જાવેદ અખ્તરઃ હું નારીવાદી ખરો, પણ મેં એકપણ નારીકેન્દ્રી ફિલ્મ લખી નથી
- જાવેદ અખ્તરે આયખાનાં 80 વર્ષ પૂરાં કર્યાં
સત્તરમી જાન્યુઆરીએ જાવેદ અખ્તરે ૮૦મો જન્મદિન ઉજવી ૮૧મા વર્ષમાં પ્રવેશ કર્યો. આ ઉંમરે પણ જાવેદ અખ્તર તેમના પટકથાલેખનમાં વ્યસ્ત છે. તેમની પાસે બે પટકથાઓ તૈયાર પડી છે અને ત્રીજી તેઓ લખી રહ્યા છે. જાવેદ અખ્તર હવે ગીત લખવાને બદલે તેમનું સમગ્ર ધ્યાન પટકથાલેખન પર કેન્દ્રિત કરી રહ્યા છે. પણ ધારો કે જાવેદ અખ્તર ગીતકાર અને પટકથાલેખક ન હોત તો શું કરતાં હોત? વેેલ, તેમણે ફિલ્મ દિગ્દર્શક તરીકે કારકિર્દી જમાવી હોત.
જાવેદ સાબ માંડીને વાત કરતાં કહે છે, ૧૯૬૪માં હું ગ્વાલિયરમાંથી મુંબઇ આવ્યો ત્યારે મે ફિલ્મ ઉદ્યોગમાં સહાયક દિગ્દર્શક તરીકે શરૂઆત કરી હતી. એ સમયે જ્યારે કોઇ સમસ્યા થાય ત્યારે હું સીન બદલી આપતો હતો.પછી તો દરેક જણે મને વધારે સીન લખવા માટે કહેતાં ગયા. લખવાનું કામ એટલું આરામદાયક હતું અને તેને કારણે નાણાં અને પ્રસિદ્ધિ એટલા મળ્યા કે મેં લેખનને જ કારકિર્દી બનાવી લીધી. આજે મને લાગે છે કે ંમારદ્દિગ્દર્શન પણ કરવાની જરૂર હતી. પણ હવે તો ખૂબ મોડું થઇ ચૂક્યુ છે.
હવે તેમના જીવનના નવમા દાયકામાં પ્રવેશ કરી રહેલાં જાવેદ સાબ ફરી એકવાર પટકથાલેખન પર તેમનું ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. છેલ્લા બે દાયકામાં તેમણે મોટેભાગે ગીતો જ લખ્યા છે. તેમણે છેલ્લે ૨૦૦૬માં ડોન ફિલ્મની પટકથા લખી હતી. હવે તેમણે સમય ફાળવીને બે પટકથાઓ લખી નાંખી છે. હાલ તેઓ ૧૯૨૫માં આકાર લેતી સબંધકથા લખી રહ્યા છે. પણ હાલ તેના વિશે વાત કરવી વહેલી ગણાશે. જાવેદ અખ્તર કહે છે, આજે એમ માનવામાં આવે છે કે કાં તો ફિલ્મ મનોરંજક હોવી જોઇએ અથવા તો તે ખાસ અને સંવેદનશીલ દર્શકોમાટે હોવી જોઇએ. પણ હું આમ માનતો નથી. ભૂતકાળમાં પણ મુખ્ય ધારાની ફિલ્મો મનોરંજક અને ઉત્તમ બની રહી છે. મનોરંજક અને સારી ફિલ્મો બનાવવાનું શક્ય છે. ૧૯૫૭માં આવેલી મધર ઇન્ડિયા અને એ જ વર્ષે આવેલી પ્યાસા બંને ઉત્તમ અને મનોરંજક ફિલ્મોના ઉદાહરણ છે. બંને સાવ અલગ વિષય વસ્તુ પર બનેલી ફિલ્મો છે પણ બંને ફિલ્મો ટિકિટબારી પર જસ્દસ્ત સફળ પુરવાર થઇ હતી.
આટલી લાંબી મજલ બાદ કોઇ અફસોસ ન હોય એવું તો ન બને. જાવેદ સાબ કહે છે, મેં મારો ઘણો સમય વેડફ્યો એનો મને અફસોસ છે. હું આ સમયનો રચનાત્મક ઉપયોગ કરી શક્યો હોત. હું કોઇ નવી ભાષા કે સંગીતનું કોઇ વાદ્ય વગાડતાં શીખી શક્યો હોત. મેં ૧૯૯૧માં દારૂ છોડયો પણ ત્યાં સુધીમાં તો મારો ઘણો સમય વેડફાઇ ચૂક્યો હતો અને મારે ઘણી તકો ગુમાવવી પડી હતી. પણ આમ છતાં મને તેની કોઇ ફરિયાદ નથી.
૮૦ના દાયકાના ઉત્તરાર્ધમાં સલીમખાન અને જાવેદ અખ્તર છૂટાં પડી ગયા એ પછી પણ જાવેદ અખ્તરનું કામ જોરમાં ચાલ્યું હતું. જાવેદ અખ્તરે એ પછી ગીતકાર અને પટકથાલેખક એમ બંને મોરચે કામ કર્યું હતું. ૧૯૮૪માં તેમની ફિલ્મ મશાલ આવી એ પછી તેમણે લક્ષ્યની પટકથા લખી જેને તેમના પુત્ર ફરહાન અખ્તરે નિર્દેશિત કરી હતી. ૨૦૦૧માં રેફ્યુજી ફિલ્મના ગીતો અને ૨૦૦૩માં કલ હો ના હો ફિલ્મના ગીતો પણ લખ્યા.
પોતાની આઠ દાયકાંની સફરને સંતોષજનક ગણાવતાં જાવેદ અખ્તર કહે છે, મારો સૌથી મોટો આનંદ એ છે કે મારાં બંને સંતાનો ઝોયા અને ફરહાન અખ્તર હાલ સારૃં કામ કરી રહ્યા છે અને તેમણે ફિલ્મ ઉદ્યોગમાં સારો આદર મેળવ્યો છે. જ્યારે હું પાછો વળીને જોઉં છું ત્યારે મને થાય છે કે જિંદગી મારા પર મહેરબાન રહી છે. મારા જીવનમાં પણ કડવી અને નિરાશાજનક ક્ષણો આવી છે પણ તેની સાથે સુખદ અને સંતોષજનક પળો પણ એટલી જ છે. મને જિંદગી મારી શરતે જીવવા મળી છે તેનો મને મોટો આનંદ છે.
હું હમેંશા જાવેદને આત્મકથા લખવા કહું છુંઃ શબાના આઝમી
જાવેદ અખ્તર અને શબાના આઝમી એક અજબ દંપતી છે. શબાના પોતે એક કમાલની સફળ અભિનેત્રી છે. તો જાવેદ એક સફળ ગીતકાર અને પટકથાલેખક છે. શબાના માટે તમે કેમ કોઇ નારીકેન્દ્રી ફિલ્મ લખી નથી તેવા સવાલના જવાબમાં જાવેદ અખ્તર કાન પકડી કહે છે, તેમાં મારો દોષ છે. હું નારીવાદી છું પણ મેં કદી કોઇને માટે નારી કેન્દ્રી ફિલ્મ લખી નથી. જો હું આવી કોઇ પટકથા લખીશ તો શબાના માટે જ લખીશ. એક અભિનેત્રીતરીકે મને તેના પ્રત્યે ખૂબ આદર છે. તાજેતરમાં મને આમિરખાન અને રાજકુમાર સંતોષીની ફિલ્મ લાહોર ૧૯૪૭ના થોડા દ્શ્યો જોવા મળ્યા.આ ફિલ્મમાંં શબાનાની હાજરી જબરદસ્ત છવાયેલી છે. બીજી તરફ શબાના પણ તેના શૌહર જાવેદ સાબના ગુણગાન ગાતાં કહે છે, મેં આવો મક્કમ મનસૂબો ધરાવતો બીજો કોઇ માણસ જોયો નથી. તેનો કદી હાર ન માનવાનો મિજાજ ઍટલો પ્રેરણાદાયી છે કે હું હમેશા તેમને તેમની આત્મકથા લખવા કહેતી રહું છું. જીવનમાં એક સમયે માથે છત અને પહેરવા કપડાંની બીજી જોડ ન હતી ત્યારે પણ તેણે પોતાની જાતને એમ જ કહ્યું હતું કે આ દિવસો પણ જતાં રહેશે. તે એમ વિચારતા કે હું અજાણ મરવા માટે જન્મ્યો નથી. આવા મક્ક્મ મિજાજનો મેં બીજો કોઇ માણસ જોયો નથી. અમારી વચ્ચે પણ અસંમતિ થાય છે પણ અમે એક જાદુઇ શબ્દ ડ્રોપ ઇટ શોધી કાઢ્યો છે. અને અમે અમારા મતભેદોને ડ્રોપ કરતાં રહીએ છીએ.