ઈમરાન ખાન : સ્ટારડમથી આત્મમંથન સુધીની સફર
- 'મેં જીવનને નજીકથી જોયુંં છે. મેં સુખ-દુખ-પીડા-આનંદ-સફળતા-નિષ્ફળતાનો અનુભવ કર્યો છે. મારે એવી જ ફિલ્મો કરવી જોઈએ, જે મારી ઉંમર અને મારા જીવના અનુભવો સાથે સુસંગત હોય.'
૪૧ વર્ષીય ઈમરાન ખાને બોલીવૂડના ગ્લેમેરસ વિશ્વથી દૂર પોતાનું નવુ જીવન શરૂ કર્યું છે. સહાયકો અને ઘરનોકરોની ટીમથી ઘેરાયેલા રહેવાને બદલે એ પોતાની ટીનેજ પુત્રીની સંભાળ રાખે છે અને રસોઈ કરે છે, સાફસફાઈ કરે છે અને પોતાના બાન્દ્રા સ્થિત ફ્લેટની દેખરેખ રાખે છે.
ઇમરાન ખાનની લોકપ્રિયતા તરફની ગતિ ઝડપી અને રોકેટ જેવી હતી. ૨૦૦૮માં તેની ડેબ્યુ ફિલ્મ 'જાને તુ યા જાને ના' સાથે ઈમરાન રાતોરાત સ્ટાર બની ગયો. બોલિવુડ સુપરસ્ટાર આમિર ખાનનો એ ભાણીયો છે. આમિરની સગી બહેન નુઝત ખાનનો એ દીકરો છે. ઈમરાન સિનેમેટીક ઊંચાઈને હાંસલ કરશે તે સુનિશ્ચિત હતું. તેના ક્યુટ દેખાવ અને છોકરડા જેવો ચાર્મથી તે લાખો યુવતીઓનો મનપસંદ બની ગયો.
ડેબ્યુ ફિલ્મ પછી ઈમરાને 'કિડનેપ', 'લક' અને 'દિલ્હી બેલી' જેવા થોડા અપવાદને બાદ કરતાં અનેક રોલ ચોકલેટી લવરબોય જેવા જ સ્વીકાર્યા. પરિણામે ઈમરાને પોતાની વર્સેલિટી તો સાબિત કરી પણ પોતાને એક બહુમુખી સ્ટાર તરીકે સ્થાપિત કરવામાં નિષ્ફળ નીવડયો. ૨૦૦૮થી ૨૦૧૯ વચ્ચે ઈમરાન ખાન ૧૪ ફિલ્મોમાં દેખાયો. તેને પ્રત્યેક પ્રોજેક્ટ માટે સારુ એવું વળતર પણ મળતું હતું. જોકે તેનો ઉદ્ભવ જેટલો ઝડપી હતો તેટલી જ ઝડપથી તે ફિલ્મ ઉદ્યોગના રડાર પરથી ગાયબ પણ થઈ ગયો. એક તરફ એનો સમકાલીન રણબીર કપૂર નવી ઊંચાઈ હાંસલ કરતો હતો ને બીજી બાજુ ઇમરાન ભૂલાતો જતો હતો.
એક નિખાલસ મુલાકાતમાં ઈમરાન ખાને જણાવ્યું કે તેને ક્યારે પણ કૃત્રિમ સ્ટારડમનું આકર્ષણ નહોતું. ઈમરાન કહે છે કે મારા મામાની જેમ હું પણ ફિલ્મોની ચમકદમક પાછળ નહીં, પણ તેમાં રહેલી કળાનો ચાહક હતો. તકલીફ એ થઈ કે ઈમરાન ખાન સફળતાની ખોટી વ્યાખ્યા કરતી ઈકો સિસ્ટમથી ઘેરાઈ ગયો હતો. ફિલ્મજગતના એક વર્ગ તરફથી તેના સ્ટારડમ પર સવાલો ઉઠાવવામાં આવ્યા, જેના કારણે તેના આત્મવિશ્વાસને ઠેસ પહોંચી. એના પર પોતાની કરીઅરનું અને જીવનનું પુનઃ મૂલ્યાંકન કરવાની ફરજ પડી.
૨૦૧૯માં નવી શરૂઆત કરવા માગતો ઇમરાન નાના નાસીર હુસૈનના વારસા સાથે સંકળાયેલા પાલી હિલના પારિવારીક ઘરમાંથી બહાર આવ્યો. આ શારીરિક સ્થળાંતર તેના ઊંડા માનસિક પરિવર્તનનું પ્રતીક હતું. સિનેમેટીક નિષ્ફળતાને કારણે ઈમરાન સ્ટારડમ વિશે અલગ અભિગમ ધરાવતો થયો હતો. ઈમરાન કહે છે કે હું અંધારામાં, તૂટી પડેલી અવસ્થામાં સાવ નબળો પડી ગયો હતો. મારે હવે મારો આંતરિક પ્રવાસ એકલા જ કરવાનો હતો.
ત્યાર પછીના પાંચ વર્ષ પરિવર્તનકારી રહ્યા. ઇમરાને પોતાના સ્ટારડમની સમજનું ફરી મૂલ્યાંકન કર્યું અને કમર્શિયલ સફળતામાંથી તેનું ધ્યાન હટાવીને રચનાત્મક સંતોષ તરફ વાળ્યું.
ઈમરાને પોતે લખેલી અને દિગ્દર્શિત કરેલી ટૂંકી ફિલ્મ 'મિશન માર્સ' પર ખૂબ ધગશથી કામ કર્યું. આ પ્રોજેક્ટ પર કોઈ કમર્શિયલ દબાણ નહોતું, જેના પરિણામે તેને ફિલ્મ સર્જનની પોતાની ઇચ્છાને સંતોષવાની તક મળી. ઇમરાન ખાન કહે છે કે આ ફિલ્મ કરવાની મને ખૂબ જ મજા આવી. એના મેકિંગની પ્રક્રિયા મારા માટે આનંદદાયક હતી. મારી ટીમ પણ મજાની હતી. જે પરિણામ મળ્યું તે મારા માટે સંતોષજનક હતું.
ઇમરાન હવે કળાનો આદર અને કદર કરે તેવી વ્યક્તિઓ સાથે સંકળાવા માગે છે. બોક્સ ઓફિસ અને ઊંચી ફીને બદલે વાર્તાને પ્રાથમિકતા આપવા માગે છે. ભલે નાની તો નાની, પણ ઇમરાન ફિલ્મ બનાવવાની તક મળવા બદલ ખુદને સદભાગી માને છે, કારણ કે આવી તક બધાને નથી મળતી. આ નવા અભિગમને કારણે ઇમરાનને નવા નવા ફિલ્મ સર્જકો અને એફટીઆઈઆઈમાંથી બહાર પડેલા તેજસ્વી કલાકારો સાથે સાથે કામ કરવાની તક મળી, એવા વિષયો પર ચર્ચા કરવાનો મોકો મળ્યો, જે તેના હાલના જીવન સાથે સુસંગત હોય.
ઇમરાને ૪૧ વર્ષે છૂટાછેડા લી૦૦ા છે. જોકે પોતાની પુત્રી પ્રત્યે એ પૂરેપૂરો સમર્પિત છે. ઇમરાન કહે છે કે મેં જીવનને નજીકથી જોયું છે. હું કેટલાય ચડાવઉતારમાંથી પસાર થયો છું, સુખ-દુખ-પીડા-આનંદ આ સૌની તીવ્રતાનો અનુભવ કર્યો છે. અને મારે એવી જ ફિલ્મો કરવી જોઈએ, જે મારી ઉંમર સાથે અને મારા જીવના અનુભવો સાથે સુસંગત હોય.
આ નવો ઈમરાન ખાન છે. એની આંતરિક સફર એને પેલા ક્યુટ લવરબોય કરતાં જુદો જ માણસ બનાવે છે. એનું વ્યક્તિત્ત્વ હવે બદલાઈ ચૂક્યું છે. કમસે કમ સપાટી પરથી તો એવું લાગે જ છે. એ પુખ્ત થયો છે. શું એનો અભિનય પણ પહેલાં કરતાં વધારે પરિપક્વ થયો હશે? એ તો આપણે એને કોઈ નવી ફિલ્મ કે શોમાં જોઈશું ત્યારે જ ખબર પડશે.