Get The App

પ્રેમમાં અગાઉ કરી હતી એવી ભૂલો ફરી નથી કરવી: અનન્યા પાંડે

Updated: Jan 17th, 2025


Google NewsGoogle News
પ્રેમમાં અગાઉ કરી હતી એવી ભૂલો ફરી નથી કરવી: અનન્યા પાંડે 1 - image


- જુઓ, સંબંધમાં મોકળાશ હોવી, સ્વતંત્રતા હોવી તે સ્વસ્થતાની નિશાની છે. મારો પાર્ટનર મને એકાદ-બે મહિના સુધી ન મળે તો મને કોઈ મુશ્કેલી થતી નથી. 

તો, અનન્યા પાંડે માટે ૨૦૨૪નું વર્ષ કેવું પૂરવાર થયું? બે જ શબ્દમાં જવાબ આપવો હોય તો કહી શકાય કે એનું ગયું વર્ષ સરસ અને મહત્ત્વનું રહ્યું. ગત વર્ષે તેના બે ઓટીટી પ્રોજેક્ટ 'કોલ મી બે' અને 'સીટીઆરએલ' સફળ રહ્યા હતા. વિવેચકો તેમજ દર્શકો બંનેની પ્રશંસા અનન્યાએ મેળવી હતી. જોકે વ્યાવસાયિક સફળતા ઉપરાંત અનન્યા તેના અંગત જીવન માટે પણ સ્પોટલાઈટમાં રહી હતી, ખાસ કરીને ભૂતપૂર્વ અમેરિકન મોડેલ વોકર બ્લેન્કો સાથેની રિલેશનશીપને કારણે. 

એક નિખાલસ મુલાકાતમાં અનન્યાએ રિલેશનશીપ બાબતે તેના અનુભવો અને અભિગમ વિશે ખુલ્લા મનથી વાત કરી. પોતાની પ્રથમ રિલેશનશીપ બાબતે એ કહે છે, 'તમે માનશો, બોયફ્રેન્ડ સાથે ડેટિંગ કરતાં પહેલાં મેં મારી મમ્મીની પરવાનગી માગી હતી. સ્કૂલમાં જ્યારે એક છોકરાએ મને પ્રપોઝ કર્યું ત્યારે મેં એને કહેલું કે થોભી જા, હું મારી મમ્મીને પૂછી લઉં! મમ્મીએ હા પાડી પછી જ હું આગળ વધી હતી.' 

અનન્યાના ફાધર ચંકી પાંડે ઘણી વાર તેને વધુ પડતી પ્રમાણિક હોવાનું કહીને તેની મજાક કરે છે. અનન્યા જોકે પ્રમાણિકતાને પોતાનો પ્લસ પોઈન્ટ ગણે છે. એ કહે છે, 'મારાં પેરેન્ટસે ક્યારેય મારા પાર્ટનર વિશે ખુલ્લેઆમ નાપસંદગી વ્યક્ત નથી કરી, પણ તેમની  બોડી લેંગ્વેજ અને મૂડ ઘણું કહી જાય છે. આ સૂક્ષ્મ અભિગમને કારણે હું મમ્મી-પપ્પાની લાગણી વગર કહ્યે સમજી જાઉં છું અને તેથી અમારી વચ્ચે ઘર્ષણ ટળી જાય છે.' 

પ્રારંભમાં અનન્યા પોતાના પાર્ટનરની રુચિઓ સાથે મેળ કરવા પોતાના વ્યક્તિત્વ અને પ્રાથમિકતામાં ફેરફાર કરતી હતી. તે પોતાના પાર્ટનર જેવી બનવાનો પ્રયાસ કરતી. તેમની પસંદગીને પોતાની પસંદગી બનાવતી. આવું વલણ અપનાવવાને કારણે તેને અહેસાસ થયો કે તે પોતાની અસલી ઓળખ ગુમાવી રહી છે. અનન્યાએ કબૂલ કરે છે, 'રિલેશનશીપને પ્રાથમિકતા આપવાના ચક્કરમાં હું મારા મિત્રો સાથે સમય વિતાવી શકતી નહોતી કે મારી પોતાની ઓળખ જાળવી શકતી નહોતી. પણ હવે મેં મારા વ્યક્તિત્વ અને રિલેશનશીપ વચ્ચે સંતુલન જાળવવાનું શીખી લીધું છે. હવે હું પાર્ટનર માટે મારી જાતમાં ફેરફાર નથી કરતી. હું એવા ઝોનની શોધમાં હોઉં છું જ્યાં અમે બંને પોતાની ઓળખ ગુમાવ્યા વિના ખુશ રહી શકીએ. અગાઉ કરી હતી એવી ભૂલો મારે ફરી નથી કરવી.'

લોન્ગ ડિસ્ટન્સ રિલેશનશીપ વિશે અનન્યા શું કહે છે? 'જુઓ, સંબંધમાં મોકળાશ હોવી, સ્વતંત્રતા હોવી તે સ્વસ્થતાની નિશાની છે. મહિનો અથવા બે મહિના સુધી પાર્ટનર ન મળે તો એમાં મને કોઈ મુશ્કેલી થતી નથી. બંને વચ્ચેનું ભૌગોલિક અંતર લાગણીમાં વધારો કરે છે. રિલેશનશીપ ટકાવવામાં પરસ્પર વિશ્વાસ, સ્વતંત્રતા અને અંગત અવકાશ મહત્ત્વનાં પરિબળો છે, પછી ભલે બંને અલગ અલગ દેશના વતની હોય.'

અનન્યા મભમ વાતો કરે છે, પણ મગનું નામ મરી પાડતી નથી. એ ગળું ખોંખારીને કહેતી નથી કે આ બધું હું મારા અમેરિકન બોયફ્રેન્ડના સંદર્ભમાં બોલી રહી છું! ખેર... 

અનન્યા જેમ જેમ પોતાની કારકિર્દીમાં આગળ વધતી જાય છે તેમ તેમ એ પોતાના અંગત જીવનમાં પ્રગતિ કરતી જાય છે. સુખી, સંતુલિત જીવન માટે પ્રોફેશનલ અને પર્સલન એમ બન્ને લાઇફમાં સંતોષની અનુભૂતિ થવી જરૂરી છે, ખરું?  


Google NewsGoogle News