જુનૈદ ખાન : 'મહારાજ' અટકી પડી ત્યારે અમારા શ્વાસ અધ્ધર થઈ ગયા હતા
'મહારાજ' ફિલ્મની રિલીઝ પૂર્વે ઘણી મડાગાંઠ સર્જાઈ, કોર્ટે પણ માથું મારવું પડયું, પણ છેવટે વડી અદાલતે આ ફિલ્મ પરનો પ્રતિબંધ દૂર કર્યો અને રસિયાઓએ આ ફિલ્મ એટલી હદે જોઈ કે નેટફ્લિક્સ પર તે નંબર વન પોઝિશન પર આવી. ઓડિયન્સનો પ્રતિસાદ આવી રહ્યા છે ત્યારે આ ફિલ્મનો હીરો જુનૈદ ખાન શું કહે છે? 'મહારાજ' ફિલ્મથી બોલિવુડમાં પદાર્પણ કરનારો જુનૈદ ખાન અભિનેતા આમિર ખાનનો પુત્ર છે. પહેલી જ ફિલ્મ વિવાદસ્પદ બને ત્યારે તેનો અભિગમ જાણવો અગત્યનો બની રહે છે.
૩૧ વર્ષીય જુનૈદ ભારપૂર્વક કહે છે, 'નિર્માતાઓએ ક્યારેય કોઈને નુકસાન પહોંચાડવાનો કે કોઈની લાગણી દુભાવવાનો ઇરાદો નહોતો રાખ્યો. ફિલ્મમાં ૧૭૦ વર્ષ પહેલાંના સમાજના એક ચોક્કસ વર્ગની વાત છે. જાતીય અસમાનતા, મહિલાઓનું શોષણ, ધાર્મિક અંધશ્રધ્ધા તે વખતે પ્રચંડ હતાં. અહીં વાત સમાજસુધાણા અને ધર્મસુધારણાની છે. ઓડિયન્સ આ મુદ્દાને બરાબર સમજી રહ્યા છે તે વાતનો મને આનંદ છે.'
ફિલ્મની રિલીઝ વિશે અનિશ્ચિતતા ફેલાયેલી હતી તે તંગ ક્ષણોને યાદ કરતાં જુનૈદ કહે કહે છે, 'જ્યારે ફિલ્મ અટકી પડી હતી ત્યારે અમે બધા જાણે પહાડની ૦૦ાર પાસે ઊભા હોઈએ એવું લાગતું હતું. અમારા સૌના શ્વાસ અ૦૦ર થઈ ગયા હતા. ન્યાયતંત્રનો આભારી છું કે આ ફિલ્મને એ જેવી છે તે જ સ્થિતિમાં રિલીઝ કરવાની પરવાનગી આપી.'
આ ફિલ્મ અંગે આમિર ખાનની પ્રતિક્રિયા કેવી છે? આ પ્રશ્નનો ઉત્તર આપતા જુનૈદ કહે છે, 'પાપાને ફિલ્મ ગમી છે. પાપા એવા માણસ છે કે જો તમે માગો તો જ સલાહ આપે. તેઓ અમને અમારી રીતે નિર્ણયો લેવા દે છે. અમારી પાસે પૂછવા માટે કોઈ ચોક્કસ મુદ્દો હોય તો અમે ચોક્કસપણે એમની પાસે જઈએ છીએ અને તેઓ અમને ગાઇડ પણ કરે છે. તેઓ આટલા અનુભવી અને કાબેલ માણસ છે. એમની સલાહ અમને ઉપયોગી બને જ.' બિલકુલ.