પ્રેગનન્સીમાંય પગ વાળીને બેસે એ યમી ગૌતમ નહીં
- 'હું કદી ડિરેક્ટરને કહેતી નથી કે ચાલો, મને તમારી ફિલ્મની સ્ટોરી સંભળાવો. સ્ક્રિપ્ટ્સનું નરેશન લેવાને બદલે મને સ્ક્રિપ્ટ્સ વાંચવી ગમે છે. સ્ક્રિપ્ટ્સ વાંચતી વખતે હું સાથે સાથે નોટ્સ લખતી જાઉં છું અને હંમેશા રાઇટર-ડિરેક્ટરને મારો ફીડબેક આપતી રહું છું.'
ય મી ગૌતમને તમે આંખી મીંચીને 'વર્કહોલિક એકટ્રેસ'નું બિરૂદ આપી શકો. એને કામ વગર કદી ગોઠતું નથી. યમી અને એના ફિલ્મમેકર પતિ આદિત્ય ધર એમનાં પહેલા બાળકનું સ્વાગત કરવા થનગન થનગન થઈ રહ્યાં છે. મજાની વાત આ છે: યમી પોતાની પ્રેગ્નન્સીના છેલ્લા તબક્કામાં હોવા છતાં ઘરે બેસીને ફિલ્મોની સ્ક્રિપ્ટ્સ વાંચી રહી છે. એ કહે છે, 'હવે ફિલ્મમેકર્સને એવો કોન્ફિડન્સ આવી ગયો છે કે હું કોઈ પણ પ્રોજેક્ટને પોતાના ખભા પર ઉંચકી શકું છું. તેમને મારામાં એક એક્ટર તરીકે સામર્થ્ય દેખાય છે. ફિલ્મમેકિંગ પણ અંતે તો એક બિઝનેસ છે એટલે મેકરનો પોતાના એક્ટર પર વિશ્વાસ હોવો જરૂરી છે. એમને એટલી ખાતરી હોવી જોઈએ કે આખી ફિલ્મ મારા ખભા પર હશે તો પણ તેઓ નિશ્ચિંતપણે ફિલ્મ થિયેટરોમાં રિલીઝ કરી શકાશે. આ એક વાત થઈ. બીજી વાત એ કે ખરી તાકાત સ્ક્રિપ્ટ્સમાં હોય છે. હું કદી ડિરેક્ટરને કહેતી નથી કે ચાલો, મને તમારી ફિલ્મની સ્ટોરી સંભળાવો. સ્ક્રિપ્ટ્સનું નરેશન લેવાને બદલે મને સ્ક્રિપ્ટ્સ વાંચવી ગમે છે. સ્ક્રિપ્ટ્સ વાંચતી વખતે હું સાથે સાથે નોટ્સ લખતી જાઉં છું અને હંમેશા રાઇટર-ડિરેક્ટરને મારો ફીડબેક આપતી હોઉં છું.'
યમીએ છેલ્લે 'આર્ટિકલ ૩૭૦'માં અફલાતૂન લીડ રોલ કર્યો હતો, જેના પ્રોડયુસર એના પતિદેવ આદિત્ય ધર હતા. હવે આ એક્ટર-મેકર દંપતિ એમની નવી ફિલ્મ 'ધૂમધામ'ની તડામાર તૈયારી કરી રહ્યું છે.
છેલ્લાં બે વરસમાં યમીએ બેક-ટુ-બેક ઘણી ફિલ્મો આપી છે. હવે શ્રીમતી ધર પોતાના પરિવાર પર ફોકસ કરવા માગે છે. જોકે એ એમ કહેવાનું ચૂકતી નથી કે, 'હું મમ્મી બન્યા પછી લાંબો બ્રેક નહીં લઉં. આઈ વિલ બી અ વર્કિંગ મધર. મારી મમ્મી અને સાસુ બંને વર્કિંગ વિમેન હતી. મારી સામે એમનાં ઉત્તમ ઉદાહરણો છે.'
યમીનું ધ્યાનાકર્ષક પાસું એ છે કે લગભગ દરેક બાબતમાં એ મૌલિક વિચારો ધરાવે છે. પેરેન્ટિંગ વિશે એ કહે છે, 'આજે પેરેન્ટિંગ પ્રમાણમાં સરળ બની ગયું છે. એટલા માટે કે નવી ટેક્નોલોજીને કારણે તમને લગભગ દરેક વસ્તુ ઘેરબેઠાં મળી જાય છે. હું એક મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવું છું અને મારો ઉછેર પણ મિડલ ક્લાસ મૂલ્યોથી થયો છે. અમે નાનાં હતા ત્યારે આ બધુ સહેલું નહોતું. દરેક ચીજ આસાનીથી અવેલેબલ નહોતી અને છતાં મારી મમ્મી અંજલિ ગૌતમે બહુ પ્રેમ અને ધીરજથી અમારો ઉછેર કર્યો. મારી મધર કાયમ અમારી સાથે હસતી-રમતી રહેતી. એ જે રીતે અમારી ભૂલો સુધારતી અને અમને પ્રવૃત્તિમય રાખતી એ અદ્ભુત હતું. હું ઘણી વાર મોમને પૂછું છું કે તમે આ બધુ કઈ રીતે કર્યું? જવાબમાં એ કહે છે કે હું તને એની નોટ્સ નહીં આપી શકું! મારા માટે તો મારી બહેન સુરીલી પણ પ્રેરણારૂપ છે. એણે પણ પોતાની મા તરીકેની ફરજ સરસ રીતે નિભાવી જાણી છે.'
ઓલ ધ બેસ્ટ, યમી.