જયદીપ અહલાવત : 'રાઝી'ની ભુમિકા મને સૌથી અઘરી લાગી
- 'મનોજ બાજપાઇ ઊંચા ગજાના કલાકાર છે. હું તેમની ફિલ્મો કે સિરીઝો એટલા માટે જોતો હોઉં છું કે મને તેમાંથી ઘણું શીખવા મળે છે.'
'પાતાલ લોક' દ્વારા સારી એવી ખ્યાતિ મેળવનાર અભિનેતા જયદીપ આહલાવતની તાજેતરમાં આવેલી 'એન એક્શન હીરો'ની 'ભૂરા'ની ભૂમિકા પણ પ્રશંસા પામી રહી છે. અગાઉ 'ગેંગ્સ ઑફ વાસેપુર', 'આક્રોશ', 'રાજી' જેવી સફળ ફિલ્મોમાં કામ કરનાર આ કલાકારે 'ધ બ્રોકન ન્યુઝ' સીરિઝ પણ કરી છે.
અભિનેતા કહે છ કે મને આ ફિલ્મનું પરફેક્ટ લખાણ બહુ ગમી ગયું હતું. તેમાં કલાકાર તરીકે મને પોતાનું કાંઇ ઉમેરવાની ખાસ જરૂર જ ન પડી. વળી તેનું કિરદાર હરિયાણવી છે તેથી મને તેમાં કામ કરવાની વધુ મઝા આવી. સ્વાભાવિક રીતે જ માતૃભાષામાં કામ કરતી વખતે બધું આપોઆપ થતું આવે. તેના માટે વિશેષ પ્રયાસોની જરૂર ન પડે.તદુપરાંત આ મૂવીમાં હીરો કોણ છે અને વિલન કોણ છે એ કળવું જ મુશ્કેલ હતું. સિચ્યુએશન અનુસાર બંને સાથે આવે છે અને પછી શેર પર સવાશેર પુરવાર થાય છે.
આ ફિલ્મમાં આયુષમાન ખુરાના સાથે કામ કરવાના અનુભવ વિશે જયદીપ કહે છે કે તેની અને મારી પશ્ચાદ્ભૂ એકસમાન છે. મારી જેમ તેણે પણ ઘણો સંઘર્ષ કર્યો છે. અને તે ચંદીગઢનો હોવાથી અમે બંને એક જ પ્રદેશના પણ છીએ.જયદીપ વધુમાં કહે છે કે આયુષમાન બહુ સિક્યોર અને ખુશમિજાજ કલાકાર છે. તેની સાથે કામ કરતી વખતે ક્યારેય એવું ન લાગ્યું કે અમે શૂટિંગ કરી રહ્યાં છીએ. અમારું કામ જાણે કે રમત રમતમાં થઇ ગયું.
જોકે જયદીપનો પંકજ ત્રિપાઠી અને મનોજ બાજપેઇ સાથે કામ કરવાનો અનુભવ પણ મજેદાર રહ્યો. તે કહે છે કે હું ભાગ્યશાળી છું કે મને કારકિર્દીના આરંભમાં જ 'ગેંગ્સ ઑફ વાસેપુર'માં આ બંને કલાકારો સાથે કામ કરવાની તક મળી. જોકે મને એ વાતનો રંજ હંમેશાં રહેશે કે પંકજ ત્રિપાઠી સાથે મારું એકેય દૃશ્ય નહોતું. પણ સેટ પર હું તેમનું કામ નિહાળ્યા કરતો. તેમને કામ કરતાં જોઇને પણ કેટલું બધું શીખી શકાય.હા, સેટ પર તેમની સાથે વાતો કરતી વખતે જાણે કે બધો થાક દૂર થઇ જતો. તેઓ જ્યારે પોતાના અનુભવોની વાતો કરતાં ત્યારે અમે બધા કોઇ અન્ય દુનિયામાં પહોંચી ગયા હોઇએ એવું લાગતું. બધાની ચિંતાઓ હરાઇ જતી. તેવી જ રીતે મનોજ બાજપેઇ પણ ઊંચા ગજાના કલાકાર છે. તેમને જોઇને પણ ઘણું શીખ્યો.હું તેમની ફિલ્મો કે સીરિઝો એટલા માટે જોતો હોઉં છું કે મને તેમાંથી ઘણું શીખવા મળશે.
જયદીપે અત્યાર સુધી જેટલા રોલ કર્યાં તેમાંથી તેને સૌથી અઘરી ભૂમિકા 'રાઝી'ની લાગી હતી. તે કહે છે કે કલાકારે પોતાના દરેક કિરદારને અદા કરવા મહેનત તો કરવી જ પડે છે. પણ કેટલાંક રોલ તમને માનસિક રીતે થકવી નાખનારા હોય છે. મારો 'રાઝી'નો રોલ આવો જ હતો. વાસ્તવમાં જાસૂસીને લગતાં કિરદાર પડકારજનક હોય છે. 'રાઝી' જાસૂસીની દુનિયાની મંજાયેલી કહાણી રજૂ કરે છે.
તેથી અમે જ્યારે આ ફિલ્મની તૈયારી કરી રહ્યાં હતાં ત્યારે મેં જાસૂસીને લગતી સેંકડો ડૉક્યુમેન્ટરીઓ જોઇ નાખી હતી. જ્યારે 'પાતાલ લોક' લાંબી હોવાથી તેનું શૂટિંગ પણ લાંબા સમય સુધી ચાલ્યું હતું. તેના પાત્રમાં ઘણાં શેડ્સ અને ચડાવઉતાર હતાં. જોકે મને તેના પડકારો પણ પારિતોષિક જેવા લાગ્યાં હતાં.
જયદીપને કરીઅરના આરંભમાં ઘણાં રીજેક્શન પણ મળ્યાં. તે કહે છે કે મેં 'ઇશ્કિયાં' માટે ઑડિશન આપ્યું હતું.પણ તે વખતે હું બહુ પાતળો હતો અને એ કિરદારમાં બંધ નહોતો બેસતો તેથી મને એ ફિલ્મ નહોતી મળી.