Get The App

કંગના - અનુ કપૂર વિવાદ

Updated: Jul 4th, 2024


Google NewsGoogle News
કંગના - અનુ કપૂર વિવાદ 1 - image


- 'મને કોઈની સુંદરતા કે શક્તિમાં રસ નથી'

અભિનેત્રી અને સાંસદ કંગના રનૌત અને અભિનેતા અનુ કપૂર વચ્ચે થોડા દિવસો પહેલાં શાબ્દિક આરોપ-પ્રત્યારોપ જોરશોરથી ચાલ્યા હતા. બંને જણા જરાય નીચું ઝૂકવા તૈયાર નહોતાં. જોકે આ જીભાજોડીનો કોઈ અર્થ નથી, પણ બેમાંથી એકેય જરાય ઉતરતું મુકવા તૈયાર નહોતું, બંનેનો અહંમ્ જોરદાર ટકરાયો હતો. જોકે છેવટે અનુ કપૂરે કંગનાની માફી માગી લીધી હોવાનું જાણવા મળ્યું છે અને તેને એક પત્ર પણ લખ્યો છે.

આ આક્ષેપબાજીની શરૂઆત એક પત્રકાર પરિષદમાં અનુ કપૂરને પૂછવામાં આવેલા પ્રશ્નથી થઈઃ ચંડીગઢ એરપોર્ટ પર સીઆઈએસએફ કોન્સ્ટેબલે કંગના રનૌતને એક લાફો ઝીંકી દીધો, એ અંગે તમારું શું કહેવું છે? આ પ્રશ્નનો ઉત્તર આપતાં અન્નુ કપૂરે જણાવ્યું, 'યે કંગનાજી કૌન હૈ? પ્લીઝ બતાઓના કૌન હૈ? ઝાહિર હૈ આપ પૂછ રહે હો તો કોઈ બહુત બડી હીરોઈન હોગી. સુંદર હૈ ક્યા?' આ પછી પત્રકારોએ તેમને જણાવ્યું કે તે મંડીથી તાજેતરમાં ચૂંટાઈ આવેલી સાંસદ છે. આથી તેમણે જણાવ્યું, 'ઓહ, વો ભી હો ગઈ? અભી તો બહુત શક્તિશાળી હો ગયી હૈ.'

૩૮ વર્ષની અભિનેત્રી કંગના રનૌતે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર કહ્યું, 'અનુ કપૂર કહે છે કે સફળ સ્ત્રી હોય તો તેને નફરત કરો, જો તે સુંદર હોય તો વધુ નફરત કરો અને જો તે શક્તિશાળી હોય તો વધુ જુસ્સાથી નફરત કરો? શું તમે આ વાત સાથે સહમત છો?'

આ બાબત અંગે અન્નુ કપૂરને પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું કે, 'એક સાંસદ તરીકે તેણે તેના કામ પર ફોકસ કરવું જોઈએ. મને કોઈની સુંદરતા અથવા શક્તિ બાબતમાં કોઈ રસ નથી. અપના અચ્છા કામ કરો. તમને આટલી મોટી જવાબદારી સોંપવામાં આવી છે. માતૃભૂમિ માટે કામ કરો, જો કરી શકો તો. બેકાર કી ચીજો પર સે અપના ધ્યાન ખિંચો.' 

૬૮ વર્ષી આ અભિનેતા ઉમેરે છે કે ઇન્સ્ટાગ્રામ પર કંગનાએ જે પ્રતિસાદ આપ્યો તે બરાબર નહોતો. તેઓ કહે છે, 'આ 'દ્વેષ' નામનો શબ્દ મારા મન, માનસ કે શબ્દકોશમાં અસ્તિત્વ જ ધરાવતો નથી. કંગનાની પોસ્ટ પછી કોઈએ મને કહ્યું કે આ બધુ શું ચાલે છે? આથી મેં તેને સંબોધીને એક પત્ર લખ્યો અને મારા મીડિયા પર્સન (પીઆર)એ તેને મારા એકાઉન્ટ પર પોસ્ટ કર્યો.' 

હું તો સ્ત્રીઓનું સન્માન કરું છું

કંગના રનૌતની ઇન્સ્ટા-સ્ટોરી પર પ્રત્યાઘાત આપતા અનુ કપૂરે જણાવ્યું, 'હું મારી પત્નીને પ્રેમ કરું છું અને તેને હું દેવીની જેમ માન આપું છું. હું મારી બહેનને પણ પ્રેમ અને સન્માન કરું છું. હું આ પૃથ્વી પરની દરેક સ્ત્રીને પ્રેમ કરું છું. તો યે ઇસ તરહ કી છોટી બાતેં અન્નુ કપૂર કે સાથ ના કરેં. હું કોઈ પણ વ્યક્તિ કે જગ્યાને જાણતો ન હોઉં તો એ ગુનો નથી. હું ફિલ્મો જોતો નથી. મને નવી પેઢીનાં લોકો વિશે ખબર નથી હોતી. આ કંઈ ગુનો નથી. ભગવાન તેનું ભલું કરે.'

એટલે શું અનુ કપૂર એમ કહે છે કે હિન્દી સિનેમામાં કંગના રનૌત નામની ્અભિનેત્રી છે તેના વિશે તેઓ જાણતા નથી? કંગના રનૌતના અસ્તિત્ત્વ વિશે જ તેઓ બેખબર છે એમ તેઓ કહેવા માગે છે? ખરેખર? શું તેઓ એમ કહેવા માગે છે કે કંગના રનૌત લોકસભાની ચુંટણી જીતી ગઈ તેની એમને ખબર નહોતી? અનુ કપૂરસાહેબ કોને બેવકૂફ બનાવે છે? ખેર, જેમ અહંકાર કે ગરુતાગ્રંથિ ટકતાં નથી, તેમ દ્વેષભાવ પણ છૂપાઈને રહી શકતો નથી. ઈશ્વર સૌને વિવેકબુદ્ધિ  આપે! 


Google NewsGoogle News