તમે વાસ્તવિકતા જાણતા હો તો તમારી ગરિમા જાળવવાનું સરળ બની રહે છેઃ પૂજા હેગડે
- પૂજાને 2025માં રજૂ થનારી દેવા પર આશા છે
એવી ઘણીહિરોઇન્સ છે જે પહેલાં દક્ષિણની ફિલ્મોમાં સફળ થયા બાદ હિન્દી ફિલ્મોમાં આવે છે. આવી જ એક નવી પેઢીની હિરોઇન પૂજા હેગડે છે. એક દાયકાથી ફિલ્મ ઉદ્યોગમાં કામ કરતી પૂજાની ઘણી ફિલ્મો દક્ષિણના રાજ્યોમાં હીટ નીવડી છે. હાલ જેની ચોતરફ ચર્ચા છે તે અલ્લુ અર્જુન સાથે પણ પૂજા હેગડે હિરોઇન તરીકે ચમકી ચૂકી છે. પરંતુ હિન્દી ફિલ્મોમાં પૂજાની કિસ્મત બહું ચમકી નથી.
કમાલની વાત તો એ છે કે પૂજાને હિન્દી ફિલ્મના ટોચના હીરો સાથે કામ કરવાની તક મળી છે પણ તેની એકપણ હિન્દી ફિલ્મ બોક્સ ઓફિસ પર ટંકશાળ પાડી શકી નથી. ઋતિક રોશનની સાથે આવેલી મોંહે જો ડેરો હોય કે ૨૦૨૨માં રોહિત શેટ્ટી નિર્દેશિત સરકસ જેમાં પૂજાનો હીરો રણવીરસિંહ હતો.૨૦૨૩માં કિસી કા ભાઇ કિસી કી જાન ફિલ્મમાં તે સલમાનખાનની હિરોઇન હતી. પણ આ તમામ ફિલ્મો બોક્સ ઓફિસ પર નિષ્ફળ રહી હોવાથી પૂજાની કારકિર્દી હિન્દી ફિલ્મોમાં ઉંચકાઇ નથી. પણ લડાયક મિજાજની પૂજા એમ મેદાન છોડે તેમ નથી.
પૂજાને તેની આગામી ફિલ્મ દેવા માટે મોટી આશાઓ છે. પૂજા કહે છે, દેવામાં શાહિદ કપૂર હીરો છે અને આ ફિલ્મમાં એકશન, મનોરંજન અને ડ્રામા છે. મારી ભૂમિકા પણ મજબૂત છે. મારી શાહિદ કપૂર સાથે આ પહેલી ફિલ્મ છે. પણ શાહિદ એક સમર્પિત અને મહેનતુ એક્ટર છે. તે તેની ભૂમિકામાં પુરેપુરો ઓતપ્રોત થઇ જાય છે. તેના પાત્રમાં એક પ્રકારની ઉર્જા શાહિદ ભરી દે છે.
પોતાની કારકિર્દી વિશે પૂજા કહે છે, એક દાયકાની સફર પર નજર નાંખું છુે તો જણાય છે કે કોઇના પીઠબળ વિના કોઇ ગોડફાધર વિના મારી મેળે મેં જે મારી કેડી બનાવી છે તે નાની સૂની સિદ્ધિ નથી. ફિલ્મ ઉદ્યોગ અતિ સ્પર્ધાત્મક છે. તેમાં મને ઘણી સફળતા તો થોડી નિષ્ફળતા પણ મળી છે. સફળતા-નિષ્ફળતા તો જીવનનો એક હિસ્સો છે.મૂળ યાદ રાખવા જેવી વાત એ છે કે કશું ટકતું નથી. તેથી સફળતામાં છકી ન જવું અને નિષ્ફળતામાં હબકી ન જવું. જીવનના દરેક પાસાંની મોજ માણવી. મારી કારકિર્દીમાં પણ ઘણી હતાશ કરે તેવી પળો આવી છે પણ આવી પળો તો દરેકના જીવનમાં આવે. જ્યારે આવી પળો આવે ત્યારે હું થોડા કલાકો તેને સમજવાનો પ્રયાસ કરૂ છું. પણ મારી જાતની દયા ખાવાની લક્ઝરી મારી પાસે નથી. કેમ કે હું એક એવા લડાયક મિજાજના પરિવારમાંથી આવું છું જ્યાં દરેક જણ યોદ્ધા જેવો જુસ્સો ધરાવે છે. મારા માતાપિતા મારા રોલ માડેલ્સ છે અને તેમણે લગનથી આકરી મહેનત કરવાના ગુણ મારામાં સીંચ્યા છે. પરિણામે કારકિર્દીમાં ઉતાર-ચઢાવ આવે ત્યારે તેની મને વધારે અસર થતી નથી.
આજના સોશ્યલ મિડિયાના જમાનામાં જેની પાસે સ્માર્ટફોન હોય તે ધારે તેને ટ્રોલ કરી શકે છે. પૂજા કહે છે,સોશ્યલ મિડિયાની આ મર્યાદા છે પણ નકારાત્મક બાબતોની સાથે હકારાત્મક બાબતો પણ સોશ્યલ મિડિયા પર બને છેે. હું હકારાત્મક બાબતો પર વધારે ધ્યાન આપું છું. જ્યારે નકારાત્મક બાબતોને ગાળી નાંખું છું. આમ પણ સોશ્યલ મિડિયા પર ગમે તે આવે પણ જો તમે તમારી વાસ્તવિકતાથી વાકેફ હો તો તમારી ગરિમા જાળવવાનું સરળ બની રહે છે. સોશ્યલ મિડિયા એ એક પ્રકારનું વ્યાવસાયિક જોખમ બની ગયું છે. પણ એક વાત યાદ રાખવી મહત્વપૂર્ણ છે કે દરેક બાબતનો પ્રતિભાવ આપવાની જરૂર હોતી નથી. તમને સાચી વાત ખબર હોય તો તેના વિશે થતી જાતભાતની ચર્ચાની તમારે બહું ફિકર કરવાની જરૂર રહેતી નથી.