શર્વરી વાઘ સાથે જુનૈદ આમિર ખાન જોવા મળશે
અભિનેત્રી શર્વરી વાઘના નામથી આજે પણ ઘણાં લોકો અજાણ છે. વેબ સીરિઝ 'ધ ફરગોટન આર્મી-આઝાદી કે લિયે'માં સની કૌશલ સાથે જોવા મળેલી આ અદાકારાએ 'બન્ટી ઔર બબલી-૨'થી બોલીવૂડમાં ડગ માંડયા.તેને પોતાની સૌપ્રથમ મૂવીમાં જ રાણી મુખર્જી,સૈફ અલી ખાન અને સિધ્ધાંત ચતુર્વેદી જેવા જાણીતા કલાકારો સાથે કામ કરવાની તક મળી. અલબત્ત, તેણે વેબ સીરિઝ અને સિનેમા,બંનેમાં પોતાની અભિનય ક્ષમતાનો પરચો બતાવી દીધો. આમ છતાં બોલીવૂડ તેને માટે નવું નહોતું. કહેવાનો અર્થ એ છે કે તેણે કેમેરા સામે કામ કરવાથી પહેલા કેમેરા પાછળ રહીને કામ કર્યું હતું. શર્વરીએ 'બાજીરાવ મસ્તાની', 'પ્યાર કા પંચનામા-૨', 'સોનુ કે ટિટુ કી સ્વીટિ' જેવી ફિલ્મોમાં આસિસ્ટંટ ડાયરેક્ટર તરીકે કામ કર્યું હતું. અને છેક વર્ષ ૨૦૧૫થી યશરાજ ફિલ્મ્સ માટે ઓડિશન આપતી હતી. શર્વરી તેના અભિનય સાથે ફેશન સેન્સ માટે ખાસ્સી પ્રશંસા પામી છે.ચાહે તે ફિલ્મમાં હોય કે પછી વાસ્તવિક જીવનમાં. હવે તેની આમિર ખાનના પુત્ર જુનૈદ સાથેની ફિલ્મ 'મહારાજા' આવવાની છે. જોકે તેની રજૂઆતની તારીખની જાહેરાત નથી થઇ. પરંતુ કોરોના કાળમાં પણ તેની પહેલી ફિલ્મ થિેયેટરોમાં રજૂ થઇ તેથી તે બહુ ખુશ છે. તે કહે છે કે આ મૂવીની રીલિઝ પછી મને એમ લાગે છે કે તમારે તમારી નમ્રતા જાળવી રાખવી જોઇએ.
પોતાની આગામી ફિલ્મો વિશે વાત કરતાં તે કહે છે કે મારા હાથમાં કેટલાંક પ્રોજેક્ટ્સે છે.અને હું આ મૂવીઝ તેમ જ વેબ સીરિઝોમાં વિવિધ પાત્રો ભજવીને આગળ વધવા માગું છું.
અદાકારા ઘણાં વર્ષથી કી-બોર્ડ ચલાવે છે. અને હવે તેને પીઆનો શીખવાની ઇચ્છા છે. તે કહે છે કે હું છેલ્લા ૧૨ વર્ષથી કી-બોર્ડ ચલાવું છું. પણ હવે આ વર્ષે મને પીઆનો શીખવો છે.
શર્વરી માને છે કે જીવનમાં સફળતા અને નિષ્ફળતા તો આવતાં જ રહે. પરંતુ સફળતા તેને કહેવાય જ્યારે દિવસના અંતે તમને એમ લાગે કે અંગત અને વ્યાવસાયિક જીવનમાં તમે શ્રેષ્ઠ પ્રદાન કરવાનો પ્રયાસ કર્યો. જો તમે આટલું કરી શકો તો તમારા જીવનમાં ઉત્તમ સમય આવવાનો જ. આ અભિનેત્રી બોલીવૂડના નવા ફાલમાંથી આવે છે. તે ખૂબસુરત અને યુવાન છે. તેથી ે ઇચ્છે છે કે ફિલ્મોદ્યોગમાં તેમની પેઢીની યુવતીઓ માટે પ્રેરણાદાયી બની રહે એવા મહિલાપ્રધાન પાત્રો લખાવા જોઇએ.