Get The App

સંગીતકાર જયદેવને આ રીતે આપણે ઓળખીએ છીએ ખરા?

Updated: Jan 9th, 2025


Google NewsGoogle News
સંગીતકાર જયદેવને આ રીતે આપણે ઓળખીએ છીએ ખરા? 1 - image


- જયદેવ પ્રતિભાનો અખૂટ ભંડાર પણ પોતાની પ્રતિભાને અનુરૂપ પુરસ્કાર મેળવતાં ન આવડયું. બાર્ગેઇન કરવામાં ઠોઠ નિશાળિયા જેવા. કામ ચોવીસ કેરેટના સોના જેવું, પરંતુ પુરસ્કાર પિત્તળ જેટલો ય ન મેળવી શક્યા. 

ઇ શુના નવા વરસ ૨૦૨૫ના બીજા શુક્રવારે આજે એક અતિ પ્રતિભાશાળી સંગીતકાર જયદેવને જરા જુદી રીતે પિછાણવાનો પુરુષાર્થ આદર્યો છે. આ રીતે જયદેવને જાણવાના આ લેખકના પ્રયાસોમાં તમે પણ સહભાગી થાઓ તો મજા પડશે. આવો, મળીએ જયદેવને. જયદેવ અને નૌશાદ. જયદેવ અને મદન મોહન. જયદેવ અને રોશન. જયદેવ અને ઓ. પી. નય્યર. જયદેવ અને (કલ્યાણજી) આણંદજી. જયદેવ સાથે જેમનાં નામ લીધાં એ બધાં વચ્ચે કોઇ સમાનતા ખરી? તમે કદાચ બોલી ઊઠશો કે કેવો વાહિયાત સવાલ? આ બધા હિન્દી ફિલ્મોના પ્રતિતિ સંગીતકારો છે. એ સિવાય બીજી કઇ સમાનતાની વાત તમે કરો છો? વેલ, ધેટ્સ ધ પોઇન્ટ. પરંતુ મારે જે સમાનતાની વાત તમે કરવી છે એ હવે તમને કહું છું. વાંચજો ધ્યાનથી.

સંગીતકાર નૌશાદે પચાસ વરસમાં માત્ર ૬૪-૬૫ ફિલ્મો કરી. જયદેવે ત્રીસ વર્ષની કારકિર્દીમાં ચાલીસ ફિલ્મો કરી. આ એક અલગ પ્રકારની સમાનતા છે. કામ નહોતું મળતું એમ નહીં, પણ પોતાને આનંદ આવે એ રીતે પોતાની પસંદગીની ફિલ્મો કરી. એ જ રીતે સંગીતકાર મદન મોહન અને જયદેવ બંને એવા સંગીતકારો હતા જેમનો જન્મ વિદેશમાં થયો હતો. મદન મોહન બગદાદ (ઇરાક)માં જન્મ્યા હતા, જયદેવ ઇસ્ટ આફ્રિકાના નાઇરોબીમાં જન્મ્યા હતા. મદન મોહનના પિતા ઇરાકી પોલીસ ફોર્સના એકાઉન્ટન્ટ જનરલ હતા તો જયદેવના પિતા બ્રિટિશ રેલવેના અધિકારી હતા. બંનેને એમની વ્યાવસાયિક કારકિર્દી સ્વદેશમાં ખેંચી લાવી. આ જુદા પ્રકારની સમાનતા છે. રોશન અને જયદેવ બંને જગવિખ્યાત સરોદવાદક ઉસ્તાદ અલી અકબર ખાનના શિષ્યો હતા. આ પણ એક સમાનતા છે. ઓ. પી. નય્યર અને જયદેવ બંને મૂળ પંજાબી નબીરા હતા એ એક નોખા પ્રકારની સમાનતા છે. જયદેવ અને આણંદજીભાઇ, બંને સંગીતકાર બન્યા એ પહેલાં હીરો બનવા માગતા હતા. બંનેએ ૧૯૪૦ના દાયકામાં કેટલીક ફિલ્મોમાં નાનીમોટી ભૂમિકાઓ કરી હતી. અભિનય ક્ષેત્રે કારકિર્દી નહીં જામતાં બંને સંગીતકાર બન્યા એ એમની વચ્ચેની સમાનતા.

સંગીતકાર જયદેવની વાત અતિશય ટૂંકમાં કરવી હોય તો બે પંક્તિમાં કરી શકાય. બંને પંક્તિનું સ્વરાંકન પણ જયદેવે કર્યું છે. જયદેવ એટલે 'મૈં જિંદગી કા સાથ નિભાતા ચલા ગયા, હર ફિક્ર કો ધૂંએ મેં ઊડાતા ચલા ગયા...' અને બીજી પંક્તિ એટલે આ- 'કભી ખુદ પે, કભી હાલાત પે રોના આયા...' એક અલગારી ઇન્સાન. જીવનભર અપરિણિત રહ્યા. જીવનભર બેઘર રહ્યા. પેઇંગ ગેસ્ટ તરીકે જીવ્યા. મહારાષ્ટ્ર રાજ્ય સરકારે બે બેડરૂમનો ફ્લેટ ફાળવ્યો તે દિવસે ભાઇ આ દુનિયાને અલવિદા કરીને ચાલતા થયા. જીવ્યા ત્યાં સુધી કૌટુંબિક જવાબદારી નિભાવતા રહ્યા. લુધિયાણા અને મુંબઇ વચ્ચે આવ-જા કરતા રહ્યા.

જયદેવ પ્રતિભાનો અખૂટ ભંડાર પણ પોતાની પ્રતિભાને અનુરૂપ પુરસ્કાર મેળવતાં ન આવડયું. બાર્ગેઇન કરવામાં ઠોઠ નિશાળિયા જેવા. કામ ચોવીસ કેરેટના સોના જેવું, પરંતુ પુરસ્કાર પિત્તળ જેટલો ય ન મેળવી શક્યા. છતાં કદી પોતાના કામમાં દિલચોરી ન કરી. દરેક ગીત એક અણમોલ રત્ન જેવું આપ્યું. કોઇ માટે કદી રાવ-ફરિયાદ ન કરી. કોઇને જાહેરમાં કે ખાનગીમાં ઊઘાડા ન પાડયા. આ જયદેવને હવે થોડાક શુક્રવાર સુધી આપણે માણવાના છીએ. એટલો પરગજુ ઇન્સાન કે બીજા માટે પોતે કરગરે. એક દાખલાથી વાતનો આરંભ કરું છું.

દેશના ભાગલા પડયા ત્યારે શાીય ગાયક પંડિત અમરનાથ લાહોર (પાકિસ્તાન)થી ભારતમાં આવ્યા અને દિલ્હી આકાશવાણીમાં પ્રોગ્રામ એક્ઝિક્યુટીવ તરીકે જોડાયા. જયદેવ એ દિવસોમાં અમરનાથની સાથે રહેતા. પંડિત અમરનાથ દિગ્ગજ ગાયક યુગસર્જક ઉસ્તાદ અમીર ખાનના શિષ્ય. વાતો બડી બડી કરે. એક દિવસ પોતાના ગુરુ ઉસ્તાદ અમીર ખાનને કહે, 'કુછ ભારીવાલા કામ દીજિયે ન, યે ક્યા આસાન આસાન ચીજે દેતે હૈં.'  ઉસ્તાદજી સમજી ગયા કે આ શાગિર્દને અહં આવ્યો લાગે છે. એમણે રાગ ભીમપલાસીમાં માત્ર એક સરગમ આપી કે, આ કરી લાવ.

પંડિત અમરનાથ મંડી પડયા. કલાકો સુધી લમણાફોડ કરી પણ ગળામાં ઊતરે નહીં. એક દિવસ થયો, બીજો દિવસ થયો, ત્રીજો દિવસ થયો. ખાવાપીવાનું ભાન નહીં, પાગલની જેમ લાગી પડેલા. જયદેવને દયા આવી. ઉસ્તાદ અમીર ખાન સાહેબને કરગર્યા: ઉસ્તાદજી, ઇસ પગલે કો બક્ષ દીજિયે, ભૂખા-પ્યાસા મર જાયેગા. ઉસ્તાદજીએ જયદેવને ફક્ત એક સ્વર આપ્યો અને કહ્યું કે આ સ્વરને જોડીને આખી સરગમને પાંચમી માત્રાથી ગાવાનું કહેજે. અમરનાથ ઊગરી ગયા. 

આવા પરગજુ દોસ્ત હતા જયદેવ. એક કરતાં વધુ ફિલ્મ સર્જકે એને ખરાખોટા વાયદા કર્યા, પરંતુ જયદેવ કોને કહીએ? એણે કોઇને દોષ ન આપ્યો, પોતાના ભાગ્યને કોસતા રહ્યા. એવોર્ડ્સ ઘણા મળ્યા પણ એવોર્ડથી કોઇના ઘરનો ચૂલો સળગ્યો છે કદી? એવા આ અલગારી આદમીના સર્જનને માણવાનો લ્હાવો આપણે થોડાક પ્રકરણોમાં લઇશું. 


Google NewsGoogle News