Get The App

કરીના કપૂર ખાનઃ 70 ટકા કાબેલિયત... 30 ટકા કિસ્મત!

Updated: Oct 25th, 2024


Google NewsGoogle News
કરીના કપૂર ખાનઃ 70 ટકા કાબેલિયત... 30 ટકા કિસ્મત! 1 - image


- 'દર્શકો મને 'પૂ' અને 'ગીત' જેવાં કિરદારોમાં વધુ જોવા માગે છે. એનું કારણ એ છે કે દર્શકોનો બહોળો વર્ગ આવાં પાત્રો સાથે ઝડપથી આઇડેન્ટિફાય કરી શકે છે...' 

લો,લો, જોતજોતામાં અભિનેત્રી કરીના કપૂરની કરીઅરનાં ૨૫ વર્ષ થઈ જશે. ૨૦૦૦માં 'રેફયુજી' સાથે એણે હિન્દી ફિલ્મોદ્યોગમાં પદાર્પણ કર્યું હતું. આ વર્ષો દરમિયાન કરીનાએ સંખ્યાબંધ યાદગાર ફિલ્મો આપી છે. 'રેફયુજી'થી લઈને આ વર્ષે આવેલી 'ક્રુ' અને 'બકિંગહામ મર્ડર્સ' સુધીની ફિલ્મોમાં દર્શકોને કરીનાનાં અનેક રૂપ જોવા મળ્યાં છે. છતાં તમે જુઓ કે કરીના એેની ટ્રેન્ડસેટર સ્ટાઈલ અને ગ્લેમરસ અવતાર માટે વધારે ચર્ચામાં રહી છે. જોકે કરીનાને તેની ખાસ પરવા નથી. એ તો ફિલ્મોદ્યોગમાં બહુ લાંબી મજલ કાપવા માગે છે.

કરીનાના ઘણા પ્રશંસકોને એમ લાગે છે કે એની ફેશન અને સ્ટાઈલ સ્ટેટમેન્ટ એેના અભિનય પર ભારે પડી રહી છે. પરંતુ કરીના કહે છે, 'ગ્લેમરસ અદાકારાઓ સાથે હમેશાંથી આવું જ બનતું આવ્યું છે. દર્શકો તેના અભિનય કરતાં તેના દેખાવને વધુ પ્રાધાન્ય આપે છે, તેમનું ધ્યાન તેની સ્ટાઈલ પર હોય છે. મારી સાથે પણ આવું જ બની રહ્યું છે. પણ એનો અર્થ એવો નથી થતો કે હું મારા કામ પ્રત્યે બેદરકાર છું. હું મારા કામ પ્રત્યે સંપૂર્ણપણે સમર્પિત છું. હું ક્યારેય મને ગ્લેમરસ અભિનેત્રી તરીકે જોતી નથી. મેં મારા પગ જમીન સાથે જડી રાખ્યા છે. એક કલાકાર તરીકે વાસ્તવિક પરિસ્થિતિ પર નજર રાખવી જરૂરી છે. મેં નોંધ્યું હતું કે મારી સંખ્યાબંધ ફિલ્મોની રજૂઆત પછી લોકોએ મને ગંભીરતાથી લીધી છે.'

કરીના વધુમાં કહે છે, 'અત્યારની વાત કરું તો મારી 'બકિંગહામ મર્ડરર્સ' જેવી ફિલ્મની દર્શકોએ નોંધ લીધી છે. એક અચ્છી અભિનેત્રી તરીકે લોકોએ મને સ્વીકારી છે તેની પાછળ મારાં પચીસ વર્ષના નિરંતર પ્રયાસો છે. હું દરેક ફિલ્મ સાથે મને વધુને વધુ સારી અભિનેત્રી  તરીકે પુરવાર કરવાના પ્રયાસો કરતી રહી છું. હું નથી ઈચ્છતી કે લોકો મને એમ કહે કે તેં ઘણું કરી લીધું. હું આવો વખત આવે એમ નથી ઈચ્છતી. મને હજી ઘણું કામ કરવું છે.'

કરીનાએ અત્યાર સુધી વૈવિધ્યસભર પાત્રો ભજવ્યાં હોવા છતાં લોકોને 'પૂ' (કભી ખુશી કભી ગમ) અને 'ગીત' (જબ વી મેટ) - આ બે પાત્રો વધુ ગમ્યાં છે. કરીનાની 'ઓમકારા', 'તલાશ', 'જાનેજાં' અને 'બકિંગહામ મર્ડરર્સ' જેવી ફિલ્મોને દર્શકો સહિત સમીક્ષકોએ પણ વખાણી છે, જ્યારે '૩ ઈડિયટ્સ', 'ગુડ ન્યુઝ' અને 'ક્રૂ'નું કોમિક ટાઈમિંગ દિલમાં વસી ગયું છે. અભિનેત્રી કહે છે, 'છેલ્લાં પચીસ વર્ષમાંથી ૧૦ વર્ષ સુધી લોકો એમ વિચારતાં રહ્યાં કે હું 'પૂ' છું. ત્યાર પછી લોકોને એમ લાગતું રહ્યું કે હું ભટિંડાની સીખણી ગીત છું. શક્ય છે કે મારી અંદર બંનેનું મિશ્રણ હોય. હું તો માત્ર એટલું જ ઈચ્છું છું કે લોકો મારા કામને ગંભીરતાથી લે. તેમને એમ લાગે કે હું મારા કામ પ્રત્યે સંપૂર્ણપણે સમર્પિત છું.' 

કરીના કબૂલે છે, 'દર્શકો મને 'પૂ' અને 'ગીત' જેવાં કિરદારોમાં વધુ જોવા માગે છે. એનું કારણ એ છે કે દર્શકોનો બહોળો વર્ગ આવાં પાત્રો સાથે ઝડપથી આઇડેન્ટિફાય કરી શકે છે... પણ આગામી પચીસ વર્ષમાં હું હજી વધુ વૈવિધ્યસભર ભૂમિકાઓ ભજવવા માગું છું. મેં અત્યાર સુધી ઘણા સુપરસ્ટાર સાથે કામ કર્યું છે અને એ સઘળી ફિલ્મો હીટ પણ ગઈ છે. સાથે સાથે મેં અર્થપૂર્ણ ફિલ્મો પણ કરી છે. મારા મતે મારી સફળતામાં ૭૦ ટકા હિસ્સો મારી કાબેલિયતનો અને ૩૦ ટકા ભાગ નસીબનો છે.'

પરફેક્ટ! 


Google NewsGoogle News