં ટ્રાય કરવાનું સહેલું પડેને. 

કાર્તિક મુંબઈ આવી ગયો. ટુ બી પ્રિસાઇઝ, નવી મુંબઈ. હવે ઓડિશન આપવાની કસરતનો દોર શરુ થયો. ફેસબુક પર એ 'એક્ટર વોન્ટેડ' એવી સર્ચ મારે એટલે જ્યાં જ્યાં ઓડિશન થવાનાં હોય એનું લિસ્ટ સ્ક્રીન પર આવી જાય. કાર્તિકકુમાર પછી કોલેજમાં બન્ક મારે ને લોકલ ટ્રેન પકડીને ઓડિશન આપવા પહોંચી જાય. એક વાર એક ફેસબુકની એડમાં લખાયું હતું: લીડ રોલ માટે એક્ટર જોઈએ છે. તમારા નામ સાથે તમારો ફોટો શેર કરો. કાર્તિક પાસે પોર્ટફોલિયોવાળા સ્ટાઇલિશ ફોટા તો ક્યાંથી હોય. એક ફોટો હતો, જેમાં મમ્મી એના ખભે હાથ રાખીને ઊભી હતી. કાર્તિકે મમ્મીનો હાથ ન દેખાય તે રીતે તે ફોટો ક્રોપ કરી નાખ્યો ને ઓડિશનવાળાઓને મોકલી આપ્યો. છોગામાં વટભેર લખ્યું પણ ખરું: આઇ એમ ધ ગાય યુ આર લુકિંગ ફોર!

થોડા દિવસો પછી સામો મેસેજ આવ્યો: ફલાણા દિવસે ફલાણી જગ્યાએ ઓડિશન છે. પહોંચી જજો. થયું એવું કે બરાબર તે જ દિવસે કાર્તિકની ચોથા સેમેસ્ટરની એક્ઝામ હતી. શું કરવું? પરીક્ષામાં આપવી કે ઓડિશન આપવું? કાર્તિકે પસંદગી કરી લીધી: ઓડિશન આપવું! 

કાર્તિકે ઓડિશન આપ્યું. શરુઆતમાં એ શોર્ટ લિસ્ટ થયો, પણ પછી  રિજેક્ટ થઈ ગયો. ઓડિશન લેનારાઓને લાગ્યું કે આ કોલેજિયન છોકરડો કંઈ સિરીયસ લાગતો નથી, એ ખાલી ટાઇમ પાસ કરી રહ્યો છે. ર્ર્દરમિયાન કાર્તિકે સારા ફોટા પડાવીને તેની હાર્ડ કોપી પણ એ લોકોને આપી દીધી હતી. રિજેક્ટ થયો એટલે કાર્તિકે ફોન કર્યો: તો પછી મારા ફોટા મને પાછા મોકલી આપો! ફોટા તો પાછા ન મળ્યા, પણ કાર્તિકને સેકન્ડ ઓડિશન માટે બોલાવવામાં આવ્યો. આ વખતે પણ એ રિજેક્ટ થઈ ગયો. આખરે ત્રીજી વાર એને એક લાંબાલચ્ચ મોનોલોગ જેવો ડાયલોગ આપવામાં આવ્યો. કાર્તિક એ સરસ રીતે બોલી ગયો. ઓડિશન લેનારા પ્રભાવિત થઈ ગયા. એ જ વખતે એને કહી દેવામાં આવ્યું: છોકરા, યુ આર સિલેક્ટેડ. તું અમારી ફિલ્મનો હીરો. આ રહ્યો કોન્ટ્રોક્ટ. કર સાઇન!

કાર્તિક તો રાજીના રેડ. જે ફિલ્મના કોન્ટ્રોક્ટ પર એણે સાઇન કરી એનું ટાઇટલ હતું, 'પ્યાર કા પંચનામા'. એણે અંધેરી સ્ટેશનથી જ મમ્મીને ફોન કર્યો ને કહ્યું: મમ્મી, હું એક હિન્દી ફિલ્મમાં કામ કરવાનો છું! મારે હીરો બનવંુ હતું એટલે જ મેં મુંબઈની કોલેજમાં એડમિશન લીધું હતું! બીજા જ દિવસે તત્કાલની ટિકિટ કપાવીને મમ્મી અને બહેન ટ્રેનમાં ગ્વાલિયરથી મુંબઈ આવી ગયાં. પ્રોડયુસર કુમાર મંગત અને ડિરેક્ટર લવ રંજનને મળ્યા. મમ્મી કાર્તિકને કહે: હવે ખબર પડી તને આટલી બધી એટીકેટી શું કામ આવે છે! પણ એક વાત તું કાન ખોલીને સાંભળી લે. તું ફિલ્મમાં કામ ભલે કરે, પણ તારે તારું એન્જિનીયરિંગ તો પૂરું કરવાનું જ છેે!

કાર્તિક હોસ્ટેલ છોડીને અંધેરીના એક ફ્લેટમાં શિફ્ટ થઈ ગયો. આ ટુ બીએચકે ફ્લેટમાં કુલ બાર છોકરાઓ રહેતા હતા.  'પ્યાર કા પંચનામા' (૨૦૧૧) બની. હિટ પણ થઈ.  પછી બે-એક ફિલ્મો આવી. પછી 'પ્યાર કા પંચનામા-ટુ' (૨૦૧૫) આવી. તે વખતે કાર્તિક એન્જિનીયરિંગના છેલ્લા વર્ષની એટીકેટી ક્લિયર કરી રહ્યો હતો. પાર્ટુ ટુ પણ બોક્સઓફિસ પર ચાલી ગયો, પણ કોણ જાણે કેમ કાર્તિકની સ્ટ્રગલ પૂરી થવાની નામ લેતી નહોતી. એને હીરોના ફ્રેન્ડ ને એ ટાઇપના રોલ જ ઓફર થતા હતા. એ હજુય અંધેરીના પેલા ફ્લેટમાં બીજા અગિયાર છોકરાઓ સાથે રહેતો હતો. લોકો હજુય કાર્તિકનું નામ ખાસ જાણતા નહોતા. કાર્તિકને 'પેલો મોનોલોગવાળો છોકરો' કે 'પેલો લાંબા લાંબા ડાયલોગ બોલે છે એ હીરો'  એ રીતે તેઓ રિફર કરતા હતા.

કાર્તિકની તકદીર બદલી ૨૦૧૮માં, 'સોનુ કે ટિટુ કી સ્વીટી' રિલીઝ થઈ તે પછી. આ ફિલ્મે કાર્તિકને કાર્તિક બનાવ્યો. લોકો એને હવે નામથી ઓળખતા થયા. પછી 'લુકાછુપી', 'પતિ, પત્ની ઓર વો', 'લવ આજકલ', 'ધમાકા' આવી... ને પછી આવી 'ભૂલભૂલૈયા-ટુ'... ને  આ ફિલ્મે તો કાર્તિકને મોટો સ્ટાર બનાવી દીધો. 

...ને પછી આવી આ 'શહઝાદા'. આ ફિલ્મે પાછી ગરબડ કરી નાખી છે. ખેર, કાર્તિક હવે ઓડિયન્સ, ઇન્ડસ્ટ્રી અને ફિલ્મ સમીક્ષકો - આ ત્રણેયની નજરમાં વસી ગયો છે. એ હવે કરીઅરના એવા સ્ટેજ પર છે કે એને સેકન્ડ, થર્ડ, ફોર્થ ચાન્સ જરુર આપવામાં આવશે. 

ઓલ ધ બેસ્ટ, કોકી!   


Google NewsGoogle News