જિંદગી પરફેક્ટ નથી તો ચહેરો શી રીતે પરફેક્ટ હોય?ઃ રાધિકા
- 'ડાર્ક કિરદારોએ મારાં મન-મગજ પર ઘેરી અસર કરી હતી. જોકે શૂટિંગ વખતે મને આ વાતનો અહેસાસ નહોતો થયો. મને એમ કે હું કંઈ પણ કરી શકું છું, પણ...'
નાના પડદે સફળતાના શિખરો સર કરનાર અભિનેત્રી રાધિકા મદાને ૭૦ એમએમના પડદે પગલાં પાડયા ત્યાર પછી તેણે પાછળ ફરીને નથી જોયું. અભિનેત્રી કહે છે કે આ ક્ષેત્રે કામ કરવું જ કેટલું ઉત્સાહપ્રેરક છે. અહીં તમે એક ભવમાં કેટલા બધા ભવ જીવી શકો. અલબત્ત, દરેક ક્ષેત્રની જેમ અભિનય ક્ષેત્રના પણ સારા અને નરસાં, એમ બંને પાસાં છે. અહીં તમે એક આંખે હસતા હો અને એક આંખે રડતાં હો એવું પણ બને. આમ છતાં મને આનંદ છે કે હું મારા ગમતા ફિલ્ડમાં કામ કરી રહી છું. રાધિકા આવી વાત કરે છે તેનું કારણ એ છે કે તેણે છેલ્લાં કેટલાંક વર્ષમાં એક પછી એક સાત ફિલ્મો કરી. તેનું સાતમી મૂવીનું શૂટિંગ ચાલી રહ્યું હતું ત્યારે તે થાકીને લોથ થઈ ગઈ હતી. અભિનેત્રી તેનું કારણ જણાવતાં કહે છે કે તમારું દરેક પાત્ર તમારી પાસેથી ચોક્કસ પ્રકારની અપેક્ષા રાખે છે. અને આ અપેક્ષામાંથી પાર ઉતરતાં ઉતરતાં તમે સાવ નીચોવાઈ જાઓ. ખાસ કરીને ભાવનાત્મક રીતે. વારાફરતી સાત ફિલ્મો કરવાને પગલે હું પણ ભાવનાત્મક રીતે સાવ નીચોવાઈ ગઈ હતી. મને એમ લાગતું હતું કે મારી અંદર હવે કાંઈ બચ્યું જ નથી. અદાકારા આ વાત સમજાવતાં કહે છે કે કેટલાંક ડાર્ક કિરદારોએ મારાં મન-મગજ પર ઘેરી અસર કરી હતી. આ પાત્રોનું ફિલ્માંકન થઈ રહ્યું હતું ત્યારે મને આ વાતની અનુભૂતિ નહોતી થઈ. તે વખતે કામના જોશમાં હું એમ માનતી હતી કે હું કાંઈપણ કરી શકું છું. પરંતુ શૂટિંગ પૂરું થયા પછી સંબંધિત પાત્રની મન પર પડેલી છાપની અસર દેખાવા લાગતી.
દરેક કલાકારની જેમ રાધિકાએ પણ ઘણી વખત અસલામતી અનુભવી છે. તે કહે છે કે મને એ વાતની ચિંતા નહોતી થતી કે અન્યોને જે મળે છે તે મને નથી મળી રહ્યું. પરંતુ મને મારી પોતાની ફિકર થતી. હું બેચેન થઈ જતી. અને જ્યારે જ્યારે આવી લાગણી મારા મનનો કબજો લેતી ત્યારે હું દિલ્હી જઈને મારા પરિવાર સાથે રહેતી. તેમની પાસે ગયા પછી હું હળવાશ અનુભવતી. ત્યાં હું મારા મિત્રવર્તુળને મળતી. જ્યારે હું મુંબઈમાં રહેતી ત્યારે મારી આસપાસ માત્ર ફિલ્મોદ્યોગને લગતી જ વાતો થતી. આવી સ્થિતિમાં મારી જીવનને જોવાની દ્રષ્ટિ બદલાઈ જતી. મારો આત્મવિશ્વાસ મોળો પડવા લાગતો.
ગયા વર્ષે 'સાસ બહુ ઔર ફ્લેમિંગો' વેબ સીરિઝમાં કામ કરનાર રાધિકા કહે છે કે એક સમય એવો હતો જ્યારે મને મનમાં સતત ફફડાટ રહ્યા કરતો કે હવે મને વધુ એક ફિલ્મ મળશે કે કેમ. પરંતુ હવે હું એ તબક્કામાંથી બહાર આવી ગઈ છું. અત્યાર સુધી મેં ૧૦ ફિલ્મો કરી લીધી છે. હવે મને ખાતરી થઈ ગઈ છે કે હું વધુ ફિલ્મો મેળવી શકીશ. આ કારણે જ હું મારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે ધ્યાન આપી શકું તેમ છું.
ઝાકઝમાળની દુનિયામાં હમેશાંથી એવો દુરાગ્રહ સેવવામાં આવે છે કે અભિનેત્રીઓનો દેખાવ પરફેક્ટ હોવો જોઈએ. તેમનો ચહેરો અતિસુંદર હોવો જોઈએ. તેમનો બાંધો એકવડો હોવો જોઈએ વગેરે વગેરે... પરંતુ એ શક્ય છે ખરું? શું આ ઇન્ડસ્ટ્રીની કોઈપણ અદાકારાના દેખાવમાં પાઈનીય ક્ષતિ હોય તો ન ચાલે? રાધિકા પણ કાંઈક આવી જ ફરિયાદ કરે છે. તે કહે છે કે અહીં જાણે એવો વણલખ્યો નિયમ છે કે દરેક અભિનેત્રીનું ફિગર અને ચહેરો પરફેક્ટ હોવા જોઈએ. કેટલાંક લોકોએ મારા ચહેરામાં પણ ખામી શોધી કાઢી હતી અને મને કોસ્મેટિક સર્જરી કરાવી લેવાની સલાહ આપી હતી. પરંતુ મેં તેને માટે ઘસીને ના પાડી દીધી હતી. સૌપ્રથમ તો મને મારી જાત પર પૂરેપૂરો વિશ્વાસ છે. વળી હું માનું છું કે જો જીવન જ ચોક્કસ-નિર્ધારિત ન હોય તો ચહેરો અને ફિગર શી રીતે હોઈ શકે?