ઇશા કોપ્પિકરે આખરે મૌન તોડયું .
- 'અમે કંકાસ વિના સલાહ સંપથી ડિવોર્સ લેવાનું નક્કી કર્યું હતું. પાણી બંધિયાર થઇ જાય પછી એ ગંધાવા માંડે છે. સંબંધોનું પણ એવું જ છે. જીવન જળના પ્રવાહની જેમ સતત વહેતું રહેવું જોઇએ...'
બોલિવુડમાં અભિનેત્રી ઇશા કોપ્પિકરની ગાડી સ્પીડ પકડી રહી હતી ત્યારે જ એણે હોટેલિયર ટિમ્મી નારંગના પ્રેમમાં પડી લગ્ન કરી લેવાની ઉતાવળ કરી. ૨૦૦૯માં પરણેલા આ કપલે ૧૪ વરસ પછી નવેમ્બર ૨૦૦૩માં ડિવોર્સ લઇ લીધા. ઇશાએ પોતાની ૧૧ વરસની પુત્રી રિયાના સાથે ડિવોર્સ બાદ બાંદ્રાના પોશ એરિયામાં આવેલું ટિમ્મીનું નારંગ હાઉસ છોડયું હતું.
એણે પોતાના એક્સ હસબન્ડ વિરુદ્ધ હરફ પણ ન ઉચ્ચાર્યો પરંતુ હવે એક્ટ્રેસે મૌન તોડી મિડીયા સમક્ષ માંડીને વાત કરી છે. 'ટિમ્મીએ અમારા ડિવોર્સની એકાએક જાહેરાત કરીને બહુ બેજવાબદારી બતાવી હતી, હું એ માટે હજુ રેડી નહોતી. હું રિયાનાને અમારા છુટા પડવાની વાત જુદી રીતે કરવા માગતી હતી. મારી ઇચ્છા હતી કે એ હકીકતનો ધીમે ધીમે સ્વીકાર કરે પરંતુ એ પહેલા નારંગે ડિવોર્સનો ઢોલ પીટી દીધો. પછીથી એણે પોતે ભાંગરો વાટયો હોવાનું કબુલ્યું અને એ બદલ માફી પણ માગી. મારી દીકરી માટે આવા સંજોગોમાં એડજસ્ટ થવું કપરું હતું કારણ કે એ જન્મી ત્યારથી તમામ સુખ સાહેબી સાથે મોટા ઘરમાં રહેવા ટેવાયેલી હતી. ફરીથી લાઇફ કઇ રીતે શરૂ કરવી એની મને ખબર નહોતું પરંતુ મને પરમાત્મામાં શ્રદ્ધા હતી. હું અને રિયાના બહુ પોઝીટીવ પર્સન્સ છીએ અને હવેથી અમારું જીવન બહેતર થતું જસે એવો મને વિશ્વાસ છે.'.
ઈશાએ એમ પણ કહ્યું હતું કે ટિમ્મી નારંગને ડિવોર્સ આપવાનો ઇન્કાર કરવો મારા માટે સહેલો હતો પરંતુ એ મારા સિદ્ધાંતોની વિરુદ્ધ હતું. ખાસ તો એટલા માટે કે અમે બંનેએ કોઇ પ્રકારના કંકાસ વિના સલાહ સંપથી છુટા પડવાનું નક્કી કર્યું હતું. ઇટ નોઝ વેરી ટફ ફોર મી. મારે અમુક જવાબો જોઈતા હતા, જે મને મળતા નહોતા. ખેર... પાણીની જેમ કશુંક બંધિયાર થઇ જાય પછી એ ગંધાવા માંડે છે. સંબંધોનું પણ એવું જ છે. જીવન જળના પ્રવાહની જેમ સતત વહેતું રહેવું જોઇએ, ખરુ? હું આધ્યાત્મિક વ્યક્તિ બની ગઈ છું અને તેનાથી મને સ્પષ્ટતાપૂર્વક જીવવામાં ખૂબ મદદ મળે છે.'