તક ન મળતી હોય તો જાતે ઊભી કરી લો: કૃતિ સેનન

Updated: Apr 4th, 2024


Google NewsGoogle News
તક ન મળતી હોય તો જાતે ઊભી કરી લો: કૃતિ સેનન 1 - image


- 'દરેક એક્ટરના જીવનમાં એક તબક્કો એવો જરૂર આવે છે, જ્યારે એ પોતાની જાતને પૂછવા લાગે છે: વોટ નેક્સ્ટ? હું પણ ખાસ કરીને 'મીમી' પછી આ સવાલ ખુદને પૂછી રહી હતી. મારે હવે એવા રોલ્સ કરવા છે જે મારી સામે પડકાર ઊભો કરે અને...' 

બો લિવુડની ચમકતી દુનિયા, કે જ્યાં સફળતા ઘણીવાર અસ્પષ્ટ લાગે છે અને સ્પર્ધા ખૂબ તીવ્ર હોય છે, ત્યાં કૃતિ સેનન પોતાની ટેલેન્ટ અને મહેનતના જોરે તીવ્રતાથી સપાટી પર ઊભરી આવી છે. ખૂબ વખાણાયેલી ફિલ્મ 'મીમી'માં સરોગેટ માતાની ભૂમિકા કરવા બદલ તેને બેસ્ટ એક્ટ્રેસનો પ્રતિતિ નેશનલ એવોર્ડ મળ્યો હતો. 'આઉટસાઇડર' હોવા છતાં બોલિવુડમાં ઝળહળતી સફળતા મળવનાર કૃતિની પગ જમીન સાથે જડાયેલા રહ્યા છે તે મજાની વાત છે. તાજેતરમાં એ 'ધ ક્' નામની ફિલ્મ કોમેડી ફિલ્મમાં કરીના કપૂર તેમજ તબુ જેવી પાવરહાઉસ એક્ટ્રેસીસનો મુકાબલો કર્યો છે. કૃતિને વરાઇટી જોઈએ છે. એની આ ઇચ્છા એની ફિલ્મોની પસંદગીઓમાં વર્તાય છે. 

કૃતિ કહે છે, 'સામાન્યપણે લોકો માને છે કે ફિલ્મ મહિલા-કેન્દ્રિત હોય એટલે કાં તો એમાં પુરુષોની બુરાઈ કરવામાં આવી હશે અથવા કોઈ ભારેખમ સંદેશ આપવામાં આવ્યો હશે. 'ધી ક્રુ'માં એવું કંઈ જ નથી. તે હળવાશ અને રમૂજથી ભરપૂર છે. ત્રણેય પાત્રો વચ્ચેની કેમિસ્ટ્રી પણ અફલાતૂન છે. મારા માટે તો તબુમેમ અને કરીનામેમ જેવી ઘડાયેલી અભિનેત્રીઓ સાથે કામ કરવાની તક મળવી એ જ બહુ મોટી વાત છે. હું વર્ષોથી બન્નેની ફેન છું અને એમની ફિલ્મો જોઈ જોઈને ઘણું શીખી છું.'

'ધ ક્રુ'માં ત્રણેય માનુનીઓ એક ફડચામાં જઈ રહેલી એરલાઇન્સ કંપનીમાં એરહોસ્ટેસ બની છે. તેઓ સોનાની લૂંટ કરવાનો પ્લાન ઘડે છે ને એમના આ પ્રયાસોમાંથી રમૂજ પેદા થાય છે. ફિલ્મમાં દિલજિત દોસાંજ અને કપિલ શર્મા જેવા કલાકારો પણ છે. એ વાત અલગ છે કે અફલાતૂન કાસ્ટ હોવા છતાં આ ફિલ્મ લક્ષ્યવેધ કરી શકી નથી. ફિલ્મની વાર્તા તો મજબૂત છે, પણ સ્ક્રિપ્ટમાં ગરબડ થઈ ગઈ હોવાને કારણે ફિલ્મ ધારી અસર પેદા કરી શકતી નથી. કૃતિની આની પહેલાં રિલીઝ થયેલી ફિલ્મ 'તેરી બાતોં મેં ઐસા ઉલઝા જીયા'ને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. તેમાં કૃતિ અદ્લ માનવ જેવી લાગતી રોબોટ બની હતી. રોલ અઘરો હતો ને કૃતિના અભિનયના ભરપૂર વખાણ થયા હતા. ઇન ફેક્ટ, હીરો શાહિદ કપૂર કરતાંય કૃતિનું પર્ફોર્મન્સ લોકોને વધારે ગમ્યું હતું.

'ધ ક્રુ' પછી એ 'દો પત્તી' દેખાવાની છે. સૌમ્ય સૂદ ડિરેક્ટર છે. કૃતિ માટે આ ફિલ્મ વિશેષ બની રહેવાની છે, કેમ કે પ્રોડયુસર તરીકેની આ એની પહેલી ફિલ્મ છે. હા, કૃતિ હવે પ્રોડયુસર તરીકે ડેબ્યુ કરી રહી છે. આ ફિલ્મમાં એ ઔર એક તગડી એક્ટ્રેસ સાથે કામ કરી રહી છે - કાજોલ. 'દો પત્તી'નું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે, જેના પરથી ફિલ્મની કહાણીનો આછો અંદાજ મળી જાય છે. અહીં કૃતિ એક ક્રિમિનલ છે અને કાજોલ ક્રાઇમ કેસની છાનબીન કરી રહી છે. 

'દરેક એક્ટરના જીવનમાં એક તબક્કો એવો જરૂર આવે છે, જ્યારે એ પોતાની જાતને પૂછવા લાગે છે: વોટ નેક્સ્ટ?' કૃતિ કહે છે, 'હું પણ ખાસ કરીને 'મીમી' પછી આ સવાલ ખુદને પૂછી રહી હતી. મારે હવે એવા રોલ્સ કરવા હતા જે મારી સામે પડકાર ઊભો કરે, જેમાં મને એવું કશુંક કરવા મળે જે મેં અગાઉ ક્યારેય ન કર્યું હોય. કમનસીબે મને આ પ્રકારની ઓફર્સ મળી રહી નહોતી, એટલે મેં ખુદ મારા માટે આ તક ઊભી કરી, ફિલ્મની પ્રોડયુસર બનીને.'

આ ફિલ્મ કનિકા ધિલ્લોને લખી છે. કનિકાએ અગાઉ 'મેન્ટલ હૈ ક્યા?', 'મનમર્ઝીયાં', 'હસીન દિલરુબા' વગેરે ફિલ્મો લખી છે. કૃતિ કહે છે, 'હું 'દો પત્તી' સાથે આઇડિયા-લેવલથી સંકળાયેલી છું. ફિલ્મ લખાતી હતી ત્યારે મેં કનિકા સાથે પુષ્કળ બ્રેઇન સ્ટોમગ કર્યું છે. ઇવન ફિલ્મના સંગીતમાં પણ મારું ઇન્વોલ્વમેન્ટ રહ્યું છે. સાચ્ચે, ક્રિયેટિવ સ્તરે 'દો પત્તી' જેવો સર્જનાત્મક અનુભવ મને અગાઉ ક્યારેય થયો નથી.'  

જોઈએ, 'દો પત્તી' નેટફ્લિક્સ પર હવે ક્યારે સ્ટ્રીમ થાય છે ને કેવીક સફળ નીવડે છે.  


Google NewsGoogle News