ઈશાન ખટ્ટરના ફેશન ફન્ડા કેઝ્યુઅલ લૂક પણ સ્માર્ટ લાગવો જોઈએ

Updated: Jul 25th, 2024


Google NewsGoogle News
ઈશાન ખટ્ટરના ફેશન ફન્ડા કેઝ્યુઅલ લૂક પણ સ્માર્ટ લાગવો જોઈએ 1 - image


- ઈશાન માટે સોશિયલ મીડિયા પર ચાહકો તરફથી મળતી કમેન્ટસ મહત્ત્વની છે. અલબત્ત, સોશિયલ મીડિયાને એ એક હદ કરતાં વધારે ગંભીરતાથી લેતો નથી. એના માટે સોશિયલ મીડિયા આનંદ અને સ્વઅભિવ્યક્તિ માટેનું અસરકારક માધ્યમ છે. 

ઈશાન ખટ્ટરનું નામ તરંગી આકર્ષણ, પ્રતિબદ્ધ કાર્ય શૈલી અને ફેશનની વિશિષ્ટ સભાનતા સાથે  સંકળાયેલું છે. સ્ક્રીન પર અને સ્ક્રીનની બહાર ઈશાનનું વ્યક્તિત્ત્વ તેને મનોરંજન ઉદ્યોગમાં અનોખી વ્યક્તિ બનાવીને ઝળકી ઉઠયું છે. ઈશાન ખટ્ટર તેના કાર્ય અને પોષાકની પસંદગીમાં વિગતવાર ધ્યાન આપવા માટે જાણીતો છે જે ગુણ તેને એક વ્યક્તિ અને એક પરફોર્મર બંને તરીકે અન્યોથી અલગ પાડે છે.

કળા પ્રત્યે ઈશાનના અભિગમની ખાસિયત છે કે તે તેની કલા પ્રત્યે લાપરવા નથી રહેતો. ઈશાન કહે છે કે મને કોઈપણ કામ સુસ્તીથી કરવું પસંદ નથી. ઈશાન માટે સહયોગ માત્ર કહેવાની વાત નથી. ક્રિયેટિવ પ્રોજેક્ટોમાં સરળતાથી આગળ વધવા માટે તેમાં ઊંડો રસ હોવો ફરજિયાત છે. ફિલ્મનું શૂટ હોય કે ફોટોશૂટ, ઈશાન માને છે કે રચનાત્મક્તા શેર કરાયેલા વિચારો અને માહિતી પર નિર્ભર છે. જ્યાં પણ જરૂર હોય ત્યાં ઈશાન પોતાના રચનાત્મક મંતવ્યો વહેંચવા તત્પર રહે છે.

જ્યાં ફેશનની વાત આવે છે ત્યાં ઈશાનની સ્ટાઈલ તેની કારકિર્દી અને પ્રગતિનો પડઘો પાડે છે. ઈશાન કહે છે કે ફેશન વિશે મારી સભાનતા સમય સાથે બદલાતી અને વિકસતી રહી છે. જટિલતાની બદલે સાદગી પસંદ કરીને ઈશાને ફેશનની દુનિયામાં પોતાના માટે એક ખાસ સ્થાન બનાવ્યું છે. પ્રવાસ, ફિલ્મ જોવા જવી અથવા ડિનર માટે જવા જેવી દૈનિક પ્રવૃત્તિ માટે ઈશાન આરામદાયક સ્ટાઈલની પસંદગીને પ્રાધાન્ય આપે છે. ફેશન વિશેની તેની પસંદગી પોતાના શારીરિક બાંધા અને રંગોના સહયોગ જેવા મૂળભૂત મુદ્દા પર આધારિત રહી છે. ઈશાન કબૂલ કરે છે કે તે પોતાના કેઝ્યુઅલ પહેરવેશ બાબતે વધુ વિચારતો નથી પણ ચોક્કસ દિવસે તેને જે યોગ્ય લાગે તેવા જ કપડાં ધારણ કરે છે.

બિનપરંપરાગત ફિલ્મ બીયોન્ડ ધી ક્લાઉડ્સ (૨૦૧૭)માં ઈશાનના ડેબ્યુથી તેની કારકિર્દી અને તેની સ્ટાઈલ બંનેમાં પ્રયોગો કરવા માટે તેની તૈયારી હોવાનું સ્પષ્ટ થયું. ઈશાનને સરહદો ઓળંગવામાં અને નવી બાબતો સ્વીકારવામાં આનંદ મળતો હોવા છતાં તે પોતાની મૌલિકતા અને નિયમોનો ભંગ નથી કરતો. 

ક્લાસીક દેખાવમાંથી પ્રેરણા લઈને ઈશાન પોતાની સ્ટાઈલમાં નવાં નવાં ઘટકો સામેલ કરતા અચકાતો નથી. ધડક (૨૦૧૮), ખાલી પીલી(૨૦૨૦) અને પિપા (૨૦૨૩) સહિત તેની ફિલ્મોગ્રાફી જોખમ લેવા માગતા એક એક્ટર તરીકે તેની વર્સેલિટી પૂરવાર કરે છે.

કેઝ્યુઅલ અને બિનપરંપરાગત સ્ટાઈલ સાથે પ્રયોગો કરવામાં આનંદ આવતો હોવા છતાં ઈશાન ઔપચારિક પહેરવેશ પ્રત્યે વધુ સાવધાનીભર્યો અભિગમ અપનાવે છે. ઈશાન માને છે કે ઔપચારિક પોષાકમાં પણ તે સારા દેખાવું જોઈએ. ઈશાન કહે છે કે કેઝ્યુઅલ પોષાક પ્રત્યે હું લાપવાહી નથી વર્તતો. તેના ફોર્મલ પોષાક યોગ્ય રીતે પસંદ કરેલા હોય છે. સોશિયલ મીડિયા પર ઈશાનની હાજરી રમતિયાળ છતાં સમજદારીભરી હોય છે. તે અવારનવાર સ્ટાઈલીશ અને શર્ટ વિનાની તસવીરો પોસ્ટ કરે છે જેના પ્રત્યે નેટિઝનોનું ધ્યાન ખેંચાય છે. ઈશાન ચાહકો તરફથી મળતા સકારાત્મક પ્રતિસાદને મહત્વ આપે છે, જો કે તે સોશિયલ મીડિયાને વધુ ગંભીરતાથી નથી લેતો. ઈશાન માટે સોશિયલ મીડિયાનુ મંચ આનંદ અને સ્વઅભિવ્યક્તિ માટેનું અસરકારક માધ્યમ છે. 

ઈશાનની સોશિયલ મીડિયા પ્રવૃત્તિમાં એક ચોક્કસ ટ્રેન્ડ હોય છે. કામ અથવા શૂટીંગમાં વ્યસ્ત હોય ત્યારે ઈશાન સોશિયલ મીડિયાથી બિલકુલ દૂર થઈ જાય છે.

ઈશાન કહે છે કે હું શાંતિથી કામ કરવામાં માનુ છું અને તે હિસ્સાને અલગ જ રાખવા માગુ છું. તેના આવા અભિગમથી તેને સેટ પર પોતાના પાત્રમાં કોઈ પણ વિક્ષેપ વિના ઓતપ્રોત થવામાં સહાય મળે છે. જોકે નવરાશની પળોમાં ઈશાન સેલિબ્રિટી ફોટોગ્રાફરો સાથે ટેસ્ટ શૂટ જેવી રચનાત્મક પ્રવૃત્તિમાં વ્યસ્ત રહેવામાં અને તેના જીવનની ઝલક શેર કરવામાં આનંદ માણે છે. 


Google NewsGoogle News