જગ્ગુ દાદાને ફિલ્મલાઇનમાં ચાર દાયકા થઈ ગયા
- 'પ્લેટફોર્મ કે મિડિયમ ગમે તે હોય, પણ માનવ લાગણીઓ તો એ જ હોય છે. ઓટીટી અને ફિલ્મો બંને માધ્યમોની આગવી ખૂબીઓ છે. મને તો બંને મિડિયમમાં કામ કરવું ગમે છે. '
- 'હીરો બની ગયા પણ ચાર વર્ષ સુધી મેં મુંબઈની મારી ચાલમાં રહેવાનું છોડયું નહોતું.'
હિન્દી ફિલ્મોમાં કામ કરતાં કરતાં જગ્ગુ દાદા યાને જેકી શ્રોફને ચાર દાયકાનો સમય થઇ ગયો છે અને આ લાઇનમાં તેમણે અનેક લીલીસૂકી જોઇ છે. છેલ્લે જગ્ગુ દાદાની એમેઝોન પ્રાઇમ પર 'મસ્ત મેં રહને કા' નામની ફિલ્મ આવી. જગ્ગુ દાદાએ તેમાં નીના ગુપ્તા સાથે જોડી જમાવી છે. જેકી કહે છે કે નીના ગુપ્તાને એક કળાકાર તરીકે મેં હંમેશા આદર આપ્યો છે. તેમની સાથે કામ કરવાનો અનુભવ અનોખો છે. અમે એક જમાનામાં ખુજલી નામની શોર્ટ ફિલ્મ કરી હતી. એ પછી લાંબા સમય બાદ હવે અમને સાથે કામ કરવાની તક મળી છે. અભિષેક ચૌહાણ અને મોનિકા પનવર સાથે અમે સેટ પર એક પરિવારની જેમ કામ કરતાં હતા.
એક જમાનામાં બ્લોક બસ્ટર ફિલ્મો અને હવે ઓટીટી પર કામ કરવામાં તમને કેવો ફરક લાગે છે? તેવા સવાલનો જવાબ આપતા જગ્ગુદાદાએ તેમની લાક્ષણિક સ્ટાઇલમાં જણાવે છે, 'પ્લેટફોર્મ કે મિડિયમ ગમે તે હોય, પણ માનવ લાગણીઓ તો એ જ હોય છે. ઓટીટી અને ફિલ્મો બંને માધ્યમોની તેમની આગવી ખૂબીઓ છે. મને તો બંને મિડિયમમાં કામ કરવું ગમે છે. પણ સાચી વાત તો એ જ છે કે સ્ટ્રીટ પ્લે હોય, કઠપૂતળીનો ખેલ હોય, નાટક હોય, સિનેમા હોય, ટીવી હોય કે ઓટીટી - માધ્યમ ગમે તે હોઇ શકે છે પણ તેમાં વહન થતી લાગણીઓ બદલાતી નથી. '
જગ્ગુદાદાએ લોકોની વચ્ચે રહેવું ગમે છે તે બાબતનું શ્રેય પોતાના મુંબઈની ચાલમાં રહેવાના અનુભવને આપ્યું હતું. ચાલ સાથે સંકળાયેલી યાદો વાગોળતાં એ જણાવે છે, 'હું ચાલમાં જન્મ્યો છું. ચાલ એટલે એક એવી જગ્યા જ્યાં બધાં સાથે મળીને રહે. નાની ખોલીઓ હતી અને સવારે નાહવા માટે બાથરૂમમાં જવા લાઇન લગાવવી પડતી હતી. બાલટીમાં પાણી ભરીને નહાવું પડતું હતું. જીવનના આ અનુભવને કારણે હું હંમેશા વાસ્તવિકતાની નક્કર ધરતી સાથે જોડાયેલો રહું છું.'
પોતાના ચાલ-જીવનનો એક સરસ અનુભવ વર્ણવતા જેકી કહે છે, 'અમારી ચાલમાં સાત ખોલીઓ હતી. દરેક ખોલીમાં સાત-આઠ જણાં રહેતા હતા. હવે આ સાત ખોલીઓ વચ્ચે ત્રણ જ બાથરૂમ હતા જેને કારણે સવારે દરેક જણને નહાવા માટે લાઇન લગાવવી પડતી હતી. હું એ દિવસોમાં મોડેલિંગ કરતો હતો અને નહાવા માટે દરેક જણની જેમ લાઇનમાં ઉભો રહેતો હતો. પછી તો હું હીરો બન્યો, પણ તે પછીય મારે નહાવા માટે તો લાઇનમાં જ ઊભાં રહેવું પડતું હતું. જોકે, ચાલવાસીઓએ કહ્યું કે જગ્ગુ હીરો બન ગયા હૈ, ઉસકો એક બાથરૂમ દે દો. તેમણે મને એક બાથરૂમ ફાળવી આપ્યો અને તેના પર લોક પણ લગાવી દીધું. મેં જોકે એમ કહીને ના પાડી દીધી હતી કે આ રીતે તો બીજાઓને વધારે તકલીફ પડશે. લોકોએ આગ્રહ ન છોડયો. તેમણે જણાવ્યું કે પ્રોડયુસર્સ તને મળવા આવે છે. તો તારો પોતાનો અલગ બાથરૂમ તો હોવો જ જોઇએને. તેમણે આ એક મોટું બલિદાન મારી સગવડ સાચવવા માટે આપ્યું હતું. આજે પણ હું ચાલમાં રહેતા મારા દોસ્તોને ભૂલી શક્યો નથી. મારા પપ્પા મને રોજ સવારે ઘરની સામે આવેલી ઇરાની રેસ્ટોરાંમાં લઇ જતા હતા. આ બધી ચીજો હું મિસ કરૂ છું. મને લોકો ગમે છે. હું તેમને ચાહું છું. મને તેમનાથી દૂર રહેવાનું ગમતું નથી. ચાલમાં રહેવાની ટેવ એટલી જબરદસ્ત હતી કે હીરો બની ગયા પછી પણ ચાર વર્ષ હું વાલકેશ્વરના તીન બત્તી ઇલાકામાં આવેલી મારી ચાલમાં જ રહ્યો હતો.'
પોતાની પ્રિય ફિલ્મ વિશે વાત કરતાં જગ્ગુદાદા કહે છે, 'મારી 'કિંગ અંકલ' ફિલ્મ મને વધારે ગમે છે. તેમાં એક એવા માણસની વાત છે જેને બાળકો ગમતાં નથી, પણ આખરે તે એક બાળકને દત્તક લે છે. આજે જેમને ત્યજી દેવામાં આવ્યા હોય એવા ઘણા સિનિયર સિટિઝન્સ વૃદ્ધાશ્રમોમાં રહે છે. પણ એવા બાળકો ય હોય છે જેમને ત્યજી દેવામાં આવ્યા હોય છે. તમે તમારી આંખો ખોલો તો તમને તેમની વેદના સમજાશે. 'કિંગ અંકલ' ફિલ્મમાં ત્યજી દેવામાં આવેલાં બાળકોને અપનાવવાનો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો.'