જેકી શ્રોફ અને ડેની ડેંગઝોંગ્પા યે દોસ્તી હમ નહીં તોડેંગે...

Updated: Aug 22nd, 2024


Google NewsGoogle News
જેકી શ્રોફ અને ડેની ડેંગઝોંગ્પા યે દોસ્તી હમ નહીં તોડેંગે... 1 - image


- ટાઈગર શ્રોફનો જન્મ થયો ત્યારે જેકીએ ડેનીને સવારે ચાર વાગ્યે ફોન કર્યો હતો. ડેની હોસ્પિટલમાં શેમ્પેઈન સાથે પહોંંચી ગયા. નજીકના ધાબામાં પેટપૂજા કરીને એમણે પુત્રજન્મને સેલિબ્રેટ કર્યો!

૧૯૮૦ના અને ૯૦ના દાયકા દરમ્યાન બોલીવૂડના સુવર્ણ યુગમાં બે કલાકારો તેમની વિશિષ્ટ હાજરી અને વર્સેટિલિટી માટે નોખા તરી આવતા હતા. એ બે કલાકારો હતા ડેની ડેન્ઝોંગપા અને જેકી શ્રોફ. જેકી દર્શકોમાં હીરો તરીકે પ્રખ્યાત થયો ત્યારે ડેનીએ એક ખૂંખાર વિલન તરીકે પોતાનું નોખુ સ્થાન બનાવ્યું. સ્ક્રીન પર તેમના વિરોધાભાસી વ્યક્તિત્વ છતાં વાસ્તવિક જીવનમાં બંને વચ્ચેની દોસ્તી  સમયની એરણ પર ખરી ઉતરી છે.

તાજેતરમાં આ બોન્ડ પર જેકીની પત્ની આયેશા શ્રોફે વધુ પ્રકાશ પાડયો હતો અને બંને મિત્રોના મિલનની તસવીરો શેર કરીને ચાહકોને જૂના દિવસોની યાદ અપાવી હતી. તસવીરોમાં આયેશાએ લખ્યું હતું 'પતિ અને ભાઈ'. 

તેમની મૈત્રી ત્યારે શરૂ થઈ જ્યારે જેકી તેની ડેબ્યુ ફિલ્મ 'હીરો' માટે શૂટ કરી રહ્યો હતો. ડેની આ દિવસ યાદ કરતા કહે છે કે તે જેકીને એક હોટલમાં મળ્યો હતો, જ્યાં જેકી તેના પાત્રને અનુરૂપ ટપોરી દેખાવમાં હતો. જેકીની વર્તણૂંકથી ડેની તુરંત આકર્ષાયો. નવોદિત હોવા છતાં જેકીનો આત્મવિશ્વાસ અને પ્રેમાળ સ્વભાવ ડેનીને સ્પર્શી ગયો. હીરો હિટ થતા બંને વચ્ચેની મૈત્રી મજબૂત બની અને ડેની જેકીની મળવા તેના મુંબઈમાં તીનબત્તીની ચાલ સ્થિત ઘરમાં ગયો. સફળ કલાકાર બની ગયો હોવા છતાં હજી ચાલમાં જ રહેવાની જેકીની નમ્રતા ડેનીને પસંદ આવી ગઈ અને જેકી માટે તેનું માન વધી ગયું.

બીજી તરફ જેકીએ ડેનીને પ્રથમ વાર 'મેરે અપને'માં સ્ક્રીન પર જોયો હતો અને તેના પાત્રના ચિત્રણથી તે ખૂબ જ પ્રભાવિત થયો હતો. નસીબજોગે બંને કલાકારો ટૂંક સમયમાં જ અંદર-બહાર જેવી ફિલ્મોમાં સાથે કામ કરતા થઈ ગયા જેના પરિણામે બંનેની મૈત્રી વધુ સુદ્રઢ બનવાનો તખ્તો રચાયો. ઘણીવાર તેઓ સાથે પ્રવાસ કરતા અને ડેની જેકીના ઘરે અવારનવાર તેના પરિવારના સભ્યોને મળવા પહોંચી જતો જેના કારણે તેમની મૈત્રીના મૂળ વધુ મજબૂત બન્યા.

જેકી અને ડેનીની મૈત્રી માત્ર સેટ પૂરતી મર્યાદિત નહોતી. આ જોડીએ વર્ષો દરમ્યાન અગણિત અનુભવો અને સંસ્મરણો શેર કર્યા છે જેમાંથી ઘણા તેઓ આજ દિન સુધી યાદ કરે છે. ડેની કાઠમંડુમાં ફિલ્મ 'યુદ્ધ'ના શૂટીંગમાં પસાર કરેલા સમયને આજે પણ યાદ કરે છે. શૂટ પછી તેઓ નજીકના તળાવ પાસે પહોંચી જતા જ્યાં તેઓ ગીત ગાતા અને પ્રકૃતિના અપ્રતિમ સૌંદર્યને માણતા. શાંત પ્રકૃતિમાં વિતાવેલી આ પળોએ તેમની મૈત્રીને વધુ મજબૂત બનાવી.

જેકીના લગ્નનો પ્રસંગ તેમની મૈત્રીમાં વધુ એક સીમાચિહ્ન બન્યો. આ ઘનિષ્ઠ પ્રસંગમાં જેકીએ માત્ર ગણતરીના પાંચથી છ નિકટના મિત્રોને જ બોલાવ્યા હતા જેમાંથી એક ડેની પણ હતો. ડેનીએ જેકીની પત્ની આયેશાને પોતાની રાખી બહેન બનાવી.

ડેની એ પળને પણ યાદ કરે છે જ્યારે ટાઈગર શ્રોફનો જન્મ થયો ત્યારે જેકીએ ડેનીને સવારે ચાર વાગ્યે ફોન કર્યો હતો. એક વિશ્વસનીય મિત્ર તરીકે ડેની હોસ્પિટલમાં શેમ્પેઈન સાથે પહોંંચી ગયો અને તેઓએ ટાઈગરના જન્મની ઉજવણી નજીકના ધાબામાં નાસ્તા સાથે કરી. તેમના સંતાનો ટાઈગર, ક્રિષ્ના, રિનઝિંગ અને પેમા સાથે જ ઉછર્યા અને બંને પરિવારો વચ્ચેનો સંબંધ વધુ દ્રઢ બન્યો. ખરેખર, ખરી મિત્રતાને કોઈ અવરોધ નથી નડતો અને જીવનના તમામ પડકારોનો સામનો કરી શકે છે. 


Google NewsGoogle News