કનિકા કપૂર : અભિનયનો શોખ તો મને બાળપણથી જ છે...
- 'હું તો હિન્દી ફિલ્મોમાં કંઈક કરવા ઇચ્છતી હતી, આથી મુંબઈ આવી ગઈ અને વિજ્ઞાાપનમાં કામ કરવાનું શરૂ કર્યું. પછી નાના પડદા પર કેટલાક શો કર્યા બાદ મને ફિલ્મ 'દોનોં' મળી.'
'એ મેચ્યોર' વેબ સીરિઝ અને 'એક દૂજે કે વાસ્તે' ટીવી સિરિયલ માં સુમનના પાત્રથી પ્રસિધ્ધિ મેળવનારી અભિનેત્રી કનિકા કપૂરે ગયા વર્ષે રિલીઝ થયેલી રાજશ્રી પ્રોડક્શનની ફિલ્મ 'દોનોં' સાથે બોલિવુડમાં પદાર્પણ કર્યું છે. કનિકાનો જન્મ આઇએએસ અધિકારીઓના પરિવારમાં થયો છે, પણ તેને તો નાનપણથી જ અભિનયમાં અનેરી રૂચિ જાગી હતી. કનિકા કપૂર કહે છે, 'અમે ફિલ્મ 'તા રા રમ પમ' જોવા ગયા હતા, જેમાં બાળકોને એ વાતની જાણ થાય છે કે તેમની પાસે ઘણાં બધા નાણાં નથી અને તેઓ નાણાં બચાવવાનું શરૂ કરી દે છે. મને તેનાથી પ્રેરણા મળી. મારાં માતાપિતા હંમેશા કહેતાં કે તું જ્યારે પણ તારા ઓરડામાંથી બહાર નીકળે ત્યારે પંખો અને લાઇટ બંધ કરી દેજે, પણ હું તેમની વાત ક્યારેય નહીં માનતી, પણ આ ફિલ્મને જોવા પછી મેં એવું કરવાનું શરૂ કરી દીધું. હું સિનેમાની શક્તિને ઓળખવા લાગી હતી, પણ જ્યાં સુધી મેં વાસ્તવમાં રંગમંચ પર કામ નહીં કર્યું ત્યાં સુધી મને એ વાતની જાણ નહોતી કે હું અભિનય કરી શકું છું કે નહીં.'
'મેં જ્યારે કૉલેજમાં થિયેટર કર્યું ત્યારે મને અનુભૂતિ થઈ કે અભિનય કરતી વખતે હું ઘણી સ્વતંત્રતા અનુભવતી હતી કેમ કે અન્યથા, સ્વભાવથી તો હું પોતાનામાં જ રહેલી એક શરમાળ વ્યક્તિ છું, પણ જ્યારે હું અભિનય કરું છું ત્યારે તો હું જે પણ બનવા ઇચ્છતી એ બની શકતી હતી. આ ભાવના મને આજે પણ અને અત્યારે પણ પ્રેરિત કરે છે. મને અભિનય કરવાનું ખૂબ ગમે છે અને ફિલ્મોની તાકાત નિહાળીને હું સ્વતંત્રતા અનુભવું છું. મને એવું લાગે છે કે આ બાબતે જ મને અભિનય શરૂ કરવા માટે પ્રેરિત કરી.'
પોતાના સંઘર્ષકાળને યાદ કરતા કનિકા કહે છે, 'મેં ઘણી સૌંદર્ય સ્પર્ધા જીતી છે. તે પછી એક ટેલેન્ટ એજન્સીએ મને સાઈન કરી, જેના માધ્યમથી મેં 'ટીપુ' નામની એક તેલુગુ ફિલ્મથી શરૂઆત કરી. શીખવા માટેનું આ મારું પ્રથમ ડગલું હતું અને તેનાથી જ મેં કેમેરાનો સામનો કેવી રીતે કરવો એ શીખી. જો કે હું તો હિન્દી ફિલ્મોમાં કંઈક કરવા ઇચ્છતી હતી, આથી મુંબઈ આવી ગઈ અને વિજ્ઞાાપનમાં કામ કરવાનું શરૂ કર્યું. આ પછી નાના પડદા પર કેટલાંક શૉ કર્યા અને અંતે મને ફિલ્મ 'દોનો' મળી.'
ગુડ લક.