ઈશિતા દત્તા શેઠ : 'દ્રશ્યમ-2'ની સફળતાએ આત્મવિશ્વાસ વધાર્યો છે
૨૦૧૫માં દ્રશ્યમમાં અંજુ સાલગાંવકરની ભૂમિકાથી લાઈમ લાઈટમાં આવેલી ઈશિતા દત્તા શેઠ સાત વર્ષ પછી એ જ પાત્ર અજય દેવગણ અને શ્રિયા શરણ સાથે દ્રશ્યમ ૨માં ભૂમિકા ભજવી રહી છે. અભિષેક પાઠક દિગ્દર્શિત ૧૮ નવેમ્બરે રજૂ થયેલા દ્રશ્યમ ૨માં તબુ અને અક્ષય ખન્ના પણ છે.
ઈશિતા કહે છે મેં ક્યારે પણ અંજુના પાત્રને વિસારે પાડયું નથી કારણ કે દર ૨જી ઓક્ટોબરે મારા મિત્રો મને પાવભાજી અને સત્સંગ વિશે યાદ અપાવતા. હું તો એ પાત્ર ભૂલી ગઈ હોત પણ લોકો ૨જી ઓક્ટોબરથી ૩જી ઓક્ટોબર સુધી મારા પર એટલો પ્રેમ વરસાવતા કે આજે સાત વર્ષ પછી પણ હું એ ભૂલી નથી શકી. મને આશા છે કે હવે દ્રશ્યમ ૨ પછી ફરી સાત વર્ષ લોકો મને આ પાત્રની યાદ અપાવશે.
ઈશિતાના મતે દ્રશ્યમ ૨માં વિજય અને તેના પરિવારના જીવનમાં સાત વર્ષ પછી શું બની રહ્યું છે તે દર્શાવવામાં આવ્યું હોવાથી પાત્રો અને કલાકારોની વયમાં પણ વૃદ્ધિ દર્શાવાઈ છે. ઉપરાંત કલાકારોએ આ તમામ વર્ષો દરમ્યાન ૨જી અને ૩જી ઓક્ટોબરના શું બન્યું હતું તે પણ યાદ રાખવાનું હતું. સ્વાભાવિકપણે અંજુ અગાઉ જેવી રીતે વાત કરતી હતી તેવી રીતે હવે નહિ કરે. ંઈશિતા કહે છે કે દ્રશ્યમ ૨ વિશે સૌથી સારી બાબત એ હતી કે ફિલ્મનું શૂટીંગ એ જ ઘરમાં થયું હતું. ઉપરાંત ઘરની આંતરિક સજાવટ પણ યથાવત રાખવામાં આવી હતી. આથી શૂટીંગ વખતે જ જાણે તમામ જૂની બાબતો યાદ આવી ગઈ. અમે કલાકારો મળ્યા અને તુરંત એકમેક સાથે હળીમળી ગયા. પ્રથમ બે દિવસ તો મસલત કરવામાં જ પસાર થઈ ગયા. આ રીતે ક્રમશઃ આગળ વધવાથી પડદા પર અંજુના પાત્રમાં પરિપકવતા લાવવામાં સરળતા પડી.
દ્રશ્યમના બીજા ભાગમાં અંજુને આંચકીની બીમારી થાય છે. તેની તૈયારી વિશે ઈશિતાએ સતત દિગ્દર્શક અભિષેક સાથે મસલત કરવી પડી હતી. ઈશિતાને યાદ આવ્યું કે ટીવી શોના શૂટીંગ દરમ્યાન એક વ્યક્તિને આંચકીનો હુમલો આવ્યો હતો. આ દ્રશ્ય તેને યાદ રહી ગયું હતું. આવા દરદીની પીડા નજરે જોઈ હોવાથી ઈશિતા પડદા પર તેને આબાદ રજૂ કરી શકી. તેને વાસ્તવિક દ્રશ્યમાંથી પ્રેરણા પણ મળી અને આવા દરદીઓ વિશે લાગણી પણ થઈ.
ઈશિતા માને છે કે દ્રશ્યમ ૨એ તેની કારકિર્દીના વ્યાપને વધાર્યો છે. દ્રશ્યમના પહેલા ભાગ પછી દર્શકો અને ફિલ્મ ઉદ્યોગે તેને એક કલાકાર તરીકે માન્યતા આપી હતી. હવે દ્રશ્યમ ૨થી એક કલાકાર તરીકે તેનામાં વિશ્વસનીયતા અને આત્મવિશ્વાસ જાગ્યો છે. ઈશિતાના મતે દરેક કલાકાર માને છે કે એક ફિલ્મ તેના માટે ચમત્કાર સર્જી શકશે. ઈશિતાના મતે દ્રશ્યમ ૨ તેના માટે આવી જ ફિલ્મ સાબિત થઈ રહી છે.
ઈશિતાએ ફિલ્મની સાથે મી ટૂ વિશે પોતાની પ્રતિક્રિયા આપી છે. પોતાની બહેન તનુશ્રી દત્તાએ છેડેલા મી ટૂ અભિયાનથી તેને નુકસાન થયું કે કેમ તેના જવાબમાં ઈશિતાએ કહ્યું કે જો કોઈ આ કારણે મારાથી ડરતું હોય તો મને ખબર નથી. અત્યાર સુધી હું જેટલાને મળી તેમણે આ અભિયાન વિશે સકારાત્મક વાત જ કરી છે. જે મુદ્દા વિશે લોકો અગાઉ બોલતા અચકાતા હતા તેના વિશે હવે ખુલીને વાત કરે છે. જે લોકો આ મુદ્દાથી ડરતા હોય અને તેના કારણે મારી સાથે કામ કરવા તૈયાર ન હોય તો એ તેઓની સમસ્યા છે મારી નહીં.
એટલું તો સ્પષ્ટ છે કે ટીવી સીરીયલોમાં સફળતા મળ્યા પછી ખાસ કરીને દ્રશ્યમ ૨ની સફળતા પછી ઈશિતામાં આત્મવિશ્વાસ વધ્યો છે.