કંગના રનૌત: રાજકારણમાં જઈને હું ફસાઈ ગઈ છું...
- અત્યાર સુધી હું જ મારી બોસ હતી, મને કોઈ ફરમાન આપતું નહોતું, પણ રાજકારણમાં તો મારા બોસ જ બોસ છે!
પેે લું કહે છેને કે લવ હર ઓર હેટ હર, બટ યુ કેન નોટ ઇગ્નોર હર. તમે કંગનાને ચાહો કે ધિક્કારો, પણ તમે એને અવગણી તો ન જ શકો! હજુ થોડા દિવસો પહેલાં એક ન્યુઝ ચેનલની જાહેર ઇવેન્ટમાં કંગનાએ પૂરેપૂરી પારદર્શિતા સાથે વાતો કરી. એક પ્રશ્નના ઉત્તરમાં કંગનાએ કહ્યું, 'હા, મને ક્યારેક લાગે છે કે રાજકારણમાં જઈને હું 'ટ્રેપ' થઈ ગઈ છું (એટલે કે ફસાઈ ગઈ છું). અત્યાર સુધી હું જ મારી બોસ હતી, મને કોઈ ફરમાન આપતું નહોતું, પણ રાજકારણમાં તો મારા બોસ જ બોસ છે!'
નરેન્દ્ર મોદીએ હજુ સુધી કંગનાને મીટિંગ માટે સમય આપ્યો નથી, બોલો. 'હા, હજુ રાહ જોઈ રહી છું કે મને પી.એમ.ની અપોઇન્ટમેન્ટ ક્યારે મળે...' કંગના કહે છે, 'હું હિમાચલ પ્રદેશના મંડી લોકસભાક્ષેત્રની પ્રતિનિધિ છું અને મંડી આખા દેશની બીજા નંબરની સૌથી મોટી કોન્સ્ટિટયુઅન્સી છે. છતાં પણ તેને કોઈ વિશેષ મદદ આપવામાં આવતી નથી. મોદીજી મને મળે તો હું એમની સાથે આ બધા મુદ્દાઓની ચર્ચા કરવા માગું છું.'
નેતા બનવું એટલે માત્ર સભાઓ ગજવવી ને ચૂંટણી લડવી એમ નહીં. 'ખૂબ બધું વહીવટી કામ રહેતું હોય છે એક સાંસદને...' કંગના કહે છે, 'મારા મતક્ષેત્રના વિધાનસભ્યો, અન્ય વહીવટી અધિકારીઓ આ સૌના વિશે મારી પાસે માહિતી હોવી જોઈએ. પુષ્કળ કામ રહે છે. નાની હતી ત્યારે જેમ લંચ બોક્સ લઈને રોજ સ્કૂલે જતી એવી સ્થિતિ પાછી આવી છે. હું હવે રોજ સવારે લંચ બોક્સ પેક કરીને હું ઓફિસે જવા નીકળી જાઉં છું...'
કંગનાને બ્રહ્મજ્ઞાાન લાધ્યું છે કે સાંસદ હોવું તે ફુલટાઇમ જોબ છે. રાજકારણની સાથે સાથે ફિલ્મો કરવી ખૂબ અઘરી છે! અધૂરામાં પૂરું, એની 'ઇમરજન્સી' ફિલ્મને એક પછી એક વિઘ્નો નડતા જ રહે છે. જો કોઈ નવું વિઘ્ન નહીં આવે તો ૧૭ જાન્યુઆરીએ આ ફિલ્મ રિલીઝ થશે. કંગના ફિલ્મની મુખ્ય અભિનેત્રી ઉપરાંત ડિરેક્ટર, સહનિર્માત્રી અને સહલેખિકા પણ એ જ છે. કંગના રનૌતે 'ઈમરજન્સી' ફિલ્મની રિલીઝ પહેલાં પત્રકારો સાથે ચિક્કાર વાતો કરી છે. આ વાતચીતના અંશો અહીં પ્રસ્તુત છે.
* મૈંને કભી સોચા નહીં થા કી મૈં રાજનીતિમાં આઉંગી અને ન તો મેં અભિનેત્રી બનવા અંગે વિચાર્યું હતું, પણ નસીબે મને અભિનેત્રી, પછી દિગ્દર્શકથી માંડી પછી નેતા સુધીની સફર કરાવી છે.
* જે કામ તમને આવડે છે, તેમાં પડકાર અને સંઘર્ષ બંને ઓછા આવે છે. મેં 'મણિકર્ણિકા'નું દિગ્દર્શન કયુંર્ અને એ ફિલ્મે ૧૦૦ કરોડનો બિઝનેસ કર્યો એટલે મારો આત્મવિશ્વાસ વધ્યો. હવે 'ઈમરજન્સી' પણ કામિયાબ નીવડે એવી આશા છે.
* કેટલાંક લોકો પરિવારવાદનો શિકાર બની જાય છે, જેમાં રાહુલ ગાંધી પણ છે. તેમના પર ઘણું દબાણ રહે છે. તેઓ કંઈક બીજું કરી શક્યા હોત, પણ પરિસ્થિતિ એમને લાચાર કરી મૂક્યા છે - રાજકારણ રમવા માટે! જો તેઓ કશુંક અલગ કરતાં તો કદાચ કામિયાબ થાત. મને રાહુલ અને પ્રિયંકા બંને સારાં લાગે છે. એવું લાગે છે કે બંને પરિસ્થિતિનો શિકાર બન્યા છે. તેમની માતાએ તેમને આ રીતે ટોર્ચર ન કરવા જોઈએ.
* હું ઇન્દિરા ગાંધીનું સન્માન કરું છું. 'ઈમરજન્સી' ફિલ્મ કોઈ પાર્ટી-વિશેષને ટાર્ગેટ કરવા નથી બનાવી. આપણા દેશમાં જે ઈમરજન્સીની ઘટના બની, એ વાતો અને તથ્યોને સામે રાખીને ફિલ્મ બનાવી છે અને એક સંદેશ પણ આપ્યો છે કે જેથી ભવિષ્યમાં આપણા બંધારણ સાથે કોઈ રમત નહીં રમી શકે.
કંગના જેવી ગરમ ખોપડીની વ્યક્તિ રાજકારણમાં કેટલો સમય સહિષ્ણુ બનીને મગજ ઠંડું રાખી શકે છે તે જોવાનું રહ્યું...