ઈશાન ખટ્ટર: બોલિવુડનો બાહોશ બ્રિગેડિયર
- ઈશાન ખટ્ટરે 'પિપ્પા'માં બ્રિગેડિયર બલરામસિંઘ મહેતાનું પાત્ર ભજવ્યું છે. ૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધના હીરો બ્રિગેડિયર મહેતા આ વૉર વખતે ઈશાન જેવડા જ હતા - 28 વર્ષના.
'તમે કોઈનું જીવન પૂરેપૂરું જીવો એટલે એનાથી પ્રભાવિત થયા વિના કઈ કઈ રીતે રહી શકો?
આ એક એવું પાત્ર છે જે હું જીવીશ ત્યાં સુધી મારા ડીએનએમાં રહેવાનું છે.'
વૉ ર ફિલ્મ બનાવવા માટે બહુ બધી જહેમત લેવી પડે છે. સખત મહેનત અને લગનથી વૉર ફિલ્મ બનાવ્યા પછી દર્શકો એને કેવો રિસ્પોન્સ આપશે એની કોઈ ગેરંટી નથી હોતી એટલે જ વૉર ફિલ્મ બનાવવી ઇન્ડસ્ટ્રીમાં એક જુગટુ ગણાય છે. ડિરેક્ટર રાજા કૃષ્ણ મેનને ૧૯૭૧ના બાંગ્લાદેશ યુદ્ધ પર 'પિપ્પા' બનાવીને જુગટુ ખેલ્યું છે. 'પિપ્પા'માં ઈશાન ખટ્ટર અને મૃણાલ ઠાકુર લીડ રોલમાં છે. ઓટીટી પ્લેટફોર્મ પર ફિલ્મનું સ્ટ્રિમિંગ શરૂ થયું એ પહેલા એની કેટલીક પ્રમોશનલ ઇવેન્ટ્સ યોજાઈ હતી, જેમાં પ્રોડયુસરોએ ઈશાનને આગળ રાખ્યો હતો. ૨૮ વરસના એક્ટરે બહુ સ્વસ્થપણે મીડિયાનો સામનો કર્યો હતો.
પડદા પર એક જીવતી-જાગતી વ્યક્તિનો રોલ કરવો બહુ મોટી જવાબદારી છે. ઈશાન ખટ્ટરે 'પિપ્પા'માં બ્રિગેડિયર બલરામસિંઘ મહેતાનું પાત્ર ભજવવાની જવાબદારી ઉઠાવી છે. ૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધના હીરો બ્રિગેડિયર મહેતા વૉર વખતે ઈશાનની જ ઉંમરના હતા. ફિલ્મ એમના જ પુસ્તક 'ધ બર્નિંગ ચાફીસ'નું એડાપ્ટેશન છે. આખી ફિલ્મના રિસર્ચ મટિરિયલનો મુખ્ય સ્રોત બ્રિગેડિયરની આ ઓટોબાયોગ્રાફી જ છે.
પાકિસ્તાનથી બાંગ્લાદેશની આઝાદી માટે લડાયેલા ઐતિહાસિક યુદ્ધના હીરો (વોટર વેટરન) બલરામસિંઘ મહેતા વિશે ઉત્સાહથી મીડિયાને વાત કરતા ઈશાન કહે છે, 'બ્રિગેડિયર પહેલા જ દિવસથી અમારા માટે ગાઇડિંગ ફોર્સ બની ગયા હતા. ફિલ્મના સંપૂર્ણ મેકિંગ દરમિયાન અને એ પછી પણ તેઓ અમારી પડખે હતા.'
બાંગ્લાદેશના મુક્તિ સંગ્રામમાં ભારતની ભૂમિકા કેટલી મહત્ત્વની હતી એનું ચિત્રણ 'પિપ્પા'માં કરાયું છે એમ જણાવતા શાહિદ કપૂરનો ઓરમાન નાનો ભાઈ કહે છે, 'ફિલ્મના હાર્દમાં વૉર વેટરન્સ દ્વારા કહેવાયેલી સાચુકલી સ્ટોરીઝ છે અને એને લીધે ફિલ્મને એક પ્રકારની ઓથેન્ટિસિટી મળે છે. બ્રિગેડિયર મહેતા જેવા આર્મ્ડ કોર્પસ (સૈન્યની બખ્તરિયા ડિવિઝન)ના ઑફિસરની લાઈફ આપણે કલ્પી પણ ન શકીએ એટલી સંગીન હોય છે. એમની ફરજમાં માત્ર પ્રચંડ બળ જ નહિ, એડેડેમિક્સ પણ સામેલ હોય છે. આ ઑફિસરો મિકેનિકલ એન્જિનિયર્સ હોય છે અને એમણે આર્મીમાં જોડાયા પછી મશીનો ચલાવતા શીખવું પડે છે. આ ફિલ્મમાં એમના જીવનની એક ઝાંખી જોવા મળશે.'
આ બધી વિગતો જાણ્યા પછી પત્રકારો ઈશાન ખટ્ટરને કહે છે કે આવા સ્ટ્રોંગ કેરેક્ટરમાંથી બહાર નીકળવું તારા માટે સહેલું નહિ હોય! મજાકનો સીરિયસ જવાબ આપતા ખટ્ટર એમ કહીને વાતનું સમાપન કરે છે કે 'પિપ્પા' મારા પર ઊંડી અસર કરી ગઈ હોય એવી ફિલ્મોમાંની એક છે. તમે કોઈનું જીવન પૂરેપૂરું જીવો એટલે એનાથી પ્રભાવિત થયા વિના કઈ કઈ રીતે રહી શકો? આ એક એવું પાત્ર છે જે મેં ઉપરછલ્લી રીતે કેમેરા સામે ભજવ્યું નથી. હું જીવું છું ત્યાં સુધી એ મારા ડીએનએમાં રહેવાનું છે.