કરણ જોહરે 'કોફી વિથ કરણ' ની સફળતા સાટે કોફીની બાધા લીધેલી
આપણા દેશમાં હંમેશાંથી ચા પીતાં પીતાં વાતો ચર્ચાવિચારણાએ કરવાની કે ગપ્પા હાંકવાની પ્રથા ચાલી આવે છે, પરંતુ ફિલ્મ સર્જક કરણ જોહરે આજથી લગભગ બે દશક પહેલા 'કોફી વિથ કરણ' 'કેડબ્લ્યુકે' નામનો શો શરૂ કરીને આ રીતે ચા પીવાનો સમગ્ર કોન્સેપ્ટ જ બદલી નાખ્યો. ધીમે ધીમે ગપ્પા હાંકવા માટે એકઠાં થતી વખતે પીવાતી ચાનું સ્થાન કોફીએ આંચકી લીધું. પ્રારંભિક તબક્કાથી જ લોકપ્રિય બનેલા આ શોના ક્લેવર પણ ધીમે ધીમે બદલાતાં રહ્યાં, તેમાં સતત કંઈક નવું ઉમેરાતું રહ્યું, બિલકુલ એવી જ રીતે જે રીતે કોફીમાં સતત નવા નવા પ્રકાર શોધાતા રહ્યાં.
કરણે પોતાના આ શોનું નામકરણ શી રીતે કર્યું તે જાણવું પણ રસપ્રદ થઈ પડશે. તેણે જણાવ્યું કે શાળામાં અભ્યાસ કરતો હતો ત્યારે અમારા અંગ્રેજીમાં શિક્ષકે મને કહ્યું હતું કે તારા નામમાં આવતાં, એટલે કેકરણના 'કે ' ને પગલે સઘળાં વિદ્યાર્થીઓ કોફીના સ્પેલિંગમાં 'સી' ના સ્થાને 'કે' લખે છે. બસ મેં મારા શોનુ ંનામ ' કોફી વીથ કરણ' રાખી દીધું.
કરણે આ શો શરૂ કર્યો ત્યાર પછી તેના શોમાં પુષ્કળ પરિવર્તન આવ્યું. આનું કારણ જણાવતાં ફિલ્મ સર્જક કહે છે કે આજથી ૨૦ વર્ષ પહેલાં સોશ્યલ મીડિયાનું ચલણ નહોતું તેથી હું જે મહેમાનોને નિમંત્રણ આપતો તેઓ એકદમ નચિંત, હળવા બનીને મારી સાતે વાતોએ ચડતાં. પરંતુ સોશ્યલ મીડિયાનું ચલણ શરૂ થયાં પછી તેઓ એકદમ સાવધાન થવાં લાગ્યાં. તેઓ પોતાના અંગત જીવન વિશે કે માપી-તોલીને જવાબ આપવા લાગ્યાં હતાં. અને આમ થવું સ્વાભાવિક પણ હતું. સોશ્યલ મીડિયાનું અવળું પાસું એ છે કે તેમાં નકારાત્મક ફેલાવતી વાતો બહુ ઝડપથી વાઈરલ થતી હોય છે. આવી સ્થિતિમાં કોઈપણ મહેમાન ચર્ચાના ચકડોળે ચડવાનું ટોળે તે સ્પષ્ટ છે. અને જ્યારે આવું બનવા લાગ્યું ત્યારે મેં પણ મારા શોમાં પરિવર્તન કરવાનો આરંભ કરી દીધો. મેં મારા શોને વધુ રમતિયાળ બનાવ્યો.
એક ફિલ્મ સર્જક તરીકે કરણને કેમેરાની પાછળ રહેવાની ફાવટ હતી. આમ છતાં તેણે કેમેરા સામે આવવવાનું શા માટે પસંદ કર્યુંય આના જવાબમાં કરણ કહે છે કે અગાઉ હું બહુ અંતર્મુખ અને શરમાળ હતો. પરંતુ ૨૦૦૦ની સાલમાં મેં એક એક એવોર્ડ શોનું સંચાલન કર્યું. કોઈપણ ફિલ્મ સર્જક એવોર્ડ શોનું સંચાલન કરે એ બાબત તે વખતે અસામાન્ય ગણાતી. ત્યાર પછીના વર્ષે પણ મેં એ એવોર્ડ શોનું સંચાલન કર્યું. પછી તો વર્ષાનું વર્ષ આ શોનું સંચાલન મારા ભાગે આવતું રહ્યું. અને મને કેમેરા સામને રહેવાનુ ં ફાવી ગયું. કરણ વધુમાં કહે છે કે મને અન્ય કેટલાંક એવોર્ડ શોના સંચાલન કરવાની પણ તક મળી. હું જ્યારે આ કામ કરતો ત્યારે મારા મનમાં પોતીકો ચેટ શો શરૂ કરવાના વિચારો આવતાં. વળી મને તબ્બસુમ સંચાલિત 'ફૂલ ખીલે હૈ ગુલશન ગુલશન' અને સીમી ગરેવાલ સંચાલિત 'રેન્ડેવુઝ' ચેટ શો અતિપ્રિય હતાં. મારા માતે આપણા દેશમાં ચેટ શોનું કલ્ચર શરૂ કરવામાં આ બંને મહિલાઓનો હાથ છે. મેં તો મારો શો ઘણો મોડો શરૂ કર્યો. આમ છતાં એક વાત ચોક્કસ છે કે મેં મારો શો મારી આગવી શૈલીમાં શરૂ કર્યો અને આગળ વધાર્યો.
જોકે કરણના આ શોના છેલ્લાં કેટલાંક એપિસોડની ખાસ્સી ટીકા થઈ છે. પરંતુ આ શોના સંચાલકને તેનાથી ઝાઝો ફરક નથી પડતો. તે કહે છે કે સમય સાથે ઘણું બદલાય છે. તમારી કોફી પણ શું દર વખતે એકસમાન બને છે ખરી? તેમાં પણ ઘણી વખત ફેરફાર આવે છે તો પછી મારા શોમાં બદલાવ આવે તેમાં કાગારોળ શાને?
તમને જાણીને નવાઈ લાગશે કે કરણે આ શો હાથ ધર્યો ત્યારે ઘણાં વર્ષ સુધી કોફી પીવાનું છોડી દીધું હતું. ફિલ્મ સર્જક આ બાબતે ફોડ પાડતાં કહે છે કે ખરેખર તો મેં આ શોની સફળતા માટે કોફી પીવાની બાધા લીધી હતી. વાસ્તવમાં મને કોફી અત્યંત પ્રિય છે. પરંતુ જ્યારે આપણે કોઈ માનતા માનીએ ત્યારે આપણી સૌથી માનીતી વસ્તુનો ત્યાગ કરતાં હોેઈએ છીએ. આ શોની સફળતા માટે કોફી ન પીવાની માનતા માની હતી.