Get The App

હું કદી રિયાલિટી શોનો હિસ્સો બનવાની ભૂલ નહીં કરું: ગુલશન દેવૈયા

Updated: Apr 24th, 2025

GS TEAM


Google News
Google News
હું કદી રિયાલિટી શોનો હિસ્સો બનવાની ભૂલ નહીં કરું: ગુલશન દેવૈયા 1 - image


- 'હું સતત નમ્ર બનવાનો પ્રયાસ કરૃં છું પણ મને તેમાં સફળતા મળતી નથી.  હવે તો મેં નમ્ર બનવાનો પ્રયાસ કરવાનું પણ છોડી દીધું છે.' 

હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં નવા એક્ટર્સનો જે ફાલ આવ્યો છે તેમાં ગુલશન દેવૈયા તેની લાક્ષણિક હાસ્યવૃત્તિથી અલગ તરી આવે છે. તે અજબ સવાલોના ગજબ જવાબો આપવામાં હોશિંયાર હોવાથી તેની સાથેની વાતચીતમાં એક અલગ જ પ્રકારની મજા આવે છે. તે પોતાની કારકિર્દીને હળવાશથી લે છે અને તેને આપવું જરૂરી હોય એનાથી જરાય વધારે મહત્વ તે આપતો નથી. નવી પેઢીના એક્ટર ગુલશનની આ ખાસિયત ખરેખર એક નવો જ આયામ સર્જે છે. આવો માણીએ તેના ચટ સવાલોના પટ જવાબ......

તારી જિંદગી વિશે કોઇ ફિલ્મ બનાવવામાં આવે તો.....

કોઇ ફિલ્મ મારી જિદગીને ન્યાય આપી શકે નહીં. હકીકત તો એ છે કે કોઇની પણ સમગ્ર જિંદગી ફિલ્મમાં દર્શાવવી અશક્ય છે. 

ફિલ્મના સેટ પર બનેલો કોઇ રમૂજી બનાવ.....

એકવાર સેટ પર જતાં જ મને ડ્રસિંગ રૂમમાં દોરીને લઇ જવામાં આવ્યો. થોડો સમય હું ગુંચવાયો કે મારી સાથે આમ કેમ બન્યું. પછી મને સમજાયું કે હું ખોટા સેટ પર આવી ચડયો છું. આ એક કૂંકિંગ શોનો સેટ હતો. મારે જો કોઇ બીજા સેટ પર સમયસર પહોંચવાનું ન હોત તો મને ત્યાં પણ કામ કરવાની મજા આવત. 

પ્રોફેશનલી કઇ ભૂલ કદી નહીં કરો?

હું ટીવી પર આવતાં રિયાલિટી શોનો હિસ્સો કદી નહીં બનું. 

તમે પત્રકાર હોવ અને શાહરૂખ કે સલમાનને સવાલ કરવાનો હોય તો.....

હું તેમને કોઇ સવાલ કરવાને બદલે તેમની પાસે પૈસા જ માંગું. તેમની પાસે એટલાં બધાં પૈસા છે કે તેઓ મને ગમે એટલી મોટી રકમ આપે તો ય તે તેમના માટે તો ચણા મમરાં જ બની રહે. પણ આ નાણાંનું વ્યાજ મને નિયમિત મળે તો ય હું મુૅબઇમાં સરળતાથી જીવી શકું. 

તમે કોઇ એક ગુનો કરવાની છૂટ આપવામાં આવે તો....

આ બાબતે કશું ન કહું તેમાં જ શાણપણ છે. જો હું તમને કંઇ કહું અને હુંપકડાઇ જાવ તો તેનો કશો અર્થ રહે નહીં. 

તમારી વિશે લોકો શું ગેરસમજ કરે છે? 

મારી ઉંચાઇ વિશે ઘણી ગેરસમજ થાય છે. મારી ઉંચાઇ ગૂગલ કહે છે તેનાથી વધારે છે પણ તમે માનો છો એનાથી ઓછી છે. 

તમે શું બનવાનો સતત પ્રયાસ કરો છો પણ બની શકતાં નથી? 

હું સતત નમ્ર બનવાનો પ્રયાસ કરૃં છું પણ મને તેમાં સફળતા મળતી નથી. મારે માટે આ સૌથી મોટો પડકાર બની રહ્યો છે અને હવે તો મેં નમ્ર બનવાનો પ્રયાસ કરવાનું પણ છોડી દીધું છે. 

તમે કદી કોઇ હિરોઇન ભણી આકર્ષણ અનુભવ્યું છે? 

ચક દે ફિલ્મના શૂંટિંગ દરમ્યાન હું સાગરિકા ઘાટગે ભણી આકર્ષાયો હતો. મેં તેને ફૂટ ફેરીમાં કામ કરતી વખતે આ વાત તેનેકહી પણ હતી. 

કઇ બાબત તમારે વહેલાં જાણવાની જરૂર હતી? 

કળામાં ગુણદોષ એ દરેકના વ્યક્તિગત અભિપ્રાયની બાબત છે. 

તમે ઉંઘમાં બબડો છો? 

હું ઉંઘમાં ગાવાનું પસંદ કરૃં છું. ખાસ કરીને પચાસ અને સાઠના દાયકાના હિન્દી ફિલ્મના ગીતો ગાવા મને ગમે છે. 

 ગૂગલ પર સર્ચ કરતાં થયેલો રસપ્રદ કોઇ અનુભવ? 

એકવાર મેં મારા વિશે સર્ચ કર્યું તો તેમાં એક સૂચન એવું કરવામાં આવ્યું હતું કે ગુલશન દેવૈયાની નેટવર્થ...મેં તેની પર ક્લિક કર્યું અને મારા વિશે ચાલતાં જુઠ્ઠાણાંઓ વાંચવાની મને મોજ પડી ગઇ હતી. 

તમને એક દિવસ કશું ન કરવાનું હોય એવો મળે તો? 

હું સરસ મજાની બપોરની ઉંઘ ખેંચી લઉં. ઉનાળાની બપોર ઝોકું મારવા જેવું સુખ બીજું એક પણ નથી. 

તમને સૌથી મોટો ડર શું 

લાગે છે? 

મને છેતરાઇ જવાનો ડર સૌથી વધારે લાગે છે. તેમાં પણ ઓનલાઇન સ્કેમનો ભોગ બનવાનો ડર વધારે લાગે છે. 

તમે કદી ટ્રાફિકના નિયમોનો ભંગ કર્યોં છે? 

હું ભારતનો રહેવાસી છું. આ તો આપણું સહિયારી સંસ્કૃતિ છે તેમાંથી કોઇ કઇ રીતે બાકાત હોઇ શકે? 

તમારામાં કઇ બિનઉપયોગી પ્રતિભા છે? 

બિનઉપયોગી હોય એને પ્રતિભા કેવી રીતે કહેવાય? કોઇપણ પ્રકારની પ્રતિભા નકામી ન જ હોય. 

તમને સૌથી વધારે કનડતી કુટેવ? 

વિચાર કરવાની. તે ખૂબ કનડે છે. 

તમને કયુ કાર્ટુન પાત્ર બનવાનું ગમે? 

અલ્લાદ્દીનનો જિ ન બનવાનું ગમે. 

 તમારે કોઇ પુસ્તક લખવાનું હોય તો....

તે પાકકળા વિશેનું હોય, હું કિચનમાં અનેક પ્રકારના અખતરાં કરૃં છું. 

તમને લોકો કેવી રીતે યાદ કરે તો તમને ગમે? 

એ તો લોકોએ નક્કી કરવાનું છે. મારા મૃત્યુ પછી મને લોકો કેવી રીતે યાદ કરે છે  તેની સાથે મારે કોઇ સબંધ નથી. હું જીવતો છું ત્યારે તેઓ મને કેવી રીતે યાદ કરે છે તેના પર મારો કોઇ અંકુશ નથી..... 

Tags :