જ્હાન્વી કપૂરના સુખનું શિખર

Updated: Apr 11th, 2024


Google NewsGoogle News
જ્હાન્વી કપૂરના સુખનું શિખર 1 - image


- દીકરીને રાજકીય પરિવારમાં પરણાવવાનો નવો ટ્રેન્ડ બોલિવુડમાં શરૂ થયો છે કે શું? પહેલાં પરિણીતી ચોપડા આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢાને પરણી અને હવે જ્હાન્વી કપૂર મહારાષ્ટ્રના ભૂતપૂર્વ કોંગ્રેસી ચીફ મિનિસ્ટર સુશીલકુમાર શિંદેના પરિવારની વહુ બનવા માટે મનોમન થનગની રહી છે.

જ્હાન્વી કપૂરના સુખનું શિખર 2 - imageતો ચાલો, બોલિવુડના ઔર એક નવાનક્કોર જમાઈરાજા માટે રેડી થઈ જાઓ. કન્યા છે, જ્હાન્વી કપૂર અને સંભવિત જમાઈનું શુભ નામ છે, શિખર પહાડિયા. તમે સોશિયલ મીડિયા પર સક્રિય હશો, અથવા કમસે કમ અખબારોમાં છપાતી ફિલ્મી ગપસપ તમારી આંખે પડતી હશે તો તમે જાણતા હશો કે બોની કપૂરે પોતાની મોટી દીકરી જ્હાન્વી અને ભાવિ જમાઈ શિખરને ઓલરેડી આશીર્વાદ આપી દીધા છે. કપૂર ખાનદાનના જુદા જુદા ફેમિલી ફંકશન્સમાં શિખર હકથી સૌની સાથે ઊભો હોય છે. જ્હાન્વી કષ્ટપૂર્ણ મંદિરયાત્રા કરે કે ક્લબ-પબમાં જાય ત્યારે શિખર એની સાથે હોય છે. ઇન ફેક્ટ, બોની કપૂરે તો હમણાં રીતસર કહી દીધું કે શિખર તો અમારો ઘરનો જ છોકરો છે, સારામાઠા તમામ પ્રસંગે એ અમારી પડખે ઊભો હોય છે.

આ શિખર પહાડિયા છે કોણ? એ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ કોંગી મુખ્યપ્રધાન સુશીલકુમાર શિંદેની ત્રણ દીકરીઓ પૈકીની એક દીકરીનો દીકરો છે. એટલે કે, સુશીલકુમાર શિંદે શિખરના નાના થાય. શિખર ખુદ બિઝનેસમેન છે. ફિલ્મમેકિંગના બિઝનેસ સાથે જોકે એને કંઈ લેવાદેવા નથી. બોલિવુડ સાથે એનું કોઈ સંધાન હોય તો એ છે, જ્હાન્વી સાથેનો એનો પ્રેમસંબંધ.

શિખર કંઈ ફિલ્મી હીરો જેવો અતિ હેન્ડસમ નથી. સાધારણ દેખાવ છે. પણ રાણીને ગમે એ રાજા. એમ તો બોની કપૂર એમની જુવાનીમાં પણ ક્યાં હેન્ડસમ હતા? છતાંય રૂપ કી રાની શ્રીદેવીએ એમને પોતાના ભરથાર તરીકે સ્વીકાર કર્યો જ હતોને. જ્હાન્વી અને શિખર વચ્ચે દોસ્તી તો લાંબા સમયથી છે, પણ વચ્ચે એમનું બ્રેક-અપ પણ થઈ ગયું હતું. એક વર્ષના અબોલા પછી બન્ને વચ્ચે પાછા બુચ્ચા થઈ ગયા, અને હવે તેઓ અગાઉ કરતાં પણ વધારે નિકટ આવી ગયાં છે. જો બધું સમુસૂતરું પાર પડયું, તો વહેલી-મોડી જ્હાન્વી-શિખરનાં લગ્નની કંકોત્રી છપાઈ જ સમજવી. દીકરીને રાજકીય પરિવારમાં દેવાનો નવો ટ્રેન્ડ બોલિવુડમાં શરૂ છે કે શું? પહેલાં પરિણીતી ચોપડા આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢાને પરણી અને હવે જ્હાન્વી કપૂર મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ચીફ મિનિસ્ટર સુશીલકુમાર શિંદેના પરિવારની વહુ બનવા માટે મનોમન થનગની રહી છે.

જ્હાન્વીની ફિલ્મી કરીઅર પર નજર નાખીએ તો એક વાતની તરત નોંધ લેવી પડે. જ્હાન્વીએ ટિપિકલ હિન્દી ફિલ્મ હિરોઈન જેવી ભૂમિકાઓ - કે જેમાં એણે માત્ર બનીઠનીને ઠુમકા જ લગાવવાના હોય - તેનાથી દૂર રહી છે. એણે ઈરાદાપૂર્વક એવી ફિલ્મો સ્વીકારી છે, જેમાં એનો રોલ કેન્દ્રીય હોય અને ખાસ તો, અઘરો હોય. યાદ કરો 'ગુંજન સક્સેના', 'ગુડલક જેરી', 'મિલી' ઇત્યાદિ. જ્હાન્વી આસાન રસ્તો અપનાવવાને બદલે એક અભિનેત્રી તરીકે ખુદને પૂરવાર કરવા સતત મથી રહી છે તે દેખાઈ આવે છે. 

જ્હાન્વી હવે 'દેવરા' નામની તેલુગુભાષી થ્રિલરમાં દેખાવાની છે. જુનિયર એનટીઆર એનો હીરો છે. ફિલ્મમાં સૈફ અલી ખાન પણ છે. જ્હાન્વી કહે છે, 'હાલ તો હું મારી નવી તેલુગુ ફિલ્મ 'દેવરા' માટે તેલુગુ ભાષા શીખી રહી છું. 'દેવરા'ના તેલુગુ સંવાદો યાદ કરીને ગોખવાનું કામ ચાલી રહ્યું છે.'

આટલું કહીને જ્હાન્વી કહે છે, 'મારી મમ્મી (શ્રીદેવી) તમિલનાડુ હતી એટલે મારી માતૃભાષા તમિળ છે. મમ્મીએ તો તમિળ ઉપરાંત તેલુગુ, મલયાલમ ભાષાની ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો. મમ્મી સાઉથી ભાષાઓ ઉપરાંત હિન્દી અને અંગ્રેજી પણ સરસ બોલી શકતી. જોકે મને તમિળ કે તેલુગુ એકેય ભાષા બોલતાં કે વાંચતાં આવડતી નથી. હા, સમજી જરૂર શકું છું. મને તેલુગુ ભાષા બોલતાં નથી આવડતી તેનો બેહદ રંજ છે, પણ સાથે સાથે એ વાતની ખુશી પણ છે કે 'દેવરા' જેવી મહત્ત્વાકાંક્ષી તેલુગુ ફિલ્મનો એક મહત્વનો હિસ્સો છું.'

'દેવરા' બે ભાગમાં બનવાની છે. સિક્વલમાં પણ જ્હાન્વી હશે જ. જોઈએ, જ્હાન્વીનું દક્ષિણાયન કેવુંક કામિયાબ નીવડે છે.    


Google NewsGoogle News