જિમી શેરગિલ : મને હવે હળવી ભૂમિકા ભજવવી છે
- ' તમને જે ઓફર મળે તેમાંથી તમે જે બેસ્ટ હોય તે પસંદ કરો છો. મને હજુ પણ લાગે છે કે લોકો મને ઓફર કરે છે તેના કરતાં હું વધુ વધારે કરી શકું તેમ છું.'
જિ મી શેરગિલના આજકાલ જબરદસ્ત વખાણ થઈ રહ્યા છે. તેણે જે વેબ-શો 'રણનીતિ : બાલાકોટ એન્ડ બિયોન્ડ' માં કામ કર્યું તેની દર્શકો પ્રશંસા કરી જ રહ્યા છે. નેટિઝન્સમાં પણ આ શો ચર્ચાનો મુદ્દો બન્યો છે. લોકોની પ્રશંસાને કારણે જિમી શેરગિલ ગર્વ અનુભવી રહ્યો છે અને તે સાવ સ્વાભાવિક છે.
'આ પ્રકારનોો શો માટે સારો પ્રતિસાદ મેળવવો એ અત્યંત મહત્ત્વપૂર્ણ છે. કારણ કે સત્યઘટનાને આધારે બહુ ઓછા શો બનાવવામાં આવે છે,' એમ કહી જિમ્મી ઉમેરે છે, 'સામાન્ય રીતે આપણે આ સાચી ઘટનાઓને જોઈ શકીએ છીએ. આ શોમાં જાણીતો બેકડ્રોપ પણ છે. આવા શોમાં તમારા અભિનયની પ્રશંસા કરવામાં આવે તે આવકાર્ય છે.' જિમી ઉમેરે છે, 'વેબ શોની વાત કરું તો, એના ટેક્નિકલ પાસાં અને લેખનથી લઈને તમામ પાસાં સરસ છે. ઘણા દર્શકોએ કહ્યું છે કે આ મારી કારકિર્દીનું શ્રેષ્ઠ પ્રદર્શન છે. જોકે હું પોતે આના વિશે કશું કહી શકું નહીં, પણ આ એક બહુ મોટા કોમ્પ્લીમેન્ટસ છે.'
જિમીના આગામી પ્રોજેક્ટ્સમાં દિગ્દર્શક નીરજ પાંડેની ફિલ્મ અને 'ફીર આયી હસીન દિલરૂબા'નો સમાવેશ થાય છે. નીરજ પાંડેની ફિલ્મ એક રોમાન્ટિક - કોમેડી અને મ્યુઝિકલ ફિલ્મ છે.
જિમી શેરગિલે ૨૮ વર્ષની લાંબી કારકિર્દીમાં વૈવિધ્યસભર ભૂમિકા ભજવી છે. આ અંગે તેને પૂછો તો કહે છે, 'નસીબ હોય તો સારી સ્ક્રિપ્ટ્સ તમારી પાસે આવે છે. તમને જે ઓફર કરવામાં આવે છે તેમાંથી તમે શ્રેષ્ઠ પસંદ કરો છો. હા, લોકો મારી સામે પડકારરૂપ ભૂમિકા લઈને આવે છે, પરંતુ મને હજુ પણ એવું લાગે છે કે લોકો મને ઓફર કરે છે તેના કરતા પણ હું વધુ વધારે કરી શકું તેમ છું. મને હળવી ભૂમિકા કરવાની ઊંડી ઈચ્છા છે.'
જિમીએ એક પંજાબી ફિલ્મનું શૂટિંગ પૂરી કરી લીધું છે. હવે તેની રિલીઝ થનારી ફિલ્મ આ જ છે - 'ફિર આયી હસીન દિલરૂબા'. તે ટૂંક સમયમાં રિલીઝ થશે.