કરીના કપૂર ખાન હું શું કામ પાછળ રહી જાઉં?

Updated: Sep 28th, 2023


Google NewsGoogle News
કરીના કપૂર ખાન હું શું કામ પાછળ રહી જાઉં? 1 - image


- લોકો હજુ પણ મને 'કભી ખુશી કભી ગમ'ની 

'પૂ' કે 'જબ વી મેટ'ની 'ગીત' તરીકે જ નિહાળે છે. મેં ભૂતકાળમાં 'ઓમકારા' અને 'ચમેલી' જેવી અલગ પ્રકારની ફિલ્મો કરી જ છે, પણ કોણ જાણે કેમ, લોકો તેના વિશે વિચારતા જ નથી!

ભા રતમાં ઓટીટી હવે એક એટલું મોટું પ્લટફોર્મ બની ચૂક્યું છે કે હવે ટોપ સ્ટાર્સ પણ તેના પર આવવા માટે થનગની રહ્યા છે. જુઓને, કરીના કપૂર ખાને તાજેતરમાં સુજોય ઘોષની 'જાને જાં' ફિલ્મ દ્વારા ઓટીટી પર એન્ટ્રી મારી જને. ૪૩ વર્ષની કરીના કહે છે, 'હું સ્ટ્રીમિંગની રેસમાં પાછળ રહેવા માગતી નહોતી એટલે મેં આ ફિલ્મ કરવાનું નક્કી કર્યું. જોકે લોકો મને પોતાના ફોન અને ટીવી સ્ક્રીન પર સાવ નજીકથી જોઈ શકે છે તે વિચાર માત્રથી લખલખું આવી જાય છે! ત્રેવીસ વર્ષ અગાઉ કરીઅરની શરૂઆત કરી ત્યારે જેટલી નહોતી એટલી નર્વસ હું આજે છું.'

હિગાશિનો કાઇગો નામના એક જપાની લેખક છે, જેમની 'ધ ડિવોશન ઓફ સસ્પેક્ટ એક્સ' નામની નવલકથા ખાસ્સી વંચાઈ અને વખણાઈ છે. 'જાને જાં' આ જ કૃતિ પર આધારિત છે. કરીના કહે છે, 'સુજોય અને હું આ ફિલ્મ માટે લાંબા સમયથી પ્રયાસ કરી રહ્યા હતા. મને યાદ છે, હું મારા હસબન્ડ (સૈફ અલી ખાન) સાથે ધરમશાલામાં હતી ત્યારે આ પ્રોજેક્ટ માટે પહેલી વાર મારો સંપર્ક કરવામાં આવ્યો હતો. એ સમયે જેહ મારા પેટમાં હતો. નિર્માતા જય સેવક્રમણિએ મન કહ્યું કે સુજોય પાસે આ ફિલ્મની પટકથા તૈયાર પડી છે અને તે આ ફિલ્મ બનાવવા માટે થનગની રહ્યો છે. મેં એ જ વખતે એમને કહ્યું હતું કે આ ફિલ્મ સીધી ઓટીટી પર સ્ટ્રીમ થાય તો કેવું? બધા કલાકારો ઓટીટી પ્લેટફોર્મ્સ પર ઘણું કામ કરી રહ્યા છે. મારે પણ આ માધ્યમ અજમાવવું હતું.'

'જાને જાં' એક સસ્પેન્સ થ્રિલર છે, જેમાં કરીનાની સાથે જયદીપ અહલાવત અને વિજય વર્માએ મુખ્ય ભૂમિકાઓ નિભાવી છે. કરીના પોતાની મર્યાદાઓથી પૂરેપૂરી સભાન છે. એ કહે છે, 'એક એક્ટર તરીકે તમે દરેક વખતે કશુંક નવું કરવા માગો છો. મારા માટે આ મુશ્કેલ બની રહે છે, કેમ કે લોકો હજુ પણ મને 'કભી ખુશી કભી ગમ'ની પૂ કે 'જબ વી મેટ'ની ગીત તરીકે જ નિહાળે છે. મારી એ ઇમેજ તેમના મનમાં ઘર કરી ગઇ છે. આમ, મારા માટે આ સમજીવિચારીને કશું અલગ કરવાનો પ્રયાસ છે. મેં ભૂતકાળમાં 'ઓમકારા', 'દેવ' અને 'ચમેલી' જેવી અલગ પ્રકારની ફિલ્મો કરી જ છે, પણ કોણ જાણે કેમ, લોકો તેના વિશે વિચારતા જ નથી!'

કરીનાને આપણે થ્રિલર્સમાં ખાસ જોઈ નથી. 'જાને જાં'નું કાસ્ટિંગ ઇન્ટરેસ્ટિંગ છે. જયદીપ અને વિજય બન્ને ટ્રેઇન્ડ એક્ટર છે, જ્યારે કરીના સંપૂર્ણપણે ઉત્સ્ફૂર્ત એક્ટ્રેસ. બન્ને હીરોની પ્રોસેસ સાવ અલગ. સૈફે કરીનાને ચેતવી દીધી હતીઃ આ બન્ને જબરા કલાકારો છે. તું પૂરેપૂરી એલર્ટ રહેજે! સિનિયોરિટીના મામલામાં કરીના બન્ને કરતાં ઘણી આગળ હોવા છતાં સેટ પર એ પૂરેપૂરી નિષ્ઠા અને મોકળાશથી કામ કરતી રહી.  

૨૦૦૫માં પ્રકાશિત થયેલી હિગાશિનો કાઇગોની નવલકથા પરથી અગાઉ પણ ફિલ્મો બની છે. જાપાનમાં જ ૨૦૦૮માં 'સસ્પેક્ટ એક્સ', કોરિયામાં ૨૦૧૨માં 'પરફેક્ટ નંબર' અને ચીનમાં ૨૦૧૭માં 'ધ ડિવોશન ઓફ સસ્પેક્ટ એક્સ' બની ચૂકી છે. આટલું ઓછું હોય તેમ હોલિવુડમાં પણ આ નવલકથા પરથી એક ફિલ્મ બની રહી છે. પશ્ચિમ બંગાળના કાલિમ્પોંગ નામના રૂપકડા હિલસ્ટેશન પર શૂટ થયેલી 'જાને જાં'માં ગમી જાય એવું ઘણું છે, પણ અસરહીન અંત આખા વાર્તાપ્રવાહના પ્રભાવને મોળો પાડી દે છે. 'ખૂની કોણ?' પ્રકારની થ્રિલરમાં તો અંત સૌથી વધારે ધારદાર હોવો જોઈએ. 'જાને જાં'માં એવંુ બનતું નથી, જે તેનો સૌથી મોટો માઇનસ પોઇન્ટ છે.  


Google NewsGoogle News