ઈશાન ખટ્ટર હું મારી જાતને હજુ શોધી રહ્યો છું
મનોરંજનના સૌથી મોટા માધ્યમ સિનેમાએ હવે વૈશ્વિક ક્લેવર ધારણ કર્યાં છે. બોલીવૂડના સંખ્યાબંધ કલાકારો હોલીવૂડ ફિલ્મોમાં જોવા મળી રહ્યાં છે. ત્યારે ઈશાન ખટ્ટરે નિકોલ કિડમેન સાથેની ફિલ્મ 'ધ પરફેક્ટ કપલ'માં કામ કરીને ભારતીય દર્શકોને આશ્ચર્યનો આંચકો આપ્યો હતો. જો કે ઈશાને 'બીયોન્ડ ધ ક્લાઉડ્સ' હોય કે 'ધડક' અથવા 'અ સુટેબલ બૉય' પોતાના કામમાં ક્યાંય પાઈનીય કચાશ નથી રાખી.
જો કે લીઓનાર્ડો ડીકેપ્રિઓ સાથેની ફિલ્મ 'ડોન્ટ લૂક અપ'માં ઈશાન માંડ બે-ચાર પળ માટે દેખાયો હતો. જ્યારે વેબ સીરિઝ 'ધ પરફેક્ટ કપલ'માં તે બિલકુલ નોખા પ્રકારના કિરદારમાં જોવા મળ્યો. મહત્વની વાત એ છે કે આ અમેરિકન શોમાં તે અમેરિકનો જેટલો જ સહજ હતો. આ બાબતે ઈશાન કહે છે કે મને કાંઈક નવું-નોખું કરી બતાવવું હતું. મારી સૌપ્રથમ ફિલ્મ 'બીયોન્ડ ધ ક્લાઉડ્સ'માં મોટા ભાગના લોકો ભારતીય હતા. અલબત્ત, માજીદ મજિદીએ તેમાં પોતાનો એકદમ અનોખો અભિગમ વ્યક્ત કર્યો હતો. મીરા નાયરની 'ધ સુટેબલ બોય'નું શૂટિંગ પણ ભારતમાં જ થયું હતું. અને આ ફિલ્મોની કહાણીઓ પણ ભારતીય હતી. જ્યારે 'ધ પરફેક્ટ કપલ' પૂર્ણરૂપે અમેરિકન સ્ટોરી છે. તેવી જ રીતે બિલકુલ અમેરિકન સ્ટાઈલમાં શૂટિંગ કરવાનો અનુભવ પણ એટલો જ અલગ હતો. મેં જ્યારે તેમાં મારા ભાગે આવેલા કિરદાર વિશે વાંચ્યું ત્યારે મને ખાતરી થઈ કે તે નાવીન્યથી છલોછલ છે.
સંબંધિત શોમાં ઈશાનના ઉચ્ચારો બિલકુલ અમેરિકનો જેવાં જ હતાં. દર્શકો માટે આ વાત આશ્ચર્ય પેદા કરનારી હતી. આ બાબતે ઈશાન કહે છે કે મેં તેના માટે ખાસ તાલીમ લીધી હતી. દિગ્દર્શક સુસેન બીઅર સાથેની વાતચીત દરમિયાન મને સમજાયું કે હું જે રીતે મારો રોલ વાંચી રહ્યો છું તે અમેરિકન ઉચ્ચારણોમાં નથી. અને આ રીતે સંવાદો બોલવાનો કોઈ મતલબ નથી. છેવટે મેં અમેરિકન ઉચ્ચારો શીખવા વિશે તેમને પૂછ્યું ત્યારે તેમણે મને તરત જ સંમતિ આપી. અને મેં તેની તાલીમ લીધી. મને તેમાં જે કિરદાર અદા કરવાની તક મળી તે સીમાચિહ્નરૂપ છે.
એવું નથી કે ઈશાનને દિગ્ગજ કલાકારો સાથે કામ કરતી વખતે ગભરામણ નહોતી થતી. અભિનેતા કહે છે કે તબુ સાથે રોમાન્સ કરવાની વાત હોય કે નિકોલ કિડમેન સાથે કેમેરા સામે રહીને કામ કરવાની, મને ચોક્કસપણે ગભરામણ થઈ હતી. હજી તો મારી કારકિર્દીના પ્રારંભિક તબક્કો ચાલી રહ્યો છે. સ્વાભાવિક રીતે જ આટલા અનુભવી કલાકારો સાથે કામ કરતી વખતે થોડો ડર, થોડો સંકોચ થાય. પરંતુ તેને તેમનું કામ અતિશય પ્રિય છે. તેમની ફિલ્મો જોતાં જોતાં જ હું મોટો થયો છું. તેથી મનમાં ડર હોવા છતાં મેં પૂરા આત્મવિશ્વાસથી તેમની સાથે કેમેરાનો સામનો કર્યો. આમેય હું ક્યારેય હાંફળો ફાંફળો નથી થતો. કોઈપણ કામ હાથ ધરવાથી પહેલા એ કામ કરવાની ક્ષમતા કેળવી લેવાની મારી ટેવ મને હોલીવૂડમાં પણ ખપ લાગી. વળી મારું કામ સારી રીતે પાર પડી જાય ત્યાર પછી હું ભગવાનનો પાડ માનવાનું પણ નથી ચૂકતો.
ઈશાને માત્ર ૨૮ વર્ષની વયે જ હોલીવૂડની વાટ ઝાલી તેથી એવો પ્રશ્ન થવો સહજ છે કે તેને પશ્ચિમના ફિલ્મોદ્યોગમાં પ્રવેશવાની આટલી બધી ઉતાવળ શા માટે હતી. શું. તેને બોલીવૂડમાં કામ નહોતું મળતું. આના જવાબમાં ઈશાન કહે છે કે આપણા ફિલ્મોદ્યોગમાં મુખ્ય કલાકાર તરીકે કામ કરતી અભિનેત્રીઓ તેમ જ અભિનેતાઓને એકદમ મર્યાદિત કામ મળે છે. તેમના ભાગે ફિલ્મો ભલે કદાચ વધારે આવતી હશે. પરંતુ તેમના પાત્રોમાં ઝાઝું વૈવિધ્ય નથી હોતું.
જ્યારે હોલીવૂડમાં તમારી સમક્ષ પુષ્કળ તકો પડી હોય છે. મેં અને મારા મોટા ભાઈ શાહિદે માત્ર ૨૧ વર્ષની ઉંમરે બોલીવૂડમાં કદમ માંડી દીધાં હતાં. પરંતુ અમે જોયું કે અહીં આટલા યુવાન કલાકારો માટે ઝાઝાં અવસર નથી. વળી તમે જ્યારે ચોક્કસ પ્રકારની ફિલ્મો જોઈને મોટાં થયાં હો ત્યારે તમે પણ એવી જ ફિલ્મો કરવા ઈચ્છો. મારા માટે કાંઈક નવું કરવા માટેનો આ પરફેક્ટ સમય છે. હજી હું સેલ્ફ ડિસ્કવરીના તબક્કામાંથી પસાર થઈ રહ્યો છું. અલબત્ત, હું મને સારી પેઠે જાણું છું. અને મારા મનની વાત માનું છું. કોઈપણ ફિલ્મોદ્યોગમાં મને હોટ મોમેન્ટ માટે આવીને પછી વિસરાઈ નથી જવું. હું લાંબા વર્ષો સુધી કામ કરવા માગું છું.
ઈશાને જ્યારે તેની અભિનય કારકિર્દીનો આરંભ કર્યો ત્યારે તેને મોટાભાગના લોકો શાહિદ કપૂરના ભાઈ તરીકે સંબોધતા હતા. કોઈકે તેને એમ પણ પ્રશ્ન પૂછી લીધું હતું કે શું ઘરમાં શાહિદ અને તારી વચ્ચે સ્પર્ધા ચાલે છે? આના જવાબમાં ઈશાન કહે છે કે બિલકુલ નહીં. અમારી વચ્ચે કોઈ હરિફાઈ નથી, બલ્કે હું મારા મોટાભાઈની સલાહ લઉં છું. અને તેઓ મારું માર્ગદર્શન પણ કરે છે. તેઓ મારા કરતાં ૧૫ વર્ષ મોટા છે અને હું ગમે તેટલો મોટો કલાકાર બની જાઉં તોય તેઓ મારા કરતાં મોટા જ રહેવાના છે. હા, મારી અભિનય યાત્રા મારી પોતિકી છે. જો તમે આત્મવિશ્વાસુ હો તો તમને પોતાના હુન્નર પર ભરોસો હોય છે. હું કોઈની નકલ કરવામાં કે કોઈનો પડછાયો બનવામાં નથી માનતો. મને અન્ય કોઈની સફળતા વટાવી ખાવામાં પણ રસ નથી. આ જ મારો સ્વભાવ છે અને હું તેમાં જ ખુશ છું.