વઢકણાં માબાપ અને મનમોજીલાં સંતાનો વચ્ચે મારી સેન્ડવિચ થઈ ગઈ છે : આમિર ખાન

Updated: May 10th, 2024


Google NewsGoogle News
વઢકણાં માબાપ અને મનમોજીલાં સંતાનો વચ્ચે મારી સેન્ડવિચ થઈ ગઈ છે : આમિર ખાન 1 - image


- 'મેં જેકી શ્રોફને કહ્યું, યાર, ટાઇગરને હું શું સલાહ આપું? મારાં પોતાનાં છોકરાંવ મારી સલાહને ગણકારતાં નથી. હરામ બરાબર ક્યારેય તેઓ મારી પાસે ગાઇડન્સ માગવા આવ્યા હોય તો!' 

'મા રાં છોકરાંવ મારું કશું સાંભળતાં જ નથી...'

કોઈ સાધારણ મમ્મી-પપ્પા આવું બોલે તો હજુય સમજાય, પણ આમિર ખાન જેવો સુપરસ્ટાર છડેચોક આવું નિવેદન આપે ત્યારે રમૂજ થયા વગર ન રહે. આમિર તાજેતરમાં ટીવી સ્ક્રીન પરથી ઓટીટી પર શિફ્ટ થઈ થયેલા કપિલ શર્માના શોમાં મહેમાન તરીકે પધાર્યો હતો ત્યારે એણે એક સામાન્ય વાલીની જેમ આવી ફરિયાદ કરી હતી! આમિરને ત્રણ સંતાનો છે - પહેલી પત્ની રીનાથી થયેલો દીકરો જુનૈદ કે જે નજીકના ભવિષ્યમાં 'મહારાજ' સહિત એકાધિક ફિલ્મોમાં એક્ટર તરીકે દેખાવાનો છે, દીકરી આયરા કે જેનાં થોડાં મહિનાઓ પહેલાં લગ્ન થઈ ગયાં અને બીજી પત્ની કિરણ (અને સરોગેટ મધર)થી થયેલો પુત્ર આઝાદ જે અત્યારે બાર વર્ષનો છે. આમિરના બન્ને લગ્નો ડિવોર્સમાં પરિણમ્યાં છે તે જગજાહેર વાત છે. જોકે બન્ને ભૂતપૂર્વ પત્નીઓ સાથે આમિરને મૈત્રીપૂર્ણ અને સ્વસ્થ સંબંધો છે.  

આમિર કહે છે, 'મારાં બચ્ચાઓ મારી સલાહ ક્યારેય કાને ધરતા નથી. ક્યારેક્ ક્યારેક મને લાગે છે કે અમે બે પેઢીઓની વચ્ચે ફસાઇ ગયા છીએ. અમે અમારાં માતાપિતાની વાત સાંભળતા હતા. અમને એવું હતું કે અમારાં સંતાનો પણ અમારી વાત સાંભળશે. રણવીર સિંહનું પેલું ગીત છેને - અપના ટાઇમ આયેગા! પણ આ ટાઇમ ક્યારેય આવ્યો જ નહીં! અમે માતા-પિતા બન્યાં ત્યાં સુધીમાં જમાનો સાવ બદલાઈ ગયો, સંતાનો પણ સાવ બદલાઇ ગયાં. પહેલાં અમારાં માતાપિતા અમને દબડાવતાં હતાં, હવે સંતાનો અમને દબડાવે છે!'

આમિર અને જેકી શ્રોફ વચ્ચે સારી ભાઈબંધી છે. ટાઇગર શ્રોફ બોલિવુડમાં પ્રવેશવાનો હતો ત્યારે જેકીએ આમિરને કહ્યું: આમિર, તું ટાઇગરને મળીને એની સાથે વાત કરને. જોને, તને એ કેવો લાગે છે.  

'ઇન ફેક્ટ, મારા ઘણા કલીગ્સ મને કહેતા હોય છે એમનાં સંતાનોનું હું કંઈક ગાઇડન્સ આપું,' આમિર કહે છે, 'એમને આશા હોય છે કે મારો અનુભવ એમનાં બચ્ચાંને કામ આવશે... પણ મેં જેકી શ્રોફને કહ્યું, યાર, ટાઇગરને હું શું સલાહ આપું? મારાં પોતાનાં છોકરાંવ મારી સલાહને ગણકારતાં નથી! હરામ બરાબર ક્યારેય તેઓ મારી પાસે ગાઇડન્સ માગવા આવ્યા હોય તો!' 

આમિરનું  'દુખ' માત્ર સંતાનો પૂરતું સીમિત નથી. એ કહે છે, 'મારી બહેનો ફરહત અને નિખત પણ મારી વાત સાંભળતી નથી! ફરહત એક બહેતરીન એક્ટ્રેસ છે, પણ હું જ્યારે જ્યારે તેને ફિલ્મોમાં એક્ટિંગ કરવાનું કહું છું ત્યારે તે પણ મારી એક વાત કાને ધરતી નથી.' 

આમિરની એક્ટિંગ કરીઅરનો ગ્રાફ ઘણા સમયથી દક્ષિણ દિશા તરફ ગતિ કરી રહ્યો છે. એની છેલ્લી બન્ને ફિલ્મો - 'ઠગ્સ ઓફ હિંદોસ્તાન' અને 'લાલસિંહ ચઢ્ઢા' ફ્લોપ થઈ ગઈ હતી. જોકે એના પ્રોડક્શન હાઉસનો ધમધમાટ શાંત થયો નથી. એક તરફ એક્સ-વાઇફ કિરણની 'લાપતા લેડીઝ'ના ખૂબ વખાણ થઈ રહ્યા છે, તો બીજી બાજુ ભાણિયો ઇમરાન ખાન નવ વર્ષના લાંબા અંતરાલ પછી 'હેપી પટેલ' બનીને કમ-બેક કરી રહ્યો છે. આ ફિલ્મનંુ ડિરેક્શન વીર દાસ કરશે. વીર દાસ અને ઇમરાન 'દિલ્હી બેલી'માં કો-એક્ટર્સ હતા. સુપરહિટ ટીવી શો 'સત્યમેવ જયતે'ની નવી સિઝન અંગે પણ વાતો સંભળાઈ રહી છે. જોકે તે વિશે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી. 

આમિર ખુદ હવે 'સિતારે ઝમીં પર' નામની ફિલ્મમાં દેખાશે. ડિસલેક્સિક બાળકની વાત કરતી 'તારે ઝમીં પર' જોઈને ઓડિયન્સ ખૂબ રડયું હતું, પણ 'સિતારે ઝમીં પર' જોઇને પ્રેક્ષકોને ખૂબ મનોરંજન મળવાનું છે એવું આમિરનું કહેવું છે. આ સોશિયલ કોમેડી આર.એસ. પ્રસન્ના ડિરેક્ટ કરશે. પ્રસન્નાએ અગાઉ 'શુભ મંગલમ્ સાવધાન' બનાવી હતી. જોઇએ, 'સિતારે ઝમીં પર'થી આમિરનો ગ્રાફ આસમાન તરફ આગળ વધે છે કે પછી નિષ્ફળતાની હેટટ્રિક તરફ...  


Google NewsGoogle News