Get The App

છેલ્લા કેટલાક સમયમાં : ઓચિંતા નવરા પડી ગયા આ કલાકારો

Updated: Jan 2nd, 2025


Google NewsGoogle News
છેલ્લા કેટલાક સમયમાં : ઓચિંતા નવરા પડી ગયા આ કલાકારો 1 - image


ટીવી સીરિયલોમાં અચાનક લીપ આવવાથી, ટ્રેક બદલાવાથી, કલાકારોને રીપ્લેસ કરવાથી કે પછી શો પર અનપેક્ષિત સમયે પડદો પાડી દેવાથી તેમાં કામ કરતાં અભિનેતાઓ તેમ જ અભિનેત્રીઓ ઓચિંતા જ બેરોજગાર બની જાય, નવરા પડી જાય. એ વાત સાવ સામાન્ય છે. છેલ્લા કેટલાક સમયમાં સંખ્યાબંધ કલાકારોને પોતાનું કામ ગુમાવવાની નોબત આવી હતી. આજે આપણે આવા કેટલાંક કલાકારોની વાત કરીશું.

મદાલસા શર્મા : 

'અનુપમા'માં અભિનેત્રી મદાલસા શર્માના પાત્ર 'કાવ્યા'નું મહત્વ અચાનક સાવ ઓછું કરી નાખવામાં આવતાં અભિનેત્રી વિચલિત થઈ ગઈ હતી. તેણે પોતાના રોલને ફરીથી પહેલા જેવું ફૂટેજ મળે તેની ઘણાં સમય સુધી રાહ જોઈ. પરંતુ તેની આ ઇચ્છા પૂર્ણ ન થતાં તે શોમાંથી ખસી ગઈ હતી. પ્રારંભિક તબક્કે તે એમ કહેતી રહી હતી કે તેણે શોમાંથી બ્રેક લીધો છે. જોકે પછીથી આ શોમાં તેના પતિની ભૂમિકા ભજવનાર સુધાંશુ પાંડેએ શો છોડયો ત્યાર પછી મદાલસાએ પણ સીરિયલમાંથી નીકળી ગઈ હોવાની જાહેરાત કરી હતી.

પ્રિયાંશી યાદવ : 

ધારાવાહિક 'પંડયા સ્ટોર'માં અભિનેત્રી પ્રિયાંશી યાદવ મુખ્ય ભૂમિકા ભજવી રહી હતી. પરંતુ શો પર અચાનક પડદો પાડી દેવામાં આવતાં તે નવરી પડી ગઈ. અને આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી તેને કોઈ નવો શો નથી મળ્યો.

નિધી શાહ : 

અભિનેત્રી નિધી શાહને ધારાવાહિક 'અનુપમા'માંથી અચાનક જવું પડયું. હવે તેના સ્થાને અભિનેત્રી મિલોની કપાડિયા 'કિંજલ'ની ભૂમિકા ભજવી રહી છે. જોકે દર્શકોને હજી સુધી નિધીની ખોટ સાલે છે.

 શહજાદા ધામી : 

અભિનેતા શહજાદા ધામીને ધારાવાહિક 'યે રિશ્તા ક્યા કહલાતા હૈ'ના સર્જકોએ અચાનક જ બેકાર બનાવી દીધો. આ શોમાં તે 'અરમાન'ની ભૂમિકા ભજવી રહ્યો હતો. પરંતુ નિર્માતા રાજન શાહીએ તેને અચાનક શોમાંથી તગેડી મૂક્યો. 

ત્યાર પછી અભિનેતાએ રીઆલિટી શો 'બિગ બૉસ'માં કિસ્મત અજમાવી જોઈ. પરંતુ તેમાંથી પણ તે એલિમિનેટ થઈ ગયો.

શક્તિ અરોરા : 

ધારાવાહિક 'ગુમ હૈ કિસી કે પ્યાર મેં'માં આવેલા લીપને કારણે અભિનેતા શક્તિ અરોરાને શો છોડવો પડયો. અલબત્ત, અભિનેતાના ચાહકોને આ વાત નહોતી રુચિ. 

ગૌરવ ખન્ના : 

'અનુપમા'માં લીપ આવતાં તેના વધુ એક કલાકારને બેકાર થવું પડયું છે. આ કલાકાર એટલે શોમાં 'અનુજ કપાડિયા'નું કિરદાર અદા કરતો અભિનેતા ગૌરવ ખન્ના. શોમાં લીપ આવવાને કારણે ગૌરવ ખન્નાનો ટ્રેક સાઇડ પર ધકેલી દેવામાં આવ્યો. અભિનેતાએ લગભગ બે મહિના સુધી ગાડી પાટે ચડવાની રાહ જોઈ ત્યાર પછી તેણે શો છોડી દીધો.

સુંબુલ તૌકિર ખાન : 

અભિનેત્રી સુંબુલ તૌકિર ખાન 'કાવ્યા : એક જજબા એક જુનૂન'માં કામ કરી રહી હતી. પરંતુ આ શોનો અચાનક જ વીંટો વાળી દેવામાં આવતાં સુંબુલની રોજગારી છીનવાઈ ગઈ.

નિયા શર્મા : 

નિયા શર્માએ 'સુહાગન ચુડેલ'થી ટીવી પર વાપસી કરી હતી. પરંતુ આ શો ગણતરીના મહિનાઓમાં જ બંધ થઈ જવાને કારણે અદાકારાને રોજગાર ગુમાવવાનો વારો આવ્યો. ત્યાર પછી નિયા શર્માને 'લાફ્ટર શેફ'માં કામ કરવાની તક મળી. જોકે હજી સુધી નિયાના નસીબ આડેનું પાંદડું ખસ્યું નથી. આ શો પણ બંધ થઈ જતાં નિયા શર્મા ફરીથી બેકાર બની ગઈ.

રોહિત ચંદેલ :

 'પંડયા સ્ટોર' પર પડદો પડી જવાને કારણે તેના વધુ એક કલાકાર રોહિત ચંદેલને પણ કામ વિના ઘરમાં બેસવાની નોબત આવી છે. 


Google NewsGoogle News