સેફ ફિલ્મમેકિંગથી છેટા રહે એ ઇમ્તિયાઝ અલી નહીં
ઈમ્તિયાઝ અલીની ફિલ્મ તમને ગમે કે ન ગમે પણ તમે એમની એક ફિલ્મમેકર તરીકેની લગન કે નિષ્ઠા વિશે શંકા ન કરી શકો. એમની ફિલ્મો દર્શકને સતત વાર્તાના પ્રવાહ સાથે પ્રવાસ કરાવે છે. ઇમ્તિયાઝ એક અદ્ભુત સ્ટોરીટેલર છે. હમણાં તેમણે દિલ્હીમાં યોજાયેલી એક ઈવેન્ટમાં એનો પૂરાવો આપ્યો. દેશના પાટનગરમાં ઈન્ટરનેશનલ સ્ટોરીટેલર્સ ફેસ્ટિવલ યોજાયો હતો, જેમાં ખાસ ઈમ્તિયાઝ અલી સાથ ત્રણ કલાકનું સેશન રખાયું હતું. પોતાના ફેન્સ સાથે નાચ-ગાન અને ધમાલ-મસ્તી પછી અલીએ મધરાતના સુમારે એક સ્ટોરી નરેટ કરવાની શરૂઆત કરી. એમની સ્ટોરીમાં પ્રેમ, મિલન, ભાંગતા સંબંધો, દુ:ખ, પીડા અને છુટકારો - લગભગ દરેક ઈમોશન હતી. સ્ટોરીમાં પ્રેક્ષકો એટલા ડૂબી ગયા હતા કે સતત એમના આહ, ઓહ, ઉહ જેવા સિસકારા સંભળાતા હતા. કેટલીક યુવતીઓ તો આખી સ્ટોરીમાં સતત આંસુ પાડતી રહી. નોંધવા જેવી વાત એ છે કે ઈમ્તિયાઝભાઈએ પોતાના ફેન્સને શરૂઆતમાં જ પોતાના સ્ટોરીટેલિંગનો ઓડિયો કે વીડિયો રેકોર્ડ ન કરવાની વિનંતી કરી હતી. આ માણસનું ભલુ પૂછવું, કદાચ એને ધૂન ચડે તો એ જ સ્ટોરી પરથી ફિલ્મ પણ બનાવી નાખે.
સ્ટોરીટેલર્સ ફેસ્ટિવલમાં અલીએ દિલ ખોલીને પોતાના એક ફિલ્મમેકર તરીકેના અનુભવો શેયર કર્યા. ૨૦૧૫માં રિલીઝ થયેલી રણબીર કપૂર અને દીપિકા પદુકોણ જેવી મોટી સ્ટારકાસ્ટ ધરાવતી પોતાની ફિલ્મ 'તમાશા' વિશે મેકરે કેટલીક ઇન્ટેરેસ્ટિંગ વાતો કરી. ઈમ્તિયાઝે કહ્યું, 'ભલે 'તમાશા' બૉક્સ-ઑફિસ પર ન ચાલી, પણ એ દર્શકો પર પ્રભાવ પાડવામાં પાછી નહોતી પડી. આજે પણ લોકો મને આવીને કહે છે કે તમારી 'તમાશા' જોયા પછી મેં મારી જોબ છોડી દીધી હતી. 'તમાશા'ની રિલીઝ બાદ હું લોકોનો રિસ્પોન્સ જાણવા મુંબઈના એક થિયેટરમાં ગયો ત્યારે એક સ્ત્રીએ મારી પાસે આવીને કહ્યું કે આપકો યે ફિલ્મ બહોત પહેલે બનાની ચાહિયે થી. અબ તો બહોત દેર હો ગઈ. આ એક લાઇન પરથી તમે 'તમાશા'ને લોકોનો કેવો રિસ્પોન્સ મળ્યો હતો એનો અંદાજ લગાવી શકો છો. ટૂંકમાં કહું તો લોકોએ લાઇફના કોઈક તબક્કે એવો નિર્ણય લેવો જોઈએ, જે એમની સ્ટોરીનો એન્ડ બદલી નાખે. જેમણે પોતાની લાઈફ બદલી નાખતો આવો નિર્ણય લીધો છે, એમને મારી સલામ. યોર લાઈફ ઈઝ ઈન યોર હેન્ડ્સ. તમારા સિવાય તમારા જીવનને બીજુ કોઈ સફળ ન બનાવી શકે.'
ઇવેન્ટમાં ફેન્સ સાથેના સંવાદ દરમિયાન અલીએ એક સ્પષ્ટતા કરી હતી, 'લોકો ભલે કહે, પણ હું પોતે નથી માનતો કે મારી કોઈ ફિલ્મ ઓટોબાયોગ્રાફિકલ હોય. હું ક્યારેય મારી મૂવીમાં આવવાનો પ્રયત્ન નથી કરતો, કારણ કે એને લીધે ફિલ્મનું ફલક સાંકડુ થઈ જાય અને હું ગુંચવાઈ જાઉં. અલબત્ત, મને એક વાતની પ્રતીતિ થઈ છે કે મારી ફિલ્મોમાં મારા જીવનના અનુભવોની ઝલક ચોક્કસપણે છે. લાઈફમાં મને મળેલા લોકો એક યા બીજી રીતે ફિલ્મોમાં ડોકાય છે.
સેશનમાં મોડરેટરે એક તબક્કે ઈમ્તિયાઝને પૂછ્યું, 'શું તમે 'રોકસ્ટાર-ટુ' બનાવશો?' મેકરે એનો ઉત્તર શ્રોતાઓ પાસે જ માગ્યો. બધાએ એકી અવાજે ના કહ્યું એટલે ઈમ્તિયાઝે કોમેન્ટ કરી, 'ધિસ ઈઝ અ વેરી સ્માર્ટ ઓડિયન્સ. જનતા કી રાય હૈ કિ 'રોકસ્ટાર-ટુ' નહીં બનની ચાહિયે.'
આલિયા ભટ્ટની કરીઅરની શરૂઆતમાં ૨૦૧૪માં અલીએ એને લીડ રોલમાં લઈને 'હાઈવે' બનાવી હતી, પરંતુ પોતાની ડિરેક્ટર તરીકેની ડેબ્યુ ફિલ્મ 'સોચા ના થા' (૨૦૦૫) કરતાં ઘણા પહેલાં એમના મનમાં 'હાઈવે'નો સ્ટોરી આઇડિયા રોપાઈ ગયો હતો. એની પાછળનો કિસ્સો શેયર કરતા ઇમ્તિયાઝે કહ્યું, 'હું કૉલેજમાં હતો ત્યારે એક વાર દિલ્હીથી ટ્રેનમાં જમશેદપુર જઈ રહ્યો હતો. ટ્રેનના દરવાજા પાસે મારી ગર્લફ્રેન્ડ સાથે બેઠો હતો ત્યારે ટીટીએ આવીને મને ટ્રેનનો દરવાજો બંધ કરવા કહ્યું. મેં ના પાડી એટલે ટીટીએ મને સંભળાવ્યું, યે ચંબલ ઘાટી કા ઈલાકા હૈ ઔર ગાડી રુક રુક કે ચલ રહી હૈ. અગર ઈસ લડકી કો કિસ્સી ડકૈતને ખીંચ લિયા તો આપ ઝિંદગીભર ખુદ કો માફ નહીં કર પાઓગે. એની આ વાતે મને ભાન કરાવ્યું કે આપણા અનુભવો કેટલા સંકુચિત છે. એના પરથી મને આઇડિયા આવ્યો કે કોઈ છોકરીનું અપહરણ થયા પછી એને પોતાના જીવનમાં પાછા ફરવાનું ગમે ખરું? 'હાઈવે'નાં પાત્રોમાં ડાકુઓ હતા, પણ હું એને એડલ્ટ સર્ટિફિકેટ મળે એવું નહોતો ઇચ્છતો. ટીનેજર છોકરા-છોકરીએ ફિલ્મ જુએ એવી મારી ઇચ્છા હતી એટલે ફિલ્મના કેરેકટર્સ એકદમ ઊંચા અવાજે બોલતા હોવા છતાં ગાળો નથી બોલતા.'
સેશનનું સમાપન પણ ઈમ્તિયાઝ અલીએ પોતાની ઈમેજ પ્રમાણે જ કરતા કહ્યું, 'આય વુડ હેટ ટુ બી અ સેફ ફિલ્મ ડિરેક્ટર (ફિલ્મ મેકર તરીકે મને કમાણીની દ્રષ્ટિએ સુરક્ષિત રહેવું કદી ન ગમે). મેં 'હાઈવે' બનાવી ત્યારે એ મોટું રિસ્ક હતું, પરંતુ એ સારી ચાલી. તમારા પછી મેં 'જબ હેરી મેટ સેજલ' બનાવી. એકંદરે ફિલ્મે સારો બિઝનેસ નહોતો કર્યો. ફિલ્મ સારી ચાલી હોત તો મને ગમત. કદાચ મારે એને વધુ સારી રીતે બનાવવી જોઈતી હતી.'