જુહી પરમાર કરે છે 90ના દાયકાની સ્મૃતિ-સફર
- ઓટીટી પર ડેબ્યુ કરવા માટે હું કંઈ કોઈ પણ પ્રોજેક્ટને હા ન પાડી દઉં. ઓફર્સ ઘણી હતી, પણ હું ના પાડતી રહી.
મો ટાભાગે એક્ટરો માટે એક્ટિંગ એક જોબ બની રહે છે. તેઓ કેમેરા સામે પોતાનું પાત્ર ભજવીને કામ પૂરું થવા જેવી લાગણી અનુભવે છે. અલબત્ત, ક્યારેક કોઈક સ્ક્રિપ્ટ કે કોઈક રોલ એક્ટરને ઇમોશનલી અપીલ કરી જાય છે અને એના જુનાં સંસ્મરણો તાજા થઈ જાય છે. એક્ટર નોસ્ટેલ્જિયામાં સરી પડે છે. તાજેતરમાં ઓટીટી પર શરૂ થયેલા વેબ શો 'યે મેરી ફેમિલી-૨'ના મેકિંગ દરમિયાન અનુભવી અદાકારા જુહી પરમારને આવો જ અદ્ભુત અનુભવ થયો હતો. પોતાની એ લાગણીસભર નોસ્ટેલ્જિક મોમેન્ટને શેર કરતા જુહી કહે છે, 'યે મેરી ફેમિલી (સિઝન-ટુ)ના શુટિંગ દરમિયાન અમે બધા આર્ટિસ્ટો અમારા બાળપણની વાતો વાગોળતા. ઘણી નાની નાની બાબતો અમને અમારા બાળપણની યાદ અપાવી જતી. દાખલા તરીકે, ઓડિયો કેસેટ, ટીવી સેટ, ઇન્ક પેન વગેરે. એ જમાનામાં વપરાતી ઘણી બધી વસ્તુઓ યાદ આવતી. અમારા કપડાં પણ એ સમયનાં જ હતાં. લગભગ દરેક ચીજ અમને એ સરસ મજાના ભૂતકાળમાં લઈ જતી. અમારી જેમ દર્શકો પણ આ પારિવારિક વેબ સિરીઝમાં ૧૯૯૦ના દાયકાના બ્યુટિફુલ, ફીલ-ગુડ ફેક્ટરનો અનુભવ કરશે.'
આ વેબ-સિરીઝથી જુહી પરમારે ઓટીટી પર ડેબ્યુ કર્યું છે. શોની નવી સિઝન દર્શકોને નવુંના દશકના લખનઉમાં લઈ જશે. ઓટીટી પ્લેટફોર્મ પર એન્ટ્રી મારવા માટે પોતે આ જ સિરીઝ પર શા માટે પસંદગી ઉતારી એનું કારણ આપતા અભિનેત્રી કહે છે, 'હું કોઈ નવા મીડિયમમાં પ્રવેશવા ખાતર કોઈ પણ પ્રોજેક્ટ કરવાની હા ન પાડી શકું. મને ઘણી બધી ઓફરો મળી હતી, પણ હું એ બધા માટે ના પાડતી રહી, કારણ કે હું એમની સાથે લાગણીથી જોડાઈ નહોતી શકતી. 'યે મેરી ફેમિલી'ની વાત જુદી છે. આ એક કલ્ટ શો છે અને મેં એક કલ્ટ શોથી ડેબ્યુ કર્યું છે. શોની પહેલી સિઝન બધાના હૃદયને સ્પર્શી ગઈ હતી અને અમે એ વારસાને નવી સિઝનમાં આગળ વધાર્યો છે. બીજું, ઘણી બધી એવી સિરીઝ છે જે જોનારાને ખોટો મેસેજ આપે છે. હું આવો મેસેજ આપવામાં નિમિત્ત ન બની શકું. 'યે મેરી ફેમિલી-ટુ' ઘરના બધા સભ્યો સાથે બેસીને જોઈ શકે છે અને શો જોઈને તેઓ એકબીજાની વધુ નજીક આવશે.'
જુહી શોમાં નીરજાના રોલમાં છે અને એનો પોતાના અને પોતાના પાત્ર વચ્ચે ઘણું સામ્ય લાગે છે. પોતાના પાત્ર વિશે એકટ્રેસ કહે છે, '૧૯૯૦ના દાયકામાં મા-બાપની પોતાનાં સંતાનોના ઘડતરની સ્ટાઈલ એકદમ અલગ હતી. નીરજા એક સિદ્ધાંતવાદી મહિલા છે, જે પોતાના વિચારો પર અડગ રહેવામાં માને છે. એ ઇચ્છે છે કે બાળકો જીવનમાં આગળ વધે, છતાં એ સંતાનોને બધુ પોતાની મરજી પ્રમાણે કરવાની ફરજ નથી પાડતી. નીરજાની જેમ હું પણ મારા ફેમિલીને બહુ પ્રેમ કરું છું અને પરિવાર માટે બધું કરી છુટવા તૈયાર છું. નીરજા માથે ઊભા રહીને બાળકોને ભણવાનું કહે છે, પણ હું રિયલ લાઈફમાં એવી નથી. હું મારી દીકરીને એની રીતે રહેવા દઉં છું, કોઈ વાત માટે જબરજસ્તી નથી કરતી.'
વેબ સિરીઝ દર્શકોને નોસ્ટેલ્જિક ટ્રિપ (સંસ્મરણ યાત્રા) પર લઈ જશે એવો દાવો કરી એનું કારણ આપતા જુહી કહે છે, 'નેવુંના દશકમાં જેઓ નાના હતા એમને શો જોઈને બાળપણ સાંભરશે અને જેઓ આજે મારા પેરેન્ટ્સની ઉંમરના છે એમને નીરજા અને એના પતિ સંજયમાં પોતાનું પ્રતિબિંબ નજરે પડશે, કારણ કે તેમને એ સમયની પેઢીને શો જોઈને ૧૯૯૦ના દશકનો ભાગ બનવાની ઇચ્છા થઈ આવશે. ખાસ તો એટલા માટે કે એ ગેજેટ્સનો નહીં, માનવીય લાગણીનો યુગ હતો. એ સમયે મોબાઈલમાં ઈમોજી મોકલીને લોકો એકબીજાને સપોર્ટ નહોતા કરતા, પણ ખરેખર એકબીજાની પડખે ઊભા રહેતા હતા. એ કાળમાં ફેમિલીમાં જબરજસ્ત બોન્ડિંગ જોવા મળતું,' એટલું કહી જુહી પોતાની વાત પૂરી કરે છે.