પીયૂષ મિશ્રા 'મૈંને પ્યાર કિયા'ના હીરો બન્યા હોત તો...
- સામ્યવાદી ધૂનમાં ડૂબેલા પીયૂષ મિશ્રાએ સૂરજ બડજાત્યાની ઓફર નકારી કાઢી હતી
- એનએસડીના આ વિદ્યાર્થી જરૂર પડયે 'આરંભ હૈ પ્રચંડ...'જેવું ગીત પણ લખી શકે છે
બોલિવુડમાં નસીબના ખેલ જેવા જોવા મળે છે તેવા કદાચ અન્ય કોઇ ક્ષેત્રમાં જોવા મળતાં નથી. સૂરજ બડજાત્યાની સુપરહિટ ફિલ્મ 'મૈંને પ્યાર કિયા'માં કામ કરીને સલમાન ખાન અને ભાગ્યશ્રી રાતોરાત સ્ટાર બની ગયાં હતાં. પછી સલમાન ક્રમશઃ સુપરસ્ટારડમ તરફ આગળ વધ્યો, જ્યારે ભાગ્યશ્રી વન-ફિલ્મ-વંડર બનીને રહી ગઇ. હવે એક કલ્પના કરો કે સલમાન ખાનને આ ફિલ્મ ન મળી હોત તો... સલમાન ખાનને આ ફિલ્મ મળી તેનું એકમાત્ર કારણ એ હતું કે જેને આ ફિલ્મમાં હીરોનો રોલ જેને ઓફર કરવામાં આવેલો તે દિલ્હીના પીયૂષ મિશ્રાએ કોઇ પ્રતિભાવ આપવાનું મુનાસિબ માન્યું નહોતું. આજે પીયૂષ મિશ્રાને બોલિવુડમાં પચાસ ફિલ્મોમાં કામ કરી ચૂક્યા બાદ પણ સલમાનના દસ ટકા જેટલી લોકપ્રિયતા કે સફળતા પણ હાંસલ થઈ નથી! સલમાન અને પીયૂષની તુલના જ જોકે અપ્રસ્તુત છે.
પીયૂષ મિશ્રાનો જન્મ મધ્યપ્રદેશના ગ્વાલિયર શહેરના એક સમૃદ્ધ પરિવારમાં થયો છે. ૧૩ જાન્યુઆરી ૧૯૬૩માં જન્મેલા પીયૂષને નાનપણથી જ કળા અને સાહિત્યમાં રસ પડવા માંડયો હતો. પંદર વર્ષે જ એ પોતાની શિક્ષિકાના પ્રેમમાં પડી ગયેલા! સ્કૂલના રોમાન્સ અને કોલેજની મસ્તી પૂરી થઇ એ પછી કળા અને સાહિત્યનો આ જીવ દિલ્હીની નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં જોડાયો, જ્યાં તેમના અભિનય અને લેખનની ધાર નીકળી. ૧૯૮૬માં એનએસડીમાંથી ડિગ્રી મેળવી તે દરમિયાન અભિનયમાં મહારત તો મળી, પણ સાથે સાથે કમ્યુનિસ્ટ વિચારધારાનો પણ પ્રભાવ પણ પડયો. જિદ્દી સ્વભાવ અને તેમાં પણ સામ્યવાદી રંગે રંગાયેલાં પીયૂષ મિશ્રાનો માંહ્યલો કલાકારનો હતો એટલે તેમણે પોતાની જાતને થિયેટરમાં હોમી દીધી હતી.
૧૯૮૦ના દાયકામાં હજી ઉદારીકરણનું આગમન થયું નહોતું અને પીયૂષ મિશ્રા તો સામ્યવાદી રંગે રંગાયેલા એટલે તેમણે તો ગરીબો માટે ક્રાંતિ લાવવાના ધ્યેયથી થિયેટર પૂરજોશમાં કરવા માંડયુ. આખો દિવસ રંગમંચનાં નાટકો માટે લેખન તેમજ અન્ય તૈયારી, સાંજે અભિનયની આતશબાજી અને રાત પડે દારૂની જ્યાફત. આમ વર્ષો વીતતાં ગયાં. ક્રાંતિ તો ન આવી, પણ સમય વીતતો ચાલ્યો. તેમાં એક દિવસ ૧૯૮૯ની સાલમાં કિસ્મતે દરવાજો ખટખટાવ્યો. દિગ્દર્શક સૂરજ બડજાત્યાને તેમની ફિલ્મ 'મૈંને પ્યાર કિયા' માટે હીરોની જરૂર હતી અને તેઓ પીયૂષ મિશ્રાને આ ફિલ્મમાં હીરો બનાવવા માગતા હતા. લાલ રગે રંગાયેલા પીયૂષે આ ઓફરનો કોઇ પ્રતિભાવ ન આપ્યો! પછી ત્રણ જ વર્ષમાં ઉદારીકરણ આવ્યું. બોલિવુડમાં સલમાન ખાન નામના સ્ટારનો ઉદય થઈ ચૂક્યો હતો. દરમિયાન પીયૂષ મિશ્રા દિલ્હીમાં થિયેટર જ કરતા રહ્યા.
આખરે ૧૯૯૬ની સાલમાં એમણે 'એન ઇવનિંગ વીથ પીયૂષ મિશ્રા' નામનો શો કરવા માંડયો. આ શોની લોકપ્રિયતા મુંબઇ સુધી ફેલાઇ. એમને પણ હવે મુંબઇમાં કિસ્મત અજમાવવા માંડી હતી. ફિલ્મોમાં નાની મોટી ભૂમિકાઓ અને લેખનનું કામ ચાલવા માંડયંુ. ૨૦૦૩માં દિલ્હીમાં મૂળિયાં ધરાવતાં વિશાલ ભારદ્વાજે તેમની ફિલ્મ 'મકબૂલ'માં એક મહત્ત્વની ભૂમિકા પીયૂષ મિશ્રાને સોંપી. પણ સંઘર્ષ હજુ પુરો થયો નહોતો. અનુરાગ કશ્યપની ફિલ્મ 'ગુલાલ'માં ગીતો લખવાની અને અભિનય કરવાની પણ તક મળી. 'ગુલાલ'નું ગીત 'આરંભ હૈ પ્રચંડ' ભારે લોકપ્રિય બન્યું. હવે એમને તેમની પ્રતિભાને છાજે એવું કામ મળવા લાગ્યું.
એ પછી આવેલી 'ગેંગ્સ ઓફ વાસેપુર'માં પણ સારી ભૂમિકા મળી અને પીયૂષ મિશ્રાનું બોલિવુડમાં એક સ્થાન નક્કી થઇ ગયું. એમણ ૫૦થી વધારે ફિલ્મોમાં કામ કર્યું છે અને હવે તો તેઓ તેમનું એક બેન્ડ બલ્લીમારન પણ ચાલે છે.
આજે પીયૂષ મિશ્રા એક લાંબો સંઘર્ષ કરી સફળ કલાકાર બન્યા છે. બીજી તરફ સલમાન ખાન નામનો સૂર્ય બોલિવુડના આકાશમાં ઝાંખો પડવાનું નામ લેતો નથી. પ્રતિભા અને નસીબ બંને હોય તો પણ સુપરસ્ટારપદ તો કોઈ વિરલાને જ મળે છે.