કંગનાને માધવનનો સંગાથ પાછો ફળશે? .
- 'તનુ વેડ્સ મનુ'માં કંગના-માધવનની જોડીએ સાચ્ચે જ જમાવટ કરી હતી. ઉછાંછળી તનુને સંતુલિત કરવા માટે મનુનું ધીરગંભીર હોવું જરૂરી હતું.
કં ગના રનૌતની 'તેજસ' ફિલ્મ આવી, ભયંકર રીતે પછડાઈ અને ભૂલાઈ ગઈ. આ કંઈ પહેલી વારનું નથી. કંગનાની છેલ્લી કંઈકેટલીય ફિલ્મોના લગભગ આ જ હાલ થયા છે. તોય મજાની વાત આ છે. કંગનાની આગામી ફિલ્મ વિશે જનતામાં હંમેશા કુતૂહલ રહે છે. તેથી જ કંગનાના નેક્સ્ટ પ્રોજેક્ટ વિશે થોડા દિવસો પહેલાં ઘોષણા થઈ ત્યારે આમ દર્શકોને એક પ્રકારનો રોમાંચ તો થયો જ. કંગનાની આ ફિલ્મની હીરો છે, 'તનુ વેડ્સ મનુ'નો એનો કો-સ્ટાર આર. માધવન. આ એક સાઇકોલોજિકલ થ્રિલર છે. ચેન્નાઈમાં એનું શૂટિંગ શરૂ પણ થઈ ચૂક્યું છે. કંગનાની 'થલાઇવી' ફિલ્મના ડિરેક્ટર એ.એલ. વિજય જ આ ફિલ્મનું ડિરેક્શન પણ કરવાના છે.
કંગના રનૌતે ખુદ સોશિયલ મીડિયા પર આ ફિલ્મની અનાઉન્સમેન્ટ કરી હતી અને સાથે શૂટિંગના મુહૂર્તની તસવીરો પણ શેર કરી હતી. ઔર મજાની વાત તો આ હતી: સુપરસ્ટાર રજનીકાંત કંગના અને આખી ટીમને ઓલ-ધ-બેસ્ટ કહેવા માટે ખાસ સેટ પર આવ્યા હતા. હરખપદૂડી કંગનાએ સોશિયલ મીડિયા પર લખ્યું: 'અમારા શૂટના પ્રથમ દિવસ ભારતીય સિનેમાના ભગવાન ગણાતા રજનીસરે સ્વયં અમારા સેટ પર આવીને અમને સુખદ આંચકો આપ્યો.'
કડવી વાણી માટે કુખ્યાત એવી કંગના જરૂર પડયે મીઠી મધુરી વાતો પણ સરસ કરી જાણે છે. એ દિગ્દર્શકસાહેબને ઉદ્દેશીને લખે છે, 'વિજયસર, 'થલાઇવી'ના અફલાતૂન અનુભવ પછી તમારી સાથે ફરી કામ કરવા હું અત્યંત ઉત્સુક છું. તમારી ટીમનો હિસ્સો બનવા અને તમારી પાસેથી શીખવા હું તત્પર છું.'
સાઉથના જાણીતા સંગીતકાર જી.વી. પ્રકાશ કુમારનું સંગીત ધરાવતી આ ફિલ્મ હિન્દી અને તમિલ બંને ભાષામાં બની રહી છે. માધવન તમિળભાષી પણ છે અને બમ્બૈયા પણ છે. હિન્દી અને તમિળ બન્ને ભાષાઓમાં તે એકસમાન પ્રભુત્વ ધરાવે છે. 'તનુ વેડ્સ મનુ'માં કંગના-માધવનની જોડીએ સાચ્ચે જ જમાવટ કરી હતી. ઉછાંછળી તનુને સંતુલિત કરવા માટે મનુનું ધીરગંભીર હોવું આવશ્યક હતું અને આ ગાંભીર્ય માધવને સુંદર ઉપસાવ્યું હતું.
માધવન હવે તો ડિરેક્ટર પણ બની ચૂક્યા છે. એની ડિરેક્ટર તરીકૈની પહેલી જ ફિલ્મ કેટલી માતબર - 'રોકેટ્રી: ધ નામ્બી ઇફેક્ટ'. એક ડિરેક્ટર તરીકે માધવનની ગતિ કેવી રહેશે તે જોવાની આપણને મજા આવવાની છે. માધવનની એક્ટર તરીકેની એક આગામી ફિલ્મમાં આપણને વિશેષ રસ પડવાનો છે, કેમ તે એક 'વશ' નામની ગુજરાતી હોરર ફિલ્મની રીમેક છે. કૃષ્ણદેવ દીક્ષિતે ડિરેક્ટ કરેલી 'વશ'માં જે શેતાની રોલ હિતેનકુમારે કર્યો હતો, તે હિન્દી રીમેકમાં અજય દેવગણે નિભાવ્યો છે અને હિતુ કનોડિયાવાળો પિતાનો રોલ માધવને કર્યો છે. હિન્દી વર્ઝનના ડિરેક્ટર છે, વિકાસ બહલ. માધવનની તાજેતર સ્ટ્રીમ થયેલી વેબ સિરીઝ 'ધ રેલવેમેન' પણ ઠીક ઠીક વખણાઈ રહી છે. આ શો ભોપાલ ગેસ ટ્રેજડી પર આધારિત છે.
કંગના અને માધવનની આ ફિલ્મ આવે તે પહેલાં કંગનાની એક અતિપ્રતિક્ષિત ફિલ્મ 'ઈમરજન્સી' રિલીઝ થઈ જશે. તેમાં એણે ઇંદિરા ગાંધીની લાર્જર-ધેન-લાઇફ ભૂમિકા ભજવી છે. ફિલ્મનું ડિરેક્શન પણ એણે જ કર્યું છે. અનુપમ ખેર, શ્રેયસ તલપડે, મહિમા ચૌધરી, મિલિંદ સોમણ અને સદ્ગત એક્ટર સતિશ કૌશિક પણ 'ઇમરજન્સી'માં દેખાશે.
જોઈએ, કંગનાની નિષ્ફળતાની પરંપરાને આ બન્ને ફિલ્મો - 'ઇમરજન્સી' અને માધવનવાળી ફિલ્મ - અટકાવી શકે છે કે કેમ.