બોલિવુડ યમી ગૌતમનું હુન્નર પારખવામાં મોડું પડયું કે શું?
- આ રુપકડી એક્ટ્રેસના નામનો સાચો ઉચ્ચાર 'યામી' નહીં પણ 'યમી' છે. યમી એટલે યમદેવની બહેન. યમ અને યમી સૂર્યનાં સંતાનો ગણાયાં છે. યમુના નદી પણ યમીનું જ એક સ્વરુપ છે.
- 'તમે આખો દિવસ કામ કર્યા પછી ઘરે આવો ત્યારે તમને પ્રેમ કરનારા તમારી રાહ જોઈ રહ્યા હોય, એ તમારી સાથે તમારા રસના વિષયો વિશે વાત કરી શકે, તમારા કામની સરાહના કરે અને તેમાં રહેલી ક્ષતિઓ પ્રત્યે આંગળી પણ ચીંધે... તેનાથી વધુ શું જોઈએ?'
સૌ થી પહેલાં તો એક સ્પષ્ટતા. આ રુપકડી એક્ટ્રેસના નામનો સાચો ઉચ્ચાર 'યામી' નહીં પણ 'યમી' છે. યમી એટલે યમદેવની બહેન. યમ અને યમી સૂર્યનાં સંતાનો ગણાયાં છે. યમુના નદી પણ યમીનું જ એક સ્વરુપ છે. આપણે જાણતા નથી કે યમી ગૌતમ પોતાના નામની વ્યુત્પત્તિ વિશે કેટલું જાણે છે. ઘણું કરીને એ ખુદ પોતાને ચાંપલાશથી 'યામી' જ કહે છે. એની વે. આપણે તો એને યમી જ કહીશું.
યમી હાલ પોતાની કારકિર્દીના શ્રેષ્ઠ તબક્કામાંથી પસાર થઈ રહી છે. છેલ્લા કેટલાક સમયમાં તેણે જે ફિલ્મો આપી છે તે જોયા પછી ઘણાં ફિલ્મ સર્જકોને એમ લાગી રહ્યું છે કે આ અભિનેત્રીમાં હજી ઘણું હુન્નર ધરબાયેલું પડયું છે. બસ, જરૂર છે તેને બહાર લાવવાની. છેલ્લા કેટલાક સમયમાં યમીને જે ફિલ્મોએ ખ્યાતિ અપાવી છે તેમાંની મોટાભાગની મૂવી ઓટીટી પર રજૂ થઈ છે. સ્વાભાવિક રીતે જ લોકો એમ માનવા લાગ્યાં છે કે ઓટીટી યમી માટે તારણહાર બન્યું છે. જોકે અભિનેત્રી આ વાત સાથે સંપૂર્ણ સંમત નથી થતી. તે કહે છે કે કોરોના મહામારી ત્રાટકી તેનાથી પહેલા મારી બે ફિલ્મો 'ઉરી ઃ ધ સર્જિકલ સ્ટ્રાઈક' અને 'બાલા' સિનેમાઘરોમાં રજૂ થઈ હતી. બંને ફિલ્મોને ખૂબ સફળતા મળી. દર્શકો અને ફિલ્મ સર્જકોએ મારા કામની પ્રશંસા કરી. આ ફિલ્મો આવ્યાં પછી ઘણા ફિલ્મ સર્જકોને મારી અંદર ધરબાયેલું હુન્નર નજરે પડયું. આમ, આ બંને ફિલ્મો મારી કારકિર્દીમાં મહત્વના વળાંક સમી પુરવાર થઈ. આ ફિલ્મોને પગલે પગલે મને 'અ થર્સ્ડે', 'દસવીં', 'ચોર નીકલ કે ભાગા', 'લૉસ્ટ', 'ઓએમજી-૨' જેવી ફિલ્મો મળી.
અભિનેત્રી વધુમાં કહે છે કે મેં આટલી ફિલ્મો કરી એનો અર્થ એવો નથી થતો કે મેં આડેધડ ફિલ્મો સ્વીકારી લીધી હતી. મેં બહુ સમજીવિચારીને, મારી કારકિર્દીને આગળ ધપાવે એવી ફિલ્મો પર પસંદગી ઉતારી હતી. હું ઇચ્છતી હતી કે મારી ફિલ્મો માત્ર બૉક્સ ઑફિસ પર જ તડાકો ન પાડે, પણ સમીક્ષકો સુધ્ધાં તેની પ્રશંસા કરે.
આ ખૂબસૂરત અદાકારાએ પોતાની કારકિર્દીનો આરંભ 'વિકી ડોનર' જેવી હટકે ફિલ્મથી કર્યો હતો. સામાન્ય રીતે કોઈપણ નવોદિતા પોતાની સૌપ્રથમ ફિલ્મમાં ગ્લેમરસ અવતારમાં આવવાનું પસંદ કરે. આ બાબતે યમી કહે છે કે હું મારી અભિનયયાત્રા એવી ફિલ્મથી શરૂ કરવા માગતી હતી જેમાંથી દર્શકોને ચોક્કસ સંદેશો મળે. હું માત્ર ટ્રેન્ડને અનુસરવા નહોતી માગતી. હા, ફિલ્મની રજૂઆત પછી લોકો શું કહેશે એ મારા હાથની વાત નહોતી. હું મારા દ્રષ્ટિકોણમાં સ્પષ્ટ હતી. મને કરવા ખાતર કામ નહોતું કરવું. જોકે મારે એક નિશ્ચિત મુકામ પર પહોંચી ગયા પછી જ ચૂઝી બનવાની જરૂર હતી. ૨૦૧૯માં મને આ વાત સમજાઈ ત્યારથી હું પરિસ્થિતિ અનુસાર મને બદલતી રહી.
આજે ફિલ્મોદ્યોગમાં અભિનેત્રીઓને જે માન આપવામાં આવી રહ્યું છે, તેમના હુન્નરને ધ્યાનમાં રાખીને તેમના માટે ખાસ રોલ લખવામાં આવી રહ્યાં છે તે જોઈને યમી બહુ ખુશ છે. તે કહે છે કે આજે નિર્માતાઓ અને દિગ્દર્શકો મહિલાપ્રધાન ફિલ્મોને ઉત્તેજન આપે છે અને લેખકો તેમના માટે ખાસ કિરદાર રચે છે એ કાબિલે તારીફ છે. અલબત્ત, આ પરિવર્તન આવતાં ઘણાં વર્ષ લાગી ગયાં છે.
યમીએ ફિલ્મ સર્જક આદિત્ય ધર સાથે પોતાનો સંસાર વસાવ્યો છે અને તે પોતાના વિવાહિત જીવનમાં બહુ ખુશ પણ છે. અભિનેત્રી કહે છે કે જ્યારે તમે આખો દિવસ કામ કર્યા પછી ઘરે આવો ત્યારે તમને પ્રેમ કરનારા તમારી રાહ જોઈ રહ્યા હોય, એ તમારી સાથે તમારા રસના વિષયો વિશે વાત કરી શકે, તમારા કામની સરાહના કરે અને તેમાં રહેલી ક્ષતિઓ પ્રત્યે આંગળી પણ ચીંધે તેનાથી વધુ શું જોઈએ?
સોશિયલ મીડિયા પર 'કપલ ગોલ્સ'નો વા ચાલ્યો હતો. યામીને આ વિષય રસપ્રદ લાગે છે, પણ તે તેમાં વિશ્વાસ નથી કરતી. અભિનેત્રી કહે છે કે કપલ ગોલ્સ જેવું કાંઈ હોતું જ નથી. જોકે લોકો ચોક્કસ યુગલોને ચોક્કસ રીતે જોઈને રાજી રાજી થઈ જાય છે. પ્રત્યેક યુગલનું વિવાહિત જીવન જુદું હોય છે. તમે ક્યારેય કોઈના અંગત જીવન વિશે સંપૂર્ણ જાણકારી ન મેળવી શકો. બહેતર છે કે લોકોના મગજમાં આવી વાતો ભરવામાં જ ન આવે.
વાત તો સાચી.