કરીના કપૂર ખાન : સતત રિલેવન્ટ રહેવાની કળા
- 'કારકિર્દી અને પરિવાર વચ્ચે સંતુલન જાળવવાનું હું મારી સાસુમા પાસેથી શીખી છું. તમે એક ઉત્તમ મા અને ઉત્તમ પ્રોફેશનલ બન્ને એકસાથે બની શકો છે. આ બાબત અપવાદ નહીં પણ સામાન્ય હોવી જોઈએ.'
કરીના કપૂર તાજેતરમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળી. એની સાથે એના કપૂર ખાનદાનના દસેક સભ્યો હતા. રાજ કપૂરની એકસોમી જન્મ જયંતિના સેલિબ્રેશનના ભાગરૂપે પ્રાઇમ મિનિસ્ટર સાથે આ ટૂંકી મુલાકાત ગોઠવાઈ હતી. મુલાકાત ટૂંકી હતી, પણ કરીના અને એના પરિવારના સભ્યો પર મોદીનો પ્રભાવ ખૂબ સારો પડયો. કમસે કમ, તેઓ જે રીતે આ મુલાકાત સામે કેમેરા સામે બોલતા હતા તેના પરથી તો એમ જ લાગતું હતું.
ંકરીના કપૂર ખાન આજે મધ્યવયસ્ક સ્ત્રી છે, બે બચ્ચાંની મા છે. એ હવે બોલિવુડની નંબર વન એક્ટ્રેસ હોવાની રેસમાં શામેલ નથી. એ હવે સિનિયર એક્ટ્રેસ ગણાય છે, છતાંય ઇન્ડસ્ટ્રીમાં એનો દબદબો યથાવત્ છે. આનું એક કારણ એ છે કે કરીના સતત રિલેવન્ટ રહી શકી છે. એ ખુદને રી-ઇન્વેન્ટ કરતી રહે છે. જેમ કે, આ ડિજિટલ પ્લેટફોર્મ્સનો જમાનો છે, તો એણે યુટયુબ પર 'વોટ વીમેન વોન્ટ' નામનો પોતાનો એક ઇન્ટવ્યુ શો શરુ કરી દીધો. ઓટીટીની જોરદાર બોલબાલા છે એટલે એણે 'જાનેજાં' ફિલ્મથી આ માધ્યમમાં ડેબ્યુ કર્યું. 'ધ બકિંગહામ મર્ડર્સ' ફિલ્મની એક સહનિર્માત્રી બની.
કરીના કપૂરના સૌથી યાદગાર કિરદાર કયાં? સૌથી પહેલાં આ બે નામ યાદ આવશે - 'કભી ખુશી કભી ગમ'ની પૂ અને 'જબ વી મેટ'ની ગીત. એમ તો એની પહેલી ફિલ્મ 'રેફ્યુજી'થી માંડીને આજ સુધીમાં એણે કેટલાય વૈવિધ્યપૂર્ણ પાત્રો ભજવ્યાં છે.
કરીનાની કારકિર્દી એવા પ્રોજેક્ટોથી યુક્ત છે જે બ્લોકબસ્ટર્સ તો ન બન્યા, પણ એક કલાકાર તરીકે એ કેટલી દમદાર છે તે સાબિત કર્યું. 'હિરોઈન' અને 'તલાશ' જેવી ફિલ્મો બોક્સ ઓફિસ પર ઠીક ઠીક ચાલી, પણ આ ફિલ્મોમાં કરીનાનું પરફોર્મન્સ દર્શકો હંમેશા યાદ રાખવાના છે. 'હિરોઈન'માં કરીનાએ પતન પામી રહેલી મૂવી સ્ટારના ઝંઝાવાતી જીવનનું ચિત્રણ કર્યું, જ્યારે 'તલાશ'માં તેણે એક રહસ્યમય આત્મા - કે જે કૉલ ગર્લ તરીકે ઉપસ્થિત તયા કરે છે - એની ભૂમિકા ભજવી.
બોલિવુડ જેમ વિકસતું ગયું તેમ કરીના પણ આગળ વધતી ગઈ. એણે પોતાનો સ્ટાર પાવર જાળવી રાખીને જોખમી તેમજ બિનપરંપરાગત ભૂમિકાઓ સ્વીકારીને પોતાની કારકિર્દીમાં નવો આયામ ઉમેર્યો. 'ઉડતા પંજાબ' (૨૦૧૬) અને 'વીરે દી વેડિંગ' (૨૦૧૮)માં દર્શકોને એવી કલાકાર જોવા મળી જે પોતાની ભૂમિકા સહજતાથી નિભાવી શકતી હતી.
એક એક્ટ્રેસ લગ્ન કરી લે એટલું જ નહીં, બે બચ્ચાંની મા બને તે પછી પણ હોટ-એન્ડ-હેપનિંગ રહી શકે છે તે કરીનાએ પૂરવાર કર્યું. એ પોતાની સાસુ શર્મિલા ટાગોરને શ્રેય આપતાં કહે છે, 'કારકિર્દી અને પરિવાર વચ્ચે સંતુલન જાળવવાનું હું મારી સાસુમા પાસેથી શીખી છું. તમે એક ઉત્તમ મા અને ઉત્તમ પ્રોફેશનલ બન્ને એકસાથે બની શકો છે. આ બાબત અપવાદ નહીં પણ સામાન્ય હોવી જોઈએ.'
સત્ય વચન.