જ્યોતિકા : બોલિવુડ અને દક્ષિણ ભારતીય ફિલ્મ ઉદ્યોગ વચ્ચે હવે ભેદભાવ નથી
- 'મારી પહેલી હિન્દી બોક્સ ઓફિસ પર નિષ્ફળ જતાં અહીંની પ્રચલિત પદ્ધતિ મુજબ મને બીજી ઓફર ન મળી. બોલિવુડમાં નિયમ છે કે તમારી પ્રથમ ફિલ્મ હિટ થાય તો જ તમને વધુ ઓફરો મળે.'
છે લ્લે શૈતાન અને શ્રીકાંત જેવી હિન્દી ફિલ્મોમાં દેખાયેલી જ્યોતિકાએ એક મુલાકાતમાં દક્ષિણ ભારતીયોને બોલીવૂડ ફિલ્મોમાં કેવી રીતે પ્રોજેક્ટ કરાય છે તેના વિશે જણાવ્યું હતું. દક્ષિણ ફિલ્મ ઉદ્યોગમાં મોટું નામ ગણાતી જ્યોતિકાએ કબૂલ કર્યું કે અહીં અતિશ્યોક્તિ કરાઈ રહી છે. અમને ચોક્કસ ઈડલી-સંબાર પસંદ છે, અમને એક્શન ફિલ્મો પણ પસંદ છે એ ખરું, પણ જે રીતે અહીંની ફિલ્મોમાં દર્શાવાય છે તેવું નથી હોતું. અમારા ઉદ્યોગમાં પણ રાજકુમાર જેવા હિન્દી કલાકારો હતા જેમની અતિરેક કરવાની પોતાની વિશિષ્ટતા હતી. પણ રજની સરને તો એક નવા સ્તરે લઈ જવાયા.મનોરંજન માટે ભલે તે યોગ્ય હોય પણ ખરું કહું તો હિન્દી ફિલ્મોમાં મોટા ભાગે દક્ષિણ ભારતીયોને ખોટી રીતે દેખાડવામાં આવતા હોય છે.
જ્યોતિકાએ ઉમેર્યું કે હાલ ભલે ઉત્તર-દક્ષિણ ભેદભાવ નથી રહ્યો પણ એક સમયે ઉત્તરમાં દક્ષિણની ફિલ્મોની રજનીકાંતના મીમ સાથે મજાક કરવામાં આવતી હતી. જ્યોતિકાએ કહ્યું કે હું દક્ષિણમાં ગઈ ત્યારે મેં જોયું કે અહીંના લોકો વધુ હિન્દી ફિલ્મો નહોતા જોતા. પણ હું જ્યારે ઉત્તરમાં આવી ત્યારે મેં જોયું કે અહીં દક્ષિણની ફિલ્મોની મજાક કરાતી હતી. બંને વિશ્વ વચ્ચે આટલો ભેદ જોઈને મને રંજ થયો હતો.
જો કે, જ્યોતિકાએ કબૂલ કર્યું કે હવે વાતાવરણ બદલાયું છે. જ્યોતિકાએ કહ્યું કે શૈતાનના સેટ પર મને અને આર માધવનને પૂરતુ સન્માન અપાયું હતું. અજય દેવગણે અમને તેની સમકક્ષ ગણ્યા અને સમગ્ર ટીમે અમને પ્રાદેશિક કલાકારોની બદલે દક્ષિણના અગ્રણી કલાકારો તરીકે સન્માન આપ્યું. અમને અહેસાસ થયો કે દક્ષિણ માટેનો પ્રેમ બોલીવૂડમાં પણ પ્રવેશી ચુક્યો હતો અને આ લાગણી પરસ્પર હતી.
જ્યોતિકાએ હિન્દી ફિલ્મોમાં તેનું ડેબ્યુ ૧૯૯૮માં અક્ષય ખન્ના સાથે ડોલી સજા કે રખનામાં કર્યું. ફિલ્મ બોક્સ ઓફિસ પર નિષ્ફળ ગઈ અને આખરે જ્યોતિકાએ દક્ષિણની ફિલ્મોમાં પોતાનું નસીબ અજમાવ્યું.
અગાઉ એક મુલાકાતમાં જ્યોતિકાએ પોતે આટલો સમય હિન્દી ફિલ્મોમાંથી શા માટે ગાયબ રહી તેનો ખુલાસો કર્યો. તેણે કહ્યું કે મને આ વર્ષો દરમ્યાન બોલીવૂડમાંથી કોઈ ઓફર મળી જ નહોતી. મને એકવાર પણ હિન્દી ફિલ્મની ઓફર ન મળી. હું ૨૭ વર્ષ અગાઉ દક્ષિણની ફિલ્મો તરફ વળી અને ત્યારથી મેં માત્ર દક્ષિણની ફિલ્મોમાં જ કામ કર્યું છે. મારી પ્રથમ હિન્દી ફિલ્મ બોક્સ ઓફિસ પર નિષ્ફળ જતા અહીંની પ્રચલિત પદ્ધતિ મુજબ મને બીજી ઓફર ન મળી. બોલીવૂડમાં નિયમ છે કે તમારી પ્રથમ ફિલ્મ હિટ થાય તો જ તમને વધુ ઓફરો મળે છે.
દક્ષિણમાં સફળ થવા છતાં પોતાને હિન્દી ફિલ્મોમાં શા માટે ઓફર ન મળી તેનો ખુલાસો કરતા જ્યોતિકાએ કહ્યું બોલીવૂડમાં ફિલ્મ સર્જકો માનતા હું દક્ષિણ ભારતીય છું અને તેમણે ધારી લીધું કે મને હવે હિન્દી ફિલ્મોમાં રસ નથી. આ પણ એક સમય હતો અને મને દક્ષિણમાં સફળતા મળી તેના માટે હું દર્શકોની આભારી છું. મેં અહીં કેટલીક અભૂતપૂર્વ ફિલ્મો કરી છે. મને હિન્દી ફિલ્મો કરવા સામે કોઈ વાંધો નથી પણ મને હિન્દી ફિલ્મો ઓફર જ નથી થઈ.
સુરિયા સાથે પરણેલી જ્યોતિકા પોનમગલ વંધલ, સીથા કલ્યાનમ, ૩૬ વાયાધિનિલે, મોઝી, કાખા કાખા, સિલુનુ ઓરુ કાધલ અને પચૈકિલી મુથુચરમ જેવી ફિલ્મોમાં તેના અભિનયથી જાણીતી થઈ. મલાયલમ ફિલ્મમાં મામૂટી સાથે કાથાલ - ધી કોરમાં તેના શક્તિશાળી પરફોર્મન્સથી તેણે દર્શકો સાથે વિવેચકોનું પણ ધ્યાન ખેંચ્યું.
જ્યોતિકા ડબ્બા કાર્ટેલ સીરીઝમાં શબાના આઝમી, ગજરાજ રાવ, લિલેટ ડુબે, અંજલિ આનંદ, સાઈ તમ્હાણકર, શાલિની પાંડે, જિશુ સેનગુપ્તા અને નિમિષા સજાયન સાથે દેખાશે. આ સીરીઝનું નિર્માણ ફરહાન અખ્તર અને રિતેશ સિદવાને કર્યું છે અને તેને ઓટીટી પર દર્શાવાશે.