Get The App

અમારી પેઢીએ જ બોલિવુડના પક્ષપાત સામે અવાજ બુલંદ કર્યો હતો: રવિના

Updated: Apr 25th, 2024


Google NewsGoogle News
અમારી પેઢીએ જ બોલિવુડના પક્ષપાત સામે અવાજ બુલંદ કર્યો હતો: રવિના 1 - image


- 'સ્ત્રીઓની પણ મહત્ત્વાકાંક્ષા હોય છે, સમણાં હોય છે. પોતે ટેલેન્ટેડ હોવા છતાં એ પોતાના પુરુષ સહકર્મીઓને આગળ નીકળી જતાં જોતી રહે છે. માનુનીઓ પાછળ રહી જાય છે...'  

ર વિના ટંડન પોતાની લાઈફના પાંચમાં દશકમાં ફુલ ફોર્મમાં છે. સુસ્મિતા સેનની જેમ રવિના પોતાના પાત્રો સાથે ઓટીટી પર અવનવા પ્રયોગ કરી રહી છે. વેબ સીરિઝ 'કર્મા કૉલિંગ'માં શ્રીમંત બોલીવૂડ એકટ્રેસનો ગ્રે શેડ ધરાવતો રોલ કર્યા બાદ ટંડને હમણાં ઓટીટી ફિલ્મ 'પટના શુકલા'માં એક આદર્શવાદી વકીલ, પત્ની અને માના પાત્રને ન્યાય આપ્યો છે. બંનેમાં એનું પરફોર્મન્સ વખણાયું છે. આ નિમિત્તે રવિનાને 'કોન્ગ્રેટ્સ' કરવા પહોંચી ગયેલી મીડિયાની ટીમ સાથે એણે ખુલીને ગુફતગુ કરી.

વર્સેટાઇટલ એકટ્રેસ સાથે વાતચીતનો દોર જાગ્યા બાદ પત્રકારોએ વચ્ચે વચ્ચે એને એક પછી એક પ્રશ્નો પૂછ્યા, પહેલો સવાલ 'પટના શુકલા'માં રવિનાના રોલ વિશે હતો, 'મેડમ, આ ફિલ્મમાં તમે ભજવેલું તન્વીનું પાત્ર ઘરમાં અને કોર્ટમાં પોતાના જવાબદારી પરફેક્ટ રીતે નિભાવે છે, પણ એક સ્ત્રી હોવાને કારણે એની કદર ઘણી મોડી થાય છે. રિયલ લાઈફમાં પણ મહિલાઓ બધુ કરી છુટે છે, પણ એમને એપ્રિસિયેટ નથી કરાતી એવું કેમ?' એક્ટર એનું એનાલિસિસ કરતા કહે છે, 'સદીઓથી આવી માનસિકતા ચાલી આવે છે. અલબત્ત, હવે ધીમે ધીમે આ સંદર્ભમાં થોડી જાગરુકતા આવી રહી છે. મારી અગાઉની સીરિઝ 'આરણ્યક'માં પણ અમે એવો મુદ્દો ઉઠાવ્યો હતો કે ઘરના બધા પોતાના પરિવારની સ્ત્રીઓને ઘરકામમાં મદદ કરે એ બહુ જરૂરી છે. બધા એના સપનાને સપોર્ટ કરે કારણ કે એ પણ પોતાના જોબમાં આગળ વધવા માગે છે. સ્ત્રીઓની પણ મહત્ત્વાકાંક્ષા હોય છે, શમણાં હોય છે. પોતે ટેલેન્ટેડ હોવા છતાં એ પોતાના પુરુષ સહકર્મીઓને આગળ નીકળી જતાં જોતી રહે છે. માનુનીઓ પાછળ રહી જાય છે કારણ કે એમના પર ઘર-પરિવારની ઘણી બધી જવાબદારી હોય છે. અમે 'આરણ્યક'માં એવો મેસેજ આપ્યો હતો કે તમે તમારી વહુ-દીકરીઓને એના કામમાં પ્રોત્સાહન આપો, એમની જવાબદારીઓ શેર કરો પછી જુઓ તેઓ પોતાની કરિયરમાં કેટલી સફળ થાય છે.'

મીડિયાનો બીજો પ્રશ્ન પણ ઈન્ટરેસ્ટિંગ છે, 'રવિનાજી, નેવુંના દશકની તમારી ફિલ્મો કરતા હવે ઓટીટી પર બીજી ઇનિંગમાં તમે ઘણાં વિવિધતાસભર પાત્રો ભજવી રહ્યા છો. શું એટલા માટે કે હવે તમે કોઈ રેસમાં નથી અને તમારે કંઈ પૂરવાર કરવાનું નથી?' એ સાંભળી અભિનેતાના ચહેરા પર હળવું સ્મિત આવી જાય છે, 'સર, હકીકતમાં એ પ્રયાસ મેં ૨૦૦૦માં જ શરૂ કરી દીધો હતો. એ સમયની મારી ફિલ્મોની ચોઇસ જોશો તો તમને ખ્યાલ આવશે ત્યારે મેં 'દમન', 'શૂલ', 'ગુલામે-મુસ્તફા' અને 'સત્તા' જેવી ફિલ્મો કરી કારણ કે મારે જુદાં જુદાં પાત્રો કરવા હતા. સદનસીબે ત્યારે પણ હું એ બધા રોલ કરવામાં સફળ રહી અને દર્શકોએ મને સ્વીકારી અને આજે પણ ઓડિયન્સનો રિસ્પોન્સ બહુ સારો છે. એક આર્ટિસ્ટ માટે આથી વધુ મોટી અને મહત્ત્વની વાત બીજી કંઈ હોઈ શકે?'

હવે, રવિનાને મીડિયામાંથી અમુક પર્સનલ પૃચ્છા થાય છે, 'રવિનાજી, આપ શાદી કે બાદ લંબા બ્રેક લે ચુકી હૈં, બ્રેક દરમિયાન તમે કામ નહોતા કરતા ત્યારે શું સેટ અને શુટિંગને ક્યારેય મિસ નહોતા કરતા? શું તમને ક્યારેય બોલીવૂડ સાથે જોડાયેલા ગ્લેમરનો મોહ નથી રહ્યો?' એનો ઉત્તર આપવામાં પળનો પણ વિલંબ કર્યા વિના એકટ્રેસ કહે છે, 'કભી નહીં, મને એવો મોહ ક્યારેય નથી રહ્યો અને મેં એને કદી મિસ પણ નથી કર્યો. બ્રેક દરમિયાન હું જે કરવા માગતી હતી એ બધામાં બિઝી હતી. મેં હંમેશા એક બેલેન્સ્ડ લાઈફ જીવવાનો પ્રયત્ન કર્યો છે. હું મારા ફેમિલીની સંભાળ લેવાની સાથોસાથ મારી કરિયરમાં પણ પ્રોગ્રેસ કરવા ઇચ્છું છું. અભિનયમાંથી લાંબી રજા લીધી ત્યારે એ નિર્ણય મારો જ હતો. બાળકો નાના હતા ત્યારે બ્રેક લઈને હું બહુ ખુશ હતી. એમને મારી જરૂર હતી. બાળકો મોટા થતાં હોય ત્યારે ઘરમાં આપણી હાજરી અનિવાર્ય છે. એ અરસામાં જ એમનું સારું ઘડતર થાય છે.'

સમાપનમાં પૂછાયેલો સવાલ સૌથી મહત્ત્વનો છે, 'મેડમ, તમારા પછીની પેઢીની અભિનેત્રીઓ- દીપિકા, અનુષ્કા, વિદ્યા અને કંગના વગેરેએ ઈન્ડસ્ટ્રીમાં જેન્ડર ઈકવેલિટી (મહિલા અને પુરુષ એક્ટરો સાથે એકસમાન વ્યવહાર) અને પે ઇકવેલિટી માટે અવાજ ઉઠાવ્યો. એના પછી થોડો ચેન્જ પણ આવ્યો. સવાલ એ છે કે તમારા જમાનાની અભિનેત્રીઓ એ વિશે શા માટે મૌન રહી?' રવિના ખોંખારો ખાઈને પોતાની સાથી અભિનેત્રીઓના બચાવમાં કહે છે, 'તમારે એ જાણવા ઇતિહાસમાં જવું પડશે. અમારા જુના ઈન્ટરવ્યૂઝ જોશો તો તમને ખ્યાલ આવશે કે અમે ત્યારે શું કહ્યું હતું અને કેવો અવાજ ઉઠાવ્યો હતો. જો કે એ બધી બહુ જુની વાતો થઈ જશે છતાં હું એટલું જરૂર કહીશ કે આજે જે બદલાવ આવ્યો છે એની શરૂઆત ચોક્કસપણે અમારા જનરેશનથી જ થઈ ગઈ હતી. અમે ત્યારે જ એ પ્રકારના રોલ અને કામ પસંદ કરતા થઈ ગયા હતા. '૯૦ અને ૨૦૦૦ના દાયકાની વચ્ચે જ તબુના આવ્યા પછી એ પરિવર્તનનો પ્રારંભ થઈ ગયો હતો.'  


Google NewsGoogle News