જેકલિન ફર્નાન્ડિસ હું પણ ગર્લ-નેક્સ્ટ ડોર! .
- 'મને 'ફતેહ'માં ગ્લેમરવિહોણો અવતાર બતાવવાની તક મળી તેથી હું તો ખૂબ ખુશ છે. હું ઘરમાં જે રીતે રહેતી હોઉં છું એવા જ દેખાવમાં પડદા પર આવવું મારા માટે તદ્ન સહજ હતું.'
તાજેતરમાં રજૂ થયેલી ફિલ્મ 'ફતેહ'માં અભિનેત્રી જેકલિન ફર્નાન્ડીસને સાવ- સાદા સામાન્ય અવતારમાં જોઈને દર્શકો ચોંકી ઉઠયા હતા. તેના ચહેરા પર ન તો કોઈ શ્રૃંગાર હતો કે ન તેણે ડિઝાઈનર વસ્ત્રો પહેર્યાં હતાં. અત્યાર સુધી મોટાભાગે ગ્લેમરસ અવતારમાં જોવા મળેલી આ અદાકારાનો સાદગીભર્યો દેખાવ પણ દર્શકોને ગમી ગયો હતો.
અભિનેતા સોનુ સુદે આ ફિલ્મ દ્વારા દિગ્દર્શન ક્ષેત્રે પહેલું પગલું માંડયું છે. આ મૂવીની પટકથા પણ સોનુ સુદે જ લખી છે. સાઈબર ક્રાઈમની ધરી પર ફરતી આ મૂવીમાં જેકલીન ફર્નાન્ડીસે એથિકલ હેકરની ભૂમિકા બખૂબી ભજવી છે.
અદાકારાને આ મૂવીમાં પોતાનો ડિ-ગ્લેમ અવતાર બતાવવાની તક મળી છે તેથી તે બહુ ખુશ છે. તે કહે છે કે ડિ-ગ્લેમ એટલે હું ઘરમાં જે રીતે રહેતી હોઉં છું. એવા દેખાવમાં પડદા પર આવા લુકમાં કામ કરવું મારા માટે તદ્ન સહજ હતું. મને લાગતું જ નહોતું કે હું કેમેરા સામે છું. અલબત્ત, અત્યાર સુધી માત્ર મારા મિત્રો અને પરિવારજનોએ જ મને આ રીતે જોઈ છે, પરંતુ હું એટલું ચોક્કસ કહીશ કે આ મારું વાસ્કતવિક સ્વરૂપ છે.
અભિનેત્રીને એ વાતની ખુશી છે કે આ ફિલ્મ સાઈબર ક્રાઈમ સામે લાલબત્તી ધરે છે. તે કહે છે કે આ સિનેમાનો વિષય જોઈને જ હું તેમાં બે વખત વિચાર કર્યા વિના કામ કરવા તૈયાર થઈ ગઈ હતી. છેલ્લા કેટલાંક વર્ષમાં અસંખ્ય લોકોએ સાઈબર ક્રિમિનલોના સપાટામાં આવી જઈને બેહિસાબ નુકસાન ભોગવ્યું છે. ખરેખર તો સાઈબર ક્રાઈમ આપણા સમાજ માટે સૌથી મોટી ચિંતાનો વિષય છે. આ બાબતે વધુમાં વધુ જાગૃતિ કેળવવાની આવશ્યક્તા છે.
'ફતેહ' રજૂ થવાની હતી તેનાથી પહેલા જ જેકલીન દર્શકોનો પ્રતિસાદ જોવા ઉતાવળી બની હતી. તે કહે છે કે મારા માટે આ ફિલ્મ એકદમ ખાસ છે અને દર્શકોએ તેને જે રીતે વધાવી છે તે જોતાં મારું મન આનંદમાં આવી ગયું છે. આ એક્શન થ્રિલર ભાવનાત્મક રીતે પણ એટલી જ શક્તિશાળી છે. હું આ ફિલ્મની રજૂઆતથી પહેલા જ એ જોવા થનગનતી હતી કે દર્શકો મને સાદગીપૂર્ણ દેખાવમાં કેટલી પસંદ કરે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ ફિલ્મનું શૂટિંગ પંજાબમાં થયું હતું. અભિનેત્રી કહે છે કે સોનુ સુદે આખી ટીમને લાકડાના ભારાની જેમ બાંધી રાખી હતી. વળી તેનું શૂટિંગ સોનુ સુદના માદરે વતન પંજાબમાં થયુ ં હતું. શૂટિંગ દરમિયાન પણ સોનુની ખુશી સમાતી નહોતી. તેણે અમને પંજાબના દર્શન નિકટથી કરાવ્યાં હતાં. અને જે તે સ્થળ વિષયક પોતાની સ્મૃતિ અમારી સમક્ષ તાજી કરી હતી. અલબત્ત, પંજાબની વાત ચાલતી હોય અને ત્યાંના વ્યંજનોની વાત ન થાય એવું શી રીતે બને. અમે બધાએ ત્યાંની વાનગીઓનો પણ મનભરીને રસાસ્વાદ લીધો હતો.