Get The App

આરંભ કરૂણ ગીતોથી થયો, પણ બહુ ઝડપથી રોમેન્ટિક ગીતો માટે પંકાયો

Updated: May 23rd, 2024


Google NewsGoogle News
આરંભ કરૂણ ગીતોથી થયો, પણ બહુ ઝડપથી રોમેન્ટિક ગીતો માટે પંકાયો 1 - image


- 'કોઇને લાગે કે મારામાં આત્મવિશ્વાસ ઓછો છે કે કેમ?  હું વારે વારે મારી મમ્મીને કેમ પૂછયા કરું છું? વાસ્તવમાં મારી મા મારી સાચ્ચી સમીક્ષક અને માર્ગદર્શક હતી. એ મારી હાજરીમાં કદી મારી પ્રશંસા કરતી નહોતી, પરંતુ સતત મારી પ્રગતિ પર બાજનજર રાખતી.'  સોનુ નિગમ 

દે શના સીમાડા સાચવતા સૈનિકોના મનની ભાવના રજૂ કરતું ગીત 'સંદેસે  આતે હૈં...' ગાયું એ સાથે રાતોરાત સોનુ નિગમ દેશના ખૂણે ખૂણે જાણીતો થઇ ગયો. જોકે આવાં ગીતો ગાવાનું ક્યારેક જોખમી બની રહે છે. ફિલ્મ સર્જકો કરુણ કે આંખના ખૂણા ભીંજવે એવાં ટીઅર જર્કર ગીતો માટે સોનુને બોલાવવા માંડયા. સોનુને ટાઇપ્ડ કે મોનોટોનસ બની રહેવાની ઇચ્છા નહોતી. એ સતત જુદા જુદા સંવેદન રજૂ કરતાં ગીતોની તલાશમાં રહેતો. એને આ તક મળી 'પરદેસ' (૧૯૯૭)માં. આ ફિલ્મમાં એણે વેસ્ટર્ન બીટ્સ ધરાવતું અને ભારે જોશીલું 'યે દિલ દીવાના...' ગાયું, જે સુપરહિટ પુરવાર થયું. પછીના વર્ષે અબ્બાસ-મસ્તાનની ફિલ્મ 'સોલ્જર'ના 'તેરા રંગ બલ્લે બલ્લે' ગીતે એને રોમાન્ટિક ગીતોના ગાયક તરીકે સ્થાપી દીધો. સોનુ નિગમને એક વર્સેટાઇલ સિંગર તરીકે ક્રમશ: સ્વીકૃતિ મળતી ગઈ.  

દરમિયાન, ૧૯૯૫થી ૧૯૯૯ સુધી સોનુએ લોકપ્રિય થઇ રહેલા સંગીત કાર્યક્રમ 'સા રે ગા મા'માં એન્કરિંગ કર્યું. આ કાર્યક્રમના એન્કર તરીકે શરૂઆતમાં અભિનેતા અન્નુ કપૂર અને ટોચના ક્લાસિકલ ગાયક પંડિત જસરાજની પુત્રી દુર્ગાએ પ્રશંસનીય કામ કરેલું.

સોનુ આ કાર્યક્રમ સાથે જોડાયો ત્યારે એણે પોતાના સંગીતના અભ્યાસને પણ કામે લગાડયો. પછી તો 'ઇન્ડિયન આઇડલ'ની પહેલી જ સિઝનમાં સોનુએ જજ તરીકે પણ સેવા આપી. આ બંને કાર્યમાં એને પોતાનો સંગીતનો અભ્યાસ અને રિયાઝ ઉપયોગી થઇ પડયા. તમને યાદ હોય તો આવા સંગીતપ્રધાન કાર્યક્રમના એક ગ્રાન્ડ ફિનાલેમાં તો સોનુએ ન ભૂતો ન ભવિષ્યતિ જેવું કામ કરી દેખાડયું. તમે યાદ કરો. અતિથિઓમાં વીતેલા દાયકાના ટોચના સંગીતકારો સર્વશ્રી અનિલ વિશ્વાસ, નૌશાદ, ઓ. પી. નય્યર, ખય્યામ, કલ્યાણજી-આણંદજી, ટોચના ગાયકો જેમાં ગાયિકા અભિનેત્રી રાજકુમારી, જગજિત સિંઘ વગેરે હાજર હતાં. પંડિત જસરાજજી ગોવિંદ દામોદર માધવેતિ... સ્તોત્ર ગાઇ રહ્યા હતા. એમની સાથે સંગત કરવામાં એમની શિષ્યા અને ટોચની પાર્શ્વગાયિકા સાધના સરગમ અને અનુરાધા પૌડવાલનો સમાવેશ હતો. પંડિત જસરાજ ગાતાં હતા ત્યારે પીઢ સંગીતકાર અનિલ વિશ્વાસની આંખોમાંથી આંસુ સરી રહ્યા હતા. કોઇ ટીવી ચેનલ પર અગાઉ કદી આવો જલસો જોવા-સાંભળવા મળ્યો નહોતો. ભવિષ્યમાં પણ કદાચ જોવા નહીં મળે.

આમ એક તરફ એ પાર્શ્વગાયક તરીકે ઊભરી રહ્યો હતો તો બીજી તરફ એક્ટર-એન્કર-ટીવી શોના જજ તરીકે પણ એની પ્રતિષ્ઠા જામી રહી હતી. સાથોસાથ દેશવિદેશમાં એને મોહમ્મદ રફીનાં ગીતો ગાવા માટે સ્ટેજ શોના આમંત્રણ મળી રહ્યા હતા. હેન્ડસમ અને હસમુખો હોવા ઉપરાંત આલા દરજ્જાના ગાયક તરીકે એ સતત સફળતાનાં સોપાન સિદ્ધ કરી રહ્યો હતો. એના ગાયેલાં કેટલાંક ગીતો તો ચાર્ટ બસ્ટર તરીકે સુપરહિટ સાબિત થઇ રહ્યાં હતાં. એવાં થોડાંક ગીતો યાદ કરવાં હોય તો (૧) સંદેશે આતે હૈં (બોર્ડર, ૧૯૯૭), (૨) યે દિલ દીવાના, દીવાના હૈ યહ દિલ (પરદેશ,૧૯૯૭) - આ ગીતમાં હેમા સરદેસાઇ અને શંકર મહાદેવન એની સાથે હતાં, (૩) અબ મુઝે રાત દિન તુમ્હારા હી ખયાલ હૈ (દીવાના, ૧૯૯૯), (૪) સૂરજ હુઆ મદ્ધમ, ચાંદ જલને લગા (કભી ખુશી કભી ગમ, ૨૦૦૧), (૫) સાથીયા સાથીયા,મદ્ધમ મદ્ધમ તેરી ગીલી હંસી (ફિલ્મ સાથીયા, ૨૦૦૨), (૬) અભી મુઝ મેં કહીં (અગ્નિપથ, ૨૦૧૨)...    

સોનુની ત્રણ સાડા ત્રણ દાયકાની કારકિર્દીમાં આવાં અનેક ગીતોનાં મુખડાં ટાંકી શકાય. એ સતત ગાતો રહ્યો છે. ગીત રેકોર્ડ થઇ જાય અને હિટ નીવડે એ પછી પણ સોનુ લતા મંગેશકરની જેમ પોતે એ ગીત કઇ રીતે વધુ સરસ બનાવી શક્યો હોત એનું સતત પૃથક્કરણ કરતો રહે છે. એની એકધારી પ્રગતિનું એક રહસ્ય આ પણ છે.

પોતાની કારકિર્દી બાબત એ કેટલો સજાગ હતો એ પણ જાણવા જેવું છે. એક મુલાકાતમાં એણે કહેલું, 'હું સતત મારી માતાના સંપર્કમાં રહેતો. એને સતત પૂછયા કરતો કે આજે મારો સ્ટેજ પ્રોગ્રામ છે અથવા આજે મારું એક રેકોર્ડિંગ છે. એમાં હું બરાબર ગાઇ તો શકીશ ને? આવું બને ત્યારે કોઇને એમ પણ લાગે કે મારામાં આત્મવિશ્વાસ ઓછો છે કે કેમ? હું વારે વારે મારી મમ્મીને કેમ પૂછયા કરું છું? વાસ્તવમાં મારી માતા મારી સાચ્ચી સમીક્ષક અને માર્ગદર્શક હતી. એ મારી હાજરીમાં કદી મારી પ્રશંસા કરતી નહોતી. પરંતુ સતત મારી પ્રગતિ પર બાજનજર રાખતી. એ જ કારણે મારી માતા બીમાર રહેતી હતી ત્યારે હું વિશ્વમાં ગમે ત્યાં હોઉં, મારું મન મારી માતાના સ્વાસ્થ્યના વિચારમાં રહેતું. ઘણીવાર મને એવો અનુભવ થતો જાણે હું સ્ટેજ પર ગાતો હોઉં ત્યારે મારી માતા મારી સાથે હોય... એમની ગેરહયાતી હું કલ્પી પણ શકતો નહોતો...' 

કેટલાક અનુભવો એ ભૂલવા તૈયાર નથી. એવો એક પ્રસંગ એને હૈયામાં શૂળની જેમ ખૂંચ્યા કરે છે. 'યહ જવાની હૈ દિવાની' (૨૦૧૩) ફિલ્મનું ગીત 'સુભાનલ્લાહ, જો હો રહા હૈ, પહલી દફા હૈ...' ગીત સંગીતકાર પ્રીતમે સોનુના કંઠમાં રેકોર્ડ કરેલું. ગીત રેકોર્ડ થયા પછી સાઉન્ડ એંજિનિયર, સંગીતકાર પ્રીતમ અને હાજર રહેલા અન્ય મહાનુભાવોએ આ ગીતને બિરદાવેલું. પરંતુ પાછળથી કોણ જાણે શું થયું, પ્રીતમે એ ગીત શ્રીરામ ચંદ્ર નામના પ્રમાણમાં ક્યાંય ઓછા જાણીતા ગાયકના કંઠમાં રેકોર્ડ કરી નાખ્યું. સોનુને આ વાતની જાણ થઇ ત્યારે એ સ્તબ્ધ થઇ ગયો. એ જ ક્ષણે એણે નિર્ણય કર્યો કે હવે પછી કદી પ્રીતમ માટે ગાવું નહીં. આજ સુધી સોનુ એ નિર્ણયને વળગી રહ્યો છે. આ કડવો અનુભવ સોનુ આજે પણ ભૂલી શક્યો નથી. 


Google NewsGoogle News