જાવેદ અખ્તર ફરીથી પોતાના મૂળ અવતારમાં
હિન્દી ફિલ્મ જગતની પહેલી સુપરહીટ સ્ક્રિપ્ટ રાઇટર (કથા-પટકથા લેખક) જોડી સલીમ -જાવેદમાંના જાવેદ અખ્તરે ઘણા દાયકા બાદ ફરીથી કથા-પટકથા લેખન શરૂ કર્યું છે. સાથોસાથ ગીતની રચના પણ કરી રહ્યા છે.
પાંચ દાયકાની કારકિર્દી ધરાવતા અને હિન્દી ફિલ્મ જગતમાં સન્માનિય ગણાતા જાવેદ અખ્તર કહે છે, હા, મેં ફરીથી કથા- પટકથા લેખન શરૂ કર્યું છે. ખરું કહું તો અમુક ફિલ્મોની કથા-પટકથા લખી પણ છે. આમ તો મેં ૨૦૦૯માં મારી દીકરી ઝોયા અખ્તર સાથે લક બાય ચાન્સ અને ૨૦૧૨માં એક દિવાના થા એમ બે ફિલ્મની કથા -પટકથા લખી છે. હજી થોડા સમય પહેલાં જ અમુક ફિલ્મોની કથા -પટકથા પણ લખી છે. મેં કેટલાક ફિલ્મના નિર્માતાઓ સાથે ચર્ચા વિચારણા પણ કરી છે.
ભારત સરકારના પદ્મભૂષણ પુરસ્કારનું સન્માન મેળવનારા જાવેદ અખ્તર કહે છે, જુઓ, હું ગીતોની રચના પણ કરી રહ્યો છું. મેં થોડા દિવસ પહેલાં જ શાહરૂખ ખાનની નવી ફિલ્મ ડંકી માટે એક ગીત પણ લખ્યું છે. ઉપરાંત, મેં મારી દીકરી ઝોયા અખ્તરની નવી ફિલ્મ આર્ચીઝ માટે સૂનો અને વા વા વુમ એમ બે ગીત લખ્યાં છે. આમ હું કથા-પટકથા લેખન અને ગીત સર્જન અમે બંને યાત્રા કરી રહ્યો છું.
ઝંજીર, દિવાર, ત્રિશુલ, શોલે, સીતા ઔર ગીતા વગેરે ફિલ્મો સુપરહીટ થઇ ત્યારે આ જ સલીમ-જાવેદની જોડીની લોકપ્રિયતા આસમાને પહોચી હતી. તે સમયે સલીમ-જાવેદની જોડીને એક ફિલ્મની કથા-પટકથા લખવા માટે એમ કહો કે પટારા ભરીને રૂપિયા મળતા. તે જમાનાના મોટા અને લોકપ્રિય સ્ટાર કરતાં પણ વધુ. સલીમ-જાવેદની જોડી પહેલાં ફિલ્મના લેખકને અને સંવાદ લેખકને બહુ થોડું મહેનતાણું મળતું. વળી, ફિલ્મના પડદા પર લેખકનું નામ પણ ચમકતું નહોતું. સલીમ-જાવેદની જોડીને આ સન્માન પણ મળ્યું.
જાવેદ અખ્તર બહુ મહત્વનો મુદ્દો રજૂ કરતાં કહે છે, મારા મત મુજબ આજના ગીતકારોને એ કથા-પટકથા લેખકોને યોગ્ય અને સન્માનનીય મહેનતાણું મળવું જોઇએ. હા, આજના ગીતકારો અમિતાભ ભટ્ટાચાર્ય અને ઇર્શાદ કામિલ ખરેખર બહુ પ્રતિભાશાળી છે. તે બંનેને સારા પૈસા મળે છે. કોઇ પણ ફિલ્મનંો કેન્દ્ર બિંદુ તો તેની કથા એટલે કે વાર્તા જ હોય. ફિલ્મની વાર્તા સાથે દર્શકો એકરૂપ થાય અને ફિલ્મની કથાના પ્રસંગો તેમને પોતાના જીવનના લાગે તો જ ફિલ્મને સફળતા મળે. નહીં તો નહીં. ફિલ્મના ગીતકારને, કથા -પટકથા લેખકોને, સંગીત નિર્દેશકોને પૂરતું અને યોગ્ય મહેનતાણું મળે તે માટે જાવેદ અખ્તર ચેરમેન તરીકે ઇન્ડિયન પર્ફોર્મિંગ રાઇટ સોસાયટી (આઇપીઆરએસ)ની કામગીરી પણ વધુ શિસ્તબદ્ધ કરી રહ્યા છે.
જાવેદ અખ્તર કહે છે, અમને રોયલ્ટી તરીકે ઘણી મોટી રકમ મળી રહી છે. નાણાંભંડોળ ઘણું મોટું થયું હોવાથી જ આઇપીઆરએસ આખા એશિયા-પેસિફિક વિસ્તારમાં સૌથી તગડું નાણાં ભંડોળ ધરાવતી સંસ્થા બની ગઇ છે.