કરણ જોહર, બસ, સનાયા કપૂરને લોન્ચ કરે એટલી જ વાર છે!
- સનાયા કપૂરે સાઉથના સુપરસ્ટાર મોહનલાલ સાથે એક ફિલ્મ કરી રહી હોવાની જાહેરાત કરી ત્યારે કરણ જોહરએ સોશિયલ મિડીયામાં સનાયાને સંબોધીને એક નોટ લખી.
કરણ જોહર ઉગતાને પૂજવામાં માને છે અને એ હકીકત એક્ટર-ફિલ્મમેકર ક્યારેય છુપાવતો નથી. એ ઈન્ડસ્ટ્રીનો પરફેક્ટ પીઆર મેન છે અને એના પર સ્ટારકિડ્સ (ફિલ્મ સ્ટાર્સ)ને સંતાનોને પ્રમોટ કરવાના આક્ષેપો થતા રહ્યા છે. અલબત્ત, બોલિવુડના આ નંબર વન પાર્ટી એનિમલ એનાથી જરાય વિચલિત થયા વિના પોતાને જે કરવું હોય એ કર્યા કરે છે. હમણાં સંજય કપૂર અને મહીપ કપૂરની પુત્રી સનાયા કપૂરે પોતે સાઉથના સુપરસ્ટાર મોહનલાલ સાથે એક ફિલ્મ કરી રહી હોવાની જાહેરાત કરી ત્યારે બધાને ફરી એ વાતનો પુરાવો મળી ગયો. કરણ જોહરે સોશિયલ મિડીયામાં સ્ટારકિડ સનાયાને સંબોધીને એક નોટ લખી નેટિઝન્સને ચર્ચા કરતાં કરી દીધા હતાં.
કરણ, સનાયાને એની ડેબ્યુ ફિલ્મ બદલ અભિનંદન આપતી નોટમાં લખે છે, 'કેટલાંકની યાત્રાને ક્યારે પ્રિવીલેજ્ડ (વિશેષાધિકાર) ગણાવાય છે અને ક્યારેક એને વારસાના લાભનો ટેગ આપી દેવાય છે. અને એ બધી વાત સાચી છે, પરંતુ સનાયા, તારામાં એક એવી યુવતી જોઈ છે જેણે એક ખરા આર્ટિસ્ટ બનવા સિવાયના બીજા કોઈ સપનાં જોયાં નથી. તું એવી ગર્લ છો જે પુષ્કળ હાર્ડ વર્ક કર્યા બાદ પૂરેપૂરા પેશન સાથે કેમેરા સમક્ષ ઊભી રહેવા ધારે છે.
દંતકથા સમાન અભિનેતા મોહનલાલ પ્રત્યે ભારોભાર આદર અને આદરભાવ દર્શાવતાં કરણ આગળ કહે છે, 'સનાયા, તારા માટે આ એક અદ્ભૂત તક છે. તને મોહનલાલ સર પાસેથી ઘણું બધું શીખવા મળશે. એમની સાથેની તારી ફિલ્મ 'વૃષભ' એક એવી પેન ઈન્ડિયા કૃતિ બની રહેશે, જે આખી દુનિયાને પોતાના નેરેટીવથી આંજી દેશે. તારા એક ફેમિલી મેમ્બર તરીકે હું ફિલ્મની આખી ટીમનો આભાર માનું છું.
કરણ પોતાની નોંધના છેલ્લા ફકરામાં સનાયાને પોતાની ફિલ્મ માટે સાઈન કરવાનો હોય, એવો સંકેત આપતા લખે છે, 'સનાયા , તું આકાશના તારાની જેમ ચમકતી રહે. તારા માર્ગમાં આવનારા વિઘ્નોથી વિચલિત થયા વિના તારા અંતિમ લક્ષ્ય પર ફોકસ કરતી રહે. તારી કૃતનિશ્ચયતા જે તારી માર્ગદર્શક બનશે અને બીજું, કેવા રોમાંચક ન્યુસ હજુ આવવાના બાકી છે, એ હું અને તું બેને જાણીએ છીએ.'
લેટ્સ વેઇટ એન્ડ વોચ!