આખરે ઇમરાન ખાનના અજ્ઞાતવાસને અંત આવ્યો
- 'જ્યારે તમારું ધાર્યું નિશાન પાર ન પડે કે પછી તમારી ઇચ્છા બર ન આવે ત્યારે તમે અકળાઈ ઉઠો છો. તમને એમ લાગે કે જે લોકોના બનાવેલા નિયમો તમે પાળ્યા તેમને પોતાને જ નિયમો બનાવતાં નહોતું આવડતું.'
૧૬ વર્ષ અગાઉ 'જાને તુ... યા જાને ના' દ્વારા હિન્દી ફિલ્મોદ્યોગમાં પદાર્પણ કરનાર અભિનેતા ઈમરાન ખાન જોતજોતામાં ખ્યાતિના પગથિયાં ચડવા માંડયો હતો.
આ મૂવી પછી ઈમરાને 'બ્રેક કે બાદ', 'મેરે બ્રધર કી દુલ્હન', 'એક મૈં ઔર એક તુ' અને 'ગોરી તેરે પ્યાર મેં' જેવી રોમાંટિક ફિલ્મો કરી. જોકે વર્ષ ૨૦૧૫માં 'કટ્ટી બટ્ટી' કર્યા પછી ઈમરાન જાણે કે ગાયબ જ થઈ ગયો હતો. ત્યાર બાદ છેક ૨૦૨૩ની સાલના અંત ભાગથી તેણે સોશ્યલ મીડિયા પર દેખા દીધી ત્યારે તેના પ્રશંસકો રાજીના રેડ થઈ ગયા હતા.
અભિનેતા કહે છે કે આટલાં વર્ષ સુધી હું ઈરાદાપૂર્વક લાઈમલાઈટથી દૂર રહ્યો હતો. આ વર્ષો દરમિયાન ન તો મેં કોઈ ફિલ્મ કરી કે ન કોઈ ઈવેન્ટમાં ગયો. એટલે સુધી કે હું સોશ્યલ મીડિયાથી પણ દૂર રહ્યો. આમ છતાં ગયા વર્ષના અંતમાં મેં સોશ્યલ મીડિયા પર પોસ્ટ મૂકવા માંડી ત્યારે મને અકલ્પનીય પ્રતિસાદ મળ્યો. એમ કહેવાય છે કે 'આઉટ ઑફ સાઇટ મીન્સ આઉટ ઑફ માઇન્ડ.' પણ મારા આશ્ચર્ય વચ્ચે આ ઉક્તિ મારા માટે ખોટી પડી.
હું લાંબા વર્ષો સુધી લોકોની નજરથી દૂર રહ્યો તોય તેઓ મને વિસર્યા નહોતા. સોશ્યલ મીડિયા પર મારી દરેક પોસ્ટને વધાવી લેવામાં આવે છે. મારા માટે આનાથી મોટી ખુશીની વાત બીજી કઈ હોઈ શકે?
ઈમરાન જાત અનુભવે કહે છે કે તમારી વીસીમાં તમે માતાપિતા, શિક્ષકો-પ્રાધ્યાપકો, સમાજના અન્ય લોકોનું કહ્યું કરો છો. તમે સમાજના વણલખ્યા નિયમોનું કડક પાલન કરો છો. પરંતુ જ્યારે તમારું ધાર્યું નિશાન પાર ન પડે કે પછી તમારી ઇચ્છા બર ન આવે ત્યારે તમે અકળાઈ ઉઠો છો. તમને એમ લાગે છે કે જે લોકોના બનાવેલા નિયમો તમે પાળ્યાં તેમને પોતાને જ નિયમો બનાવતાં નહોતું આવડતું. તમે તમારી ભરયુવાનીનો કેટલો લાંબો સમય અમસ્તા જ વેડફી નાખ્યો.
આ લાગણી તમને વ્યાકુળ કરી મૂકે તોય તમે વિતેલા સમયને પાછો ન વાળી શકો. બહેતર છે કે તમે પોતાના નિયમો જાતે બનાવો. તમે એ જ કરો જે તમને ગમે છે. તમને તમારા માર્ગથી ભટકાવનારા લોકોનું કહ્યું માનવાની જરૂર નથી. અલબત્ત, આ ભાવ આવતાં આવતાં મોટાભાગના લોકો ત્રીસી વટાવીને ચાળીસીમાં પ્રવેશી ચૂક્યા હોય છે. હમણાં હું પણ મારી ચાળીસીમાં છું. અને સમાજના બનાવેલા નિયમોને નથી માનતો.
ઈમરાનને પોતાની ડેબ્યુ ફિલ્મની અકલ્પનીય સફળતા આશ્ચર્યજનક લાગી હતી. તે ૧૬ વર્ષ પહેલાની વાત સંભારતા કહે છે કે આ એક સ્મોલ બજેટ ફિલ્મ હતી. તેમાં કોઈ મોટા સ્ટાર પણ નહોતા. અમને એમ લાગતું હતું કે આ ફિલ્મ જોવા ગણતરીના લોકો આવશે. પરંતુ 'જાને તુ... યા જાને ના'ને બહોળો પ્રતિસાદ મળ્યો. મુખ્ય ધારાની સફળ ફિલ્મોમાં તેની ગણના થવા લાગી. અમને આ વાત ગળે ઉતારતાં પણ ખાસ્સો સમય લાગ્યો હતો.
જોઈએ, ડાહ્યા અને અનુભવી બનેલા ઇમરાનની હવે પછીની કરીઅર કઈ રીતે આગળ વધે છે.