મારેય ગ્લેમરસ દેખાવું છેઃ તાપસી પન્નુ
- 'આ જ છે મારી અસલી પર્સનાલિટી. હું કોન્ફિડન્ટ છું, હોટ છું અને આ હૉટનેસ મારા કપડાંમાં નહીં, મારા વ્યક્તિત્ત્વમાં છે! હું હંમેશા ફિટ રહી છું. મને મારું ફિગર અને ફિટનેસ જાળવતાં આવડે છે.'
સા માન્ય રીતે ધીરગંભીર અને હટકે પાત્રો ભજવવા માટે જાણીતી બટકબોલી તાપસી પન્નુએ થોડા દિવસો પહેલાં સોશિયલ મીડિયા પર પોતાનો એવો વીડિયો મૂક્યો કે જોઈને લોકો ચકિત થઈ ગયા. તાપસીએ આ વીડિયોમાં મસ્તમજાનો સ્વીમસુટ ધારણ કર્યો છે. નેટિઝન્સે તાપસીને ક્યારેય આવા ગ્લમરસ અવતારમાં જોઈ નથી તેથી તેમના સાનંદાઘાત ન લાગે તો જ નવાઈ પામવા જેવું હતું.
લોકોએ ખૂબ બધી લાઇક્સ આપી અને મસ્ત મસ્ત કમેન્ટ્સ કરી એટલે તાપસી રંગમાં આવી ગઈ છે. એ કહે છે, 'મને માત્ર ફોટા પડાવવા કે વીડિયો બનાવવા કેમેરા સામે સ્વિમ સુટ પહેરીને ઊભા રહેવામાં કોઈ રસ નથી. હું મારા ફેન્સને કહેવા માગું છું કે પડદા પર હું ભલે ગંભીર ભૂમિકાઓ કરતી હોઉં, પણ અસલી જીવનમાં હું આનંદી અને ગ્લેમરસ યુવતી છું. વીડિયોમાં મેં બ્લેક સ્વિમ સુટ પર નારંગી રંગનું જેકેટ પણ પહેર્યું છે. સમજોને કે નારંગી રંગ મારા આનંદી સ્વભાવનું પ્રતીક છે! આ જ છે મારી અસલી પર્સનાલિટી. હું કોન્ફિડન્ટ છું, હોટ છું અને આ હૉટનેસ મારા કપડાંમાં નહીં, મારા વ્યક્તિત્ત્વમાં છે.' આટલું કહીને એ ઉમેરે છે, 'મારા સ્વિમ સુટે ઇન્ટરનેટ પર ધમાકો કર્યો છે એમ ન કહો, તાપસી પન્નુએ ઇન્ટરનેટ પર ધમાકો કર્યો છે એમ કહો!'
તાપસી રૂપકડી અને ક્યુટ છે એ વાતની ના નહીં. એ કહે છે, 'હું હંમેશા ફિટ રહી છું. મને મારું ફિગર અને ફિટનેસ જાળવતાં આવડે છે. મારો આત્મવિશ્વાસ હમેશાં બુલંદ હોય છે. મેં હમેશાં એ વાતની કાળજી લીધી છે કે મારા ફોટા કે વીડિયો ક્યારેય ચીપ ન લાગવા જોઈએ.'
હમેશાં હટકે કિરદાર અદા કરતી તાપસીને આપણે ગ્લેમરસ રોલમાં ભાગ્યે જ જોઈ છે. જોકે અદાકારાને ખુદને આવાં પાત્રો ભજવવામાં પણ રસ છે. એ કહે છે, 'હું ચોક્કસપણે ગ્લેમરસ ભૂમિકા ભજવવા માગું છું. અલબત્ત, આ પ્રકારની ફિલ્મના ડિરેક્ટર કોણ છે તે ખૂબ મહત્ત્વનું છે. આ બાબતે હું કાયમ ડેવિડ ધવનની આભારી રહીશ. તેમણે મને 'ચશ્મે બદ્દૂર'માં લોંચ કરી. આ ફિલ્મમાં તો મારો રોલ ગ્લેમરસ નહોતો, પણ પરંતુ 'જુડવા-૨'માં એમણે મને જરૂર ગ્લેમરસ લૂક આપ્યો હતો. તેઓ સારી રીતે જાણતા હતાં કે મેં ગ્લેમરસ પાત્રો નથી ભજવ્યાં. આમ છતાં એક ફિલ્મમેકર તરીકે તેમણે મારી અંદર રહેલી આ પ્રકારની ભૂમિકાઓ ભજવવાની ક્ષમતાને ઓળખી લીધી હતી. આજે પણ હું ગ્લેમરસ રોલ કરીને દર્શકોને બતાવવા માગું છું કે મારી અંદર પણ એક આગ છે!'
આટલું કહીને તાપસી ખડખડાટ હસી પડે છે. આજની તારીખમાં એક ફિલ્મ માટે અંદાજે બે કરોડ રૂપિયા જેટલું મહેનતાણું લેતી તાપસીએ કરીઅરની શરૂઆત દક્ષિણ ભારતીય ફિલ્મોથી કરી હતી. પહેલી ફિલ્મમાં કામ કરવાના એને માત્ર પાંચ લાખ રૂપિયા મળ્યા હતા.
ગયા વર્ષે 'ડંકી'માં લાજવાબ ભૂમિકા ભજવનાર તાપસી નજીકના ભવિષ્યમાં ત્રણ ફિલ્મોમાં દેખાશે - 'વો લડકી હૈ કહાં?', 'ફિર આઈ હસીન દિલરૂબા' અને 'ખેલ ખેલ મેં'. જોઈએ, આ ફિલ્મોમાં તાપસી કેવીક ગ્લેમરસ દેખાય છે.