Get The App

ફિલ્મ ન ચાલે તો બધો વાંક કંઈ મારો જ ન હોય : વાણી કપૂર

Updated: Nov 22nd, 2024


Google NewsGoogle News
ફિલ્મ ન ચાલે તો બધો વાંક કંઈ મારો જ ન હોય : વાણી કપૂર 1 - image


- આ રૂપકડી એક્ટ્રેસ હવે કોમેડી કરશે

- વાણી લંડનમાં ફવાદ ખાન સાથે 'અબીર ગુલાલ' ફિલ્મનું શૂટિંગ કરી રહી છે

- હું એક પ્રોફેશનલ તરીકે અને એક વ્યક્તિ તરીકે સતત શીખવાના  પ્રયાસ કરતી રહું છું. હું જે છું તેનાથી હંમેશા બહેતર બનવાની કોશિશ કરું છું. 

- હું આજે જે સ્થાને છું તેનું કારણ ભૂતકાળમાં જે થઇ ચૂક્યું છે, તે છે. આજે હું જે કંઈ છું તેનો મને પૂરેપૂરો ગર્વ છે. હું હંમેશા એક સારી વ્યક્તિ બનવાનો પ્રયાસ કરતી રહું છું.

હિન્દી ફિલ્મોમાં પદાર્પણ કર્યાને વાણી કપૂરને એક દાયકો થઇ ગયો છે. તેણે સતત અલગ પ્રકારની ફિલ્મો કરવાનું પસંદ કર્યું છે, પણ જબરદસ્ત સફળતા અને બેમિસાલ વાહ વાહ વાણીને મળવાની હજી બાકી છે. પણ વાણી કપૂર એક એવી એક એક્ટ્રેસ છે જે સતત શીખતી અને પ્રયોગ કરતી રહે છે. ટૂંક સમયમાં વાણીની નવી ફિલ્મ 'બદ્તમીઝ ગિલ' રજૂ થવા જઇ રહી છે. આ ફિલ્મમાં વાણી કપૂર કોમેડી કરતી જોવા મળશે. તેની સાથે સિનિયર અભિનેતા પરેશ રાવલ પણ છે.  

છેલ્લા એક દાયકામાં વાણીએ 'શુદ્ધ દેશી રોમાન્સ', 'બેફિક્રે', 'ચંદીગઢ કરે આશિકી', 'ખેલ ખેલ મેં' વગેરે ફિલ્મો કરી છે. આમાંથી ઘણી ફિલ્મો બોક્સ ઓફિસ પર સફળ રહી છે તો ઘણી નિષ્ફળતાને વરી છે. વાણી એક દાયકા બાદ તેની ફિલ્મોની નિષ્ફળતાને પચાવતાં શીખી ગઇ છે. તે સંયમિત રહીને જણાવે છે, 'મને ખબર છે કે મારી ફિલ્મ 'બેફિક્રે' બહુ વખણાઇ નથી, પણ તેમાં મેં ભજવેલું શાયરાનું પાત્ર મારૃં ફેવરિટ છે.' 

વાણી કપૂર પોતાના વ્યક્તિગત વિકાસ બાબતે કહે છે, 'મારી શીખવાની યાત્રા હજી પણ ચાલુ છે. હું એક પ્રોફેશનલ તરીકે તથા એક વ્યક્તિ તરીકે  સતત શીખવાનો પ્રયાસ કરતી રહું છું. હું જે છું તેનાથી હંમેશા બહેતર બનવાની કોશિશ કરું છું. હું આજે જે સ્થાને છું તેનું કારણ ભૂતકાળમાં જે થઇ ચૂક્યું છે તે છે. આજે હું જે કઇં પણ છું તેનો મને ગર્વ છે. હું હંમેશા એક સારી વ્યક્તિ બનવાનો પ્રયાસ કરું છું.' 

એક સમય એવો હતો જ્યારે વાણીની કોઇ ફિલ્મ નિષ્ફળ જાય તો તેમાં તેને સઘળો દોષ  પોતાનો જ દેખાતો. પણ હવે વાણી પરિપક્વ બની છે. એ કહે છે, 'કોઇપણ ફિલ્મમાં ઘણા લોકોના પ્રયાસો સામેલ હોય છે. તમારી ફિલ્મમાં પણ જહાજના કપ્તાનની જેમ એક જણ આખરી નિર્ણય લેતો હોય છે. ફિલ્મ એડિટ ટેબલ પર પણ બનતી હોય છે. તેમાં બેકગ્રાઉન્ડ સંગીત હોય છે. અન્ય પાત્રો હોય છે. ફિલ્મનો બધો મદાર માત્ર તમારી પર હોતો નથી. સામાન્ય રીતે હું બધા દોષનો ટોપલો મારા પર લઇ લેતી હોઉં છું. પણ હવે હું થોડી ડીટેચ થવાનો પ્રયાસ કરી રહી છું. જો કોઇ ફિલ્મ નિષ્ફળ જાય તો હું તેને પણ સ્વીકારવાનો પ્રયાસ કરતી રહું છું. હું એ ખાસ જોઉં છું કે મારાથી કોઇ મોટી ભૂલ થઇ છે કે કેમ. એક સમયે આ મામલે હું ખૂબ ટેન્શન લઈ લેતી હતી, પણ હવે હું સમજું છું કે ફિલ્મ એ તો સહિયારૂ સર્જન હોય છે. તેમાં કોઇ એક વ્યક્તિનો નહીં પણ અનેક લોકોનો ફાળો હોય છે.'  

વાણી કપૂર હાલ લંડનમાં ફવાદ ખાન સાથે તેની આગામી ફિલ્મ 'અબીર ગુલાલ'ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં વાણી ફવાદ ખાન સાથે રોમાન્સ કરતી જોવા મળશે. પાકિસ્તાની હીરો સાથે રોમાન્સ કરવાનું જોખમ વાણીએ લીધું છે, પણ વાણી આવાં જોખમો તો તેની કારકિર્દીમાં સતત લેતી રહી છે. આરતી એસ. બાગડીના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મનું શૂટિંગ નવેમ્બર મહિનામાં પુરૂ થઇ જશે. ફિલ્મની નિર્દેશક આરતીએ જણાવ્યું હતું કે આ ફિલ્મમાં બે એવા પ્રેમીઓની કથા છે જે અનાયાસે એકબીજાને સહાય કરે છે અને એકમેકના જખમને ભરે છે. જેમાંથી અનપેક્ષિત રીતે પ્રેમ પાંગરે છે. આરતી અગાઉ 'ચલતી રહે જિંદગી' નામની ફિલ્મ બનાવી ચૂકી છે. 

ફવાદ ખાન ૨૦૧૪માં 'ખૂબસૂરત' અને એ પછી ૨૦૧૬માં 'કપૂર એન્ડ સન્સ' ફિલ્મ કરી ચૂક્યો છે. તેની છેલ્લી ફિલ્મ ૨૦૧૬માં આવેલી 'અય દિલ હૈ મુશ્કિલ' હતી. પાકિસ્તાનમાં આજે પણ ફવાદ ખાન સુપરસ્ટારનો દરજ્જો ભોગવે છે. પાકિસ્તાનની ૨૦૨૨માં આવેલી ઓલ ટાઇમ હિટ ફિલ્મ 'ધ લેજન્ડ ઓફ મૌલા જત્ત'માં એ મહત્વની ભૂમિકામાં જોવા મળ્યો હતો. આ ફિલ્મ ભારતમાં રજૂ થઇ શકી નથી. 

આ તરફ, વાણી કપૂરે 'ચંદીગઢ કરે આશિકી' ફિલ્મમાં ટ્રાન્સજેન્ડરની ભૂમિકા ભજવી વાહવાહી મેળવી છે. હવે તેની 'બદ્તમીઝ ગિલ' અને નેટફલિક્સ પર આવી રહેલી ક્રાઇમ થ્રિલર સિરીઝ 'મંડલા મર્ડર'ની આતુરતાપૂર્વક રાહ જોવાઇ રહી છે. આમ, વાણી માટે આગામી દિવસો ઉત્સાહ, ઉત્તેજના અને ઉચાટથી છલછલતા રહેશે રહેશે એ તો નક્કી. 


Google NewsGoogle News