Get The App

જયદીપ અહલાવતનો આજકાલ જયજયકાર થઈ રહ્યો છે...

Updated: Feb 13th, 2025


Google NewsGoogle News
જયદીપ અહલાવતનો આજકાલ જયજયકાર થઈ રહ્યો છે... 1 - image


- 'કોઇ પટકથાનો અને મારી ભૂમિકાનો  અભ્યાસ કરું ત્યારે તે બધું પડકારરૂપ લાગે ખરું, પણ આ સ્થિતિમાં મારો આત્મવિશ્વાસ મદદરૂપ બને છે...'

મહારાજ' ફિલ્મમાં હવેલીના જેજે મહારાજ યાદ છે?    પોતાના શિષ્યા પર જબરો પ્રભાવ ધરાવતા  હોવા છતાં પણ ઘેરા વાદ--વિવાદના કળણમાં ફસાઇ ગયેલા મહારાજ  એટલે અભિનેતા જયદીપ અહલાવત. ઊંચો, પડછંદ દેહ, ધારદાર આંખો, ઘેરો પ્રભાવશાળી અવાજ એટલે જયદીપ અહલાવત. 

આજકાલ જયદીપ અહલાવતનું નામ અને કામ બહુ બહુ ચર્ચામાં છે. કારણ એ છે કે ઇન્ટરનેટ મુવી ડેટાબેઝ (આઇએમડીબી)ની લેટેસ્ટ યાદીમાં જયદીપ અહલાવતનું નામ પહેલા નંબરે છે. આ યાદીમાં સૌથી લોકપ્રિય અભિનેતા કે અભિનેત્રીનાં નામનો ઉલ્લેખ હોય છે. 

લોકપ્રિય વેબશો 'પાતાલ લોક'માં હાથીરામ ચૌધરીનું  મજેદાર પાત્ર ભજવવા માટે જયદીપ અહલાવતની ભારોભાર પ્રશંસા થઇ રહી છે. તેની લોકપ્રિયતાનો જાણે કે શંખનાદ થઇ રહ્યો છે. તાજેતરમાં આ શોની બીજી સિઝન સ્ટ્રીમ થઈ છે. 

હરિયાણાના ખારકરા નગરમાં જન્મેલો અને ઉછરેલો જયદીપ અહલાવત પોતાનો રાજીપો વ્યક્ત કરતાં કહે છે, 'પાતાલ લોક' શોમાં  મારી હાથીરામની ભૂમિકાને દર્શકોનો બહોળો આવકાર મળ્યો હોવાથી હું  ભાવવિભોર બની ગયો છું. ખરું કહું તો ૨૦૨૦ની ૧૫મી મે  પછી એક અભિનેતા તરીકે માર નામની સૌથી વધુ ચર્ચા થઇ હતી. આ દિવસે 'પાતાલ લોક'ની પહેલી સિઝન સ્ટ્રીમ થઈ હતી. દર્શકોએ  મારા  હાથીરામ  ચૌધરીના પાત્રને પણ જાણીતું બનાવી દીધું. આ શોએ મને એક અભિનેતા તરીકે સ્થાપિત કરી દીધો. ભરપૂર લોકપ્રિયતા અને પ્રેમ મળ્યા હોવાથી મારો આત્મવિશ્વાસ બુલંદ બન્યો છે. એક અભિનેતા તરીકે કોઇ પણ ફિલ્મ કે ટીવી સિરિયલની કથા-પટકથાનો અને પોતાની ભૂમિકાનો  અભ્યાસ કરીએ ત્યારે તે બધું પડકારરૂપ લાગે ખરું. એ તબક્કે     મને મારો આત્મવિશ્વાસ મદદરૂપ બને છે. હું શાંતિથી વિચારું છું તો આત્માનો અવાજ કહે છે, હા, હું આ ભૂમિકાને જરૂર અને ભરપૂર ન્યાય આપી શકીશ.' 

હરિયાણાના રોહતકની જાટ  કોલેજમાંથી અંગ્રેજી વિષય સાથે અનુસ્નાતક થયેલો જયદીપ એક ફિલોસોફરની અદાથી કહે છે, 'જે વ્યક્તિનાં વાણી-વર્તનમાં નમ્રતા, વિવેક, મર્યાદા હોય, જેના ઉછેરમાં ઉજળા સંસ્કાર હોય તે માનવી કોઇપણ ક્ષેત્રમાં સફળતા  અને માન-સન્માન મેળવશે. હું મારી વાત કરું તો મને મારાં માતાપિતાએ ઉજળા સંસ્કાર આપ્યા હોવાથી મારા જીવનમાં અને કારકિર્દીમાં સંપૂર્ણ જવાબદારીપૂર્વક કાર્ય કરું છું. બીજાં પ્રત્યે આદર -સન્માન રાખું છું. હું આમ પણ મારી ભૂમિકા પ્રત્યે શતપ્રતિશત વફાદાર રહું છું. મારા પાત્રને ન્યાય આપવાનો નમ્ર પણ  સચોટ પ્રયાસ કરું છું. 

 ઉદાહરણરૂપે મેં 'પાતાલ લોક-ટુ' માટે મારા હાથીરામ ચૌધરીની ભૂમિકાને ન્યાય આપવા  માટે  વજન ઘટાડયું. મેં પાંચ મહિનામાં ૨૬ કિલો વજન ઓછું કર્યું છે. તે અગાઉ મારું વજન ૧૦૯.૭ કિલો જેટલું હતું. આજે ૮૩ કિલો છે. વજન ઓછું થયું હોવાથી હું ઘણી હળવાશ અનુભવું છું. શરીરમાં તરવરાટ અને ચેતનાનો ગમતીલો અનુભવ કરી રહ્યો છું.' 

'ખટ્ટામીઠા' (૨૦૧૦) ફિલ્મથી હિન્દી ફિલ્મ જગતમાં પા પા પગલી ભરીને આક્રોશ, ગેંગ્ઝ ઓફ વાસ્સેપુર, કમાન્ડો: અ વન મેન આર્મી, ખાલીપીલી, બાગી -૩, રઇસ વગેરે ફિલ્મોમાં વિવિધ પાત્રો ભજવનારો જયદીપ કહે છે, 'હું હવે  મારા આહારમાં પ્રોટીનયુક્ત ભોજન,  લીલાં પાનવાળી ભાજી, પનીર, ઇંડાં વગેરે લઉં  છું. દરરોજ વહેલી સવારે કસરત તો ખરી જ.' ખરેખર, પ્રતિભા સાથે શિસ્તનું કોમ્બિનેશન થાય ત્યારે જ સફળતાનો સ્વાદ ચાખવા મળે. 


Google NewsGoogle News