પ્રોસ્થેટિક મેકઅપ કરવો પડે એવો રોલ ભવિષ્યમાં ક્યારેય નહીં કરું : પંકજ ત્રિપાઠી
- 'આઠ ઘંટે કી નીંદ હી ઇન્સાન કી બડી સફલતા હૈ. તમે નિરાંતે આઠ કલાકની ઊંઘ કરી લીધી, બસ એથી વધુ શું જોઈએ? મારા માટે સફળતાનો એ જ માપદંડ છે.'
અયોધ્યાના રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાની ચર્ચા હજુ સુ૦૦૦ી શમી નથી. રામ જન્મભૂમિ માટે જે આંદોલન વરસો સુધી ચાલ્યું એમાં ભાજપના એક સમયના મોવડીઓ લાલકૃષ્ણ અડવાણી અને અટલ બિહારી વાજપેયીની પ્રમુખ ભૂમિકા હતી. ડિરેક્ટર રવિ જાધવે વાજપેયીના અનોખા વ્યક્તિત્વના તમામ પાસાને આવરી લેતી એમની બાયોપિક બનાવી છે, 'મૈં અટલ હૂં', જેમાં ભારતના સદ્ગત વડા પ્રધાન અને લોકપ્રિય નેતા અટલજીનો રોલ પંકજ ત્રિપાઠીએ ભજવ્યો છે.
'મૈં અટલ હું'ને મિશ્ર પ્રતિક્રિયાઓ મળી છે. રિલીઝ પહેલાં પંકજ ત્રિપાઠીએ પૂરા દિલથી એનું પ્રમોશન કરી પસંદગીના મીડિયાને ઇન્ટરવ્યૂ આપ્યા હતા. એમાં ઍક્ટરે બાયોપિક ઉપરાંત પોતાના કરિયર, રાજકારણ, પર્સનલ લાઇફ અને સફળતાના પોતાના માપદંડ વિશે ખૂલીને ચર્ચા કરી હતી. લગભગ દરેક ઇન્ટરવ્યૂમાં ત્રિપાઠીને સૌથી પહેલા એવો સવાલ કરાયો કે તમારે શારીરિક સ્તરે વાજપેયી જેવા દેખાવા માટે કેટલી મુશ્કેલી વેઠવી પડી હતી? લગભગ દરેક મીડિયમમાં દર્શકોને પોતાની ટેલેન્ટનો પરચો બતાવી ચુકેલા પંકજીના ચહેરા પર સવાલ સાંભળીને એક ફિક્કંુ સ્મિત આવી જાય છે, 'વો બહોત જ્યાદા મુશ્કિલ થા. શારીરિક દ્રષ્ટિએ આ મારો અત્યાર સુધીનો સૌથી ત્રાસદાયક રોલ હતો એમ કહું તો એમાં લગીરે અતિશયોક્તિ નથી. નાક પર પ્રોસ્થેટિક મેકઅપ કરાવવામાં બબ્બે કલાક લાગી જતા. શુટિંગ ચાલતું હતું ત્યારે મુંબઈ અને લખનઉમાં તાપમાનનો પારો ૪૦ ડિગ્રીની ઉપર હતો. લંચ બ્રેક પડે ત્યાં સુધીમાં તો એવું લાગતું કે મારું નકલી નાક નીકળી જશે. આખા શરીરમાં પરસેવો અને ખજવાળ... ઈતની શારીરિક યાતના મુઝે કભી નહીં ઉઠાની પડી. આ એક અનુભવ પછી મેં નક્કી કરી લીધું છે કે પ્રોસ્થેટિક મેકઅપની જરૂર પડે એવા રોલ હવે કદી નહીં કરું. ખરું પૂછો તો પ્રોસ્થેટિક વિના પણ આવી ભૂમિકા કરી શકાય છે. પ્રસન્નાએ એક ડ્રામા કર્યો હતો, જેમાં ઇરફાનસાહેબ, આલ્બર્ટ આઈનસ્ટાઈનના રોલમાં હતા, પરંતુ એ રોલ માટે ઇરફાનનો લુક નહોતો બદલાયો. ઇરફાન જેવા હતા એવા જ દર્શકો સામે હાજર થયા. તમે જો ઓડિયન્સને પહેલેથી કહી દો કે આ આઇન્સ્ટાઇન છે તો તેઓ ચાર-પાંચ મિનિટમાં જ ઍક્ટરને એ દ્રષ્ટિએ જોવા લાગશે. એટલા માટે કે પ્રેક્ષકોને આઇન્સ્ટાઈનની સ્ટોરીમાં રસ છે, એમના લુકમાં નહિ.'
બાયોપિકને લગતી મીડિયાની એક બીજી પૃચ્છાઃ તમે પડદા પર ઘણાં પાત્રોને યાદગાર બનાવી દીધા છે, પરંતુ વાજપેયી જેવા લેજન્ડરી લીડરને સ્ક્રીન પર જીવી બતાવવાનું તમારા માટે ચેલેન્જિંગ બની રહ્યું હશે, ખરું? તમે કેવી પ્રોસેસ અપનાવી હતી? જવાબમાં પંકજભાઈ એકદમ ઉત્સાહિત થઈને કહે છે, 'એ પ્રોસેસ ખરું પૂછો તો બહુ પડકારભરી બની રહી. એટલા માટે કે અટલજી બધા માટે એક રિયલ પર્સનાલિટી છે. યુટયુબ પર એમનાં એટલાં ક્લિપિંગ્સ અને વીડિયો હાજર છે એટલે મનમાં પ્રશ્ન થયો કે હું કરી-કરીને એમની કેટલી નકલ કરું, મિમિક્રી કરું? એમના વ્યક્તિત્વ પર ફોકસ કરું કે એમના દેખાવ પર? અંતે મેં એમની પર્સનાલિટી પર ફોકસ કરવાનું નક્કી કર્યું, કારણ કે મને ખબર હતી કે હું ગમે તેટલી વિગ પહેરું, પ્રોસ્થેટિક મેકઅપ કરાવું, પરંતુ હું હુબહુ અટલજી નહીં બની શકું. આમેય દેહ નાશવંત છે, એ માટીમાં મળી જવાનો છે, પરંતુ માનવીના વિચાર રહેશે એટલે મેં જે શાશ્વત છે. તેથી મેં વાજપેયીજીની ચેતનાને પકડવાનો પ્રયાસ રાખ્યો.'
હવે ત્રિપાઠીજી સાથે અંગત સવાલોનો સિલસિલો શરૂ કરી મીડિયામાંથી એવું પૂછાય છે કે ઍક્ટર તરીકે એક લાંબી સ્ટ્રગલ જોઈ છે. આજે સફળતા તમારા કદમ ચુમી રહી છે. એક કલાકાર અને વ્યક્તિ તરીકે લાઇફમાં તમે કેવો ચેન્જ અનુભવો છો? એનએસડીમાં ઘડાયેલા ઍક્ટર થોડું વિચારીને બોલે છે, 'સાહબ, એસા હૈ કિ સફલતા કા અપના એક અલગ સંઘર્ષ હૈ. આજે હું વોક પર જવા સમય નથી કાઢી શકતો. ખેદ થાય છે કે મારે આટલા બધા લિઝી નહોતું થવું જોઈતું. સારી ફિલ્મો, સારા રોલ અને સારા પૈસા મળી રહ્યા છે. ચલો, આ કરી લઈએ, પેલું કરી લઈએ, પરંતુ તમે કેટલું કરશો? હું સ્વભાવે એક શાંત અને આરામપ્રિય માણસ છું. રોજ સવારે ઉઠીને કામ પર દોડવું મે ગમતું નથી એટલે એક આર્ટિસ્ટ તરીકે મને હવે ક્વોલિટી વર્ક કરવાની ઇચ્છા છે. એવી સ્ટોરી પસંદ કરું કે શુટિંગ પર જવાનો ઉત્સાહ જળવાઈ રહે. મનમાં એવું ન લાગે કે અરે યાર, કાલે ફરી શૂટ પર જવાનું છે એટલે ઘણા રોલ માટે ના પણ પાડી દઉ છું. હું એક સેટ પરથી બાજા સેટ પર દોડાદોડી નથી કરવા ઇચ્છતો. હું જીવવા માટે અભિનય કરું છું, ઍક્ટિગ કરવા માટે નથી જીવતો. હવે લાઇફ માણવા પર ધ્યાન દેવું છે.'
ત્રિપાઠીજીને ગમી જાય એવો મીડિયામાંથી એક વધુ પ્રશ્ન પૂછાય છેઃ સર, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સકસેસ ભલભલાને બદલી નાખે છે, પણ તમે પ્રચંડ કામયાબી વચ્ચે જળકમળવત્ રહ્યા છો. તમારા વિશે બધાનો એક જ મત છે કે તમે બિલકુલ નથી બદલાય. એ માટેની તમારી ફોર્મ્યુલા શું છે? પંકજ ત્રિપાઠીના ઉત્તરમાં ભારોભાર વિનમ્રતા વર્તાય છે, 'સાચી વાત છે. અમારી કાર બદલાઈ ઘર બદલાયું પણ અને નથી બદલાયા અમે બદલાઈશું પણ નહીં. એ માટે બસ થોડી આધ્યામિક જાગરૂકતા હોવી જોઈએ. હું લાઈફને સકસેસ અને ફેલ્યોરના પેરામિટરથી નથી માપતો. અધ્યાત્મમાં આપણને થોડી રુચિ હોય તો સમજાઈ જાય કે મોટા ભાઈ, આ દુનિયા એક રંગમંચ છે, આ બધો મિથ્યા ખેલ ચાલી રહ્યો છે. સફળતામાં ઉડવાની અને નિષ્ફળતામાં નિરાશ થવાની જરૂર નથી. હું ઍક્ટર તરીકે સફળ નહોતો થયો ત્યારે પણ આટલો જે પ્રશ્ન રહેતો હતો. આ બધું મારા શિક્ષણ અને અધ્યાત્મને આભારી છે. રોજ હું પાંચ-દશ પાનાનું એવું વાંચન કરું છું જે જીવનમાં સમભાવ રાખવા માટે જરૂરી છે. મેરે હિસાબ સે આઠ ઘંટે કી નીંદ હી ઇન્સાન કી બડી સફલતા હૈ. તમે નિરાંતે આઠ કલાકની ઊંઘ કરી લીધી, બસ એથી વધુ શું જોઈએ? મારા માટે સફળતાનું એ જ માપદંડ છે. '