રફીની વિદાયથી ખાલી પડેલું સ્થાન મારે ભરવું છે: સોનુ નિગમ
- સિને મેજિક- અજિત પોપટ
- 'મારા માટે મારી મા સરસ્વતી દેવી હતી. હું સ્ટેજ પ્રોગ્રામ માટે જાઉં કે રેકોર્ડિંગ માટે જાઉં, સૌ પ્રથમ મારી મમ્મીને ફોન કરીને આશીર્વાદ માગતો કે આજે હું સરસ દેખાવ કરી શકું એ માટે મને આશીર્વાદ આપો. મમ્મી બીમાર હતી ત્યારે મારું મન ઘણીવાર ચલિત થઇ જતું. મમ્મી વિનાની દુનિયા હું કલ્પી શકતો નહોતો.'
પ્લે બેક સિંગર મુહમ્મદ રફી હયાત હતા ત્યારે જ દેશનાં વિવિધ રાજ્યોમાં સ્ટેજ પ્રોગ્રામ્સ કરીને પેટિયું રળતા સેંકડો યુવાન કલાકારો પોતાને વોઇસ ઓફ રફી તરીકે ઓળખાવતા. રફીનાં ગીતો ગાતાં. રફીના અકાળ નિધન પછી તેમનું સ્થાન લેવા કેટલાક ગાયકોએ ખૂબ પ્રયત્નો કરેલા. મુહમ્મદ અઝીઝ, અનવર અને વડોદરાના શબ્બીરકુમાર એમાં મોખરે હતા. વરિષ્ઠ સંગીતકાર નૌશાદે મુહમ્મદ રફીની ગાયકી વિશે બોલતાં રફીના ચાર પાંચ આગવા ગુણો વર્ણવ્યા હતા.
નંબર એક, રફીના કંઠમાં પૌરુષેય તત્ત્વ (મેસ્ક્યુલિનિટી) હતી.
નંબર બે. રફીનો કંઠ બુલંદ હોવાની સાથોસાથ એમની રેંજ કંઇક અલગ જ હતી. સરળ શબ્દોમાં રેંજને સમજવી હોય તો આ રીતે સમજી શકાય. રેંજ એટલે ચહેરા પર જરાય તનાવ કે વિકૃતિ વિના હાર્મોનિયમના ડાબી તરફના પહેલા સૂરથી જમણી તરફના છેલ્લા સૂર સુધી આસાનીથી ગાવાની ક્ષમતા. દાખલા તરીકે, ફિલ્મ 'બૈજુ બાવરા'ના 'ઓ દુનિયા કે રખવાલે ગીત'ની પરાકાષ્ઠામાં રફી સંગીતની ભાષામાં કહીએ તો અતિ તાર ષડ્જ એટલે કે હાર્મોનિયમના જમણી તરફના છેલ્લા સ્વર સુધી પહોંચી જાય છે. એવાં પાંચ-છ ગીતો રફીના ફાળે આવેલાં.
નંબર ત્રણ. પૌરુષેય અને બુલંદ હોવાની સાથોસાથ રફીના કંઠમાં ગજબની મધુરતા હતી. સાંભળનારને સતત સાંભળ્યા કરવાની ઇચ્છા રહે એવી મધુરતા.
અને ચાર. ગીતના શબ્દોના સ્પષ્ટ ઉચ્ચાર તથા શબ્દોમાં રહેલા ભાવને યથાતથ પ્રગટાવવાની રફીની જન્મજાત કુશળતા.
સાવ કૂમળી વયથી સોનુ નિગમે નક્કી કરી લીધું હતું કે અન્ય ગાયક કલાકારો રફીની વિદાયથી ખાલી પડેલું જે સ્થાન મેળવી નથી શક્યા એ મારે મેળવવું છે. આમ પણ સોનુ થોડોક સમજણો થયો ત્યારથી એ પોતાના પિતાને મુહમ્મદ રફીનાં ગીતો ગાતાં સાંભળતો આવેલો. પોતાના સંગીતગુરુ ઉસ્તાદ ગુલામ મુસ્તફા ખાન પાસે શીખતી વખતે સોનુએ પોતાની આ ઇચ્છા ગુરુ સમક્ષ પ્રગટ કરેલી. રફીનાં ગીતોમાં આવતા ઊર્દૂ શબ્દોનો અર્થ ગુરુ પાસે સમજી લેતો. સ્કૂલ અને કોલેજના અભ્યાસ ઉપરાંત એ પોતે રિયાઝ કરે ત્યારે દર્પણ સામે બેસીને ગાતો. એને કારણે ઊંચા સૂર ગાતી વખતે ચહેરા પર કોઇ તનાવ નથી આવતો એનો ખ્યાલ રહેતો. શબ્દોને અનુરૂપ ભાવ પ્રગટે છે કે નહીં એની પણ એ કાળજી રાખતો. કેસેટના ટેપ રેકોર્ડર પર પોતે ગાયેલાં ગીતો રેકર્ડ કરીને સાંભળતો. આમ થવાથી પોતાના ગાયનમાં ક્યાં શું ખૂટે છે એનો એને તરત ખ્યાલ આવતો. સાથોસાથ સોનુ સમકાલીન ગાયકો કુમાર સાનુ, નીતિન મૂકેશ, ઉદિત નારાયણ વગેરેનાં ગીતો સાંભળતો. એમાંથી પોતાને અનુરૂપ લાગે એવું તારવી લેતો. એના રિયાઝ પર એની માતા શોભાજી ખૂબ ધ્યાન આપતી અને પુત્રને પ્રોત્સાહન આપતી. પાછળથી સોનુએ એક મુલાકાતમાં કહેલું કે, 'મારા માટે મારી માતા સરસ્વતી દેવી હતી. હું સ્ટેજ પ્રોગ્રામ માટે જાઉં કે રેકોર્ડિંગ માટે જાઉં, સૌ પ્રથમ મારી મમ્મીને ફોન કરીને આશીર્વાદ માગતો કે આજે હું સરસ દેખાવ કરી શકું એ માટે મને આશીર્વાદ આપો. મારાં મમ્મી બીમાર હતાં ત્યારે મારું મન ઘણીવાર ચલિત થઇ જતું. મમ્મી વિનાની દુનિયા હું કલ્પી શકતો નહોતો.'
પ્લેબેક સિંગર તરીકેની પહેલી તક સોનુને દૂરદર્શન-૧ પર આવેલી ટીવી સિરિયલ 'તલાશ' માટે મળી. આ સિરિયલ માટે એણે એક ગીત ગાયું- 'હમ તો છૈલા બન ગયે...' જોકે ફિલ્મમાં ગાવાની સૌથી પહેલી તક એને સત્તર વર્ષની ઉંમરે ૧૯૯૦માં મળી. ફિલ્મ 'જાનમ' માટે એણે એક ગીત ગાયું. આ ફિલ્મ ગુલશનકુમારની હતી. એણે સોનુની પ્રતિભા પિછાણી લીધી હતી. જોકે આ ફિલ્મ કદી રજૂ ન થઇ. સોનુ થોડો હતાશ તો થયો, પણ હિંમત ન હાર્યો. એણે ૧૯૯૨માં રફી કી યાદેં નામે એક આલ્બમ રિલિઝ કર્યું હતું. આ આલ્બમથી પણ એ થોડો જાણીતો થયો હતો.
ત્યારબાદ એને 'ઔર એક તક' ૧૯૯૩માં મળી. ફિલ્મ 'આજા મેરી જાન' માટે એણેં એક ગીત ગાયું - 'ઓ આસમાનવાલે, જમીં પર ઊતર કે દેખ, હોતી હૈ ક્યા જુદાઇ, કે તૂ ભી બિછડ કે દેખ...' જોકે હજુ ભાગ્યની દેવી એના પર રીઝી નહોતી. આ ગીત પાછળથી એસ.પી. બાલાસુબ્રહ્મણ્યમના કંઠમાં ડબ થઇ ગયું. યોગાનુયોગે ગુલશનકુમારે ટી સિરિઝના એક આલ્બમ 'બેવફા સનમ'માં સોનુ પાસે એક ગીત ગવડાવ્યું. ૧૯૯૨-૯૩ વચ્ચે સોનુએ થોડીક ફિલ્મોમાં પણ ગાયું. આવી ફિલ્મોમાં 'મુકાબલા', 'મહેરબાન', 'શબનમ', 'કસમ તેરી કસમ', 'આગ', 'ચિત્તા', 'ખુદ્દાર' વગેરેનો સમાવેશ હતો. એ જ વરસે અચાનક ભાગ્યની દેવી પ્રસન્ન થઇ. એને જે. પી. દત્તાની ફિલ્મ 'બોર્ડર'માં એક ગીત મળ્યું. દેશની સરહદો સાચવતા લશ્કરી જવાનોના મનની ભાવના જીવંત કરતું એ ગીત એટલે 'સંદેશે આતે હૈં, હમે તડપાતે હૈં...'
આ ગીતે કરોડો લોકોના દિલ જીતી લીધાં....અને લો, રાતોરાત સોનુ દેશના ખૂણે ખૂણે ગાયક તરીકે જાણીતો થઇ ગયો!