તેરે બચપન કો જવાની કી દુઆ દેતી હૂં...
- મુઝે જીને દો
- જયદેવે 'નદી નારે ન શ્યામ જાઓ પૈયાં પરું...' ગીતમાં આશા ભોંસલેના વજનદાર અને લચકદાર કંઠનો ઉપયોગ કર્યો છે. સ્થાનિક ભોજપુરી બોલીના શબ્દો, સ્થાનિક લોકસંગીત અને જુદા જુદા ત્રણેક રાગોનો અછડતો આધાર લઇને આ ગીતને જયદેવે અનેકરંગી બનાવી દીધું છે.
અ ભિનેતા ફિલ્મ સર્જક સુનીલ દત્તે બનાવેલી ડાકુ-કથા ફિલ્મ 'મુઝે જીને દો'નાં ગીત-સંગીતની વાત આપણે ગયા શુક્રવારે શરૂ કરેલી. સાહિર લુધિયાનવીનાં ગીતોને સંગીતકાર જયદેવે સ્વરાંકિત કર્યાં હતાં. આજે જે બે ગીતોની વાત કરવી છે એ બંને પોતપોતાની રીતે અનોખાં છે. ભક્ત કવિ સૂરદાસે ભગવાન શ્રી કૃષ્ણની બાળલીલાનાં જે પદો રચ્યાં છે એમાં એક પદ એવું છે, જ્યારે ગોપબાળો અને ગોપબાલિકાઓ કૃષ્ણને યમુના નદી તરફ જતાં રોકે છે. યમુનામાં ગોપબાળોનો દડો પડી ગયો છે અને એ લેવા જવાના બહાને કૃષ્ણ કાલી નાગને ત્યાંથી તગેડી મૂકવા માગે છે એવો એ પદનો કેન્દ્રવર્તી ભાવ છે.
લગભગ એવો જ કેન્દ્રવર્તી ભાવના સાહિરે અહીં એક ગીતમાં મૂક્યો છે. ઉત્તર ભારતની લોકબોલી ખાસ કરીને ભોજપુરી બોલીના શબ્દો ધરાવતું એ ગીત એટલે 'નદી નારે ન શ્યામ જાઓ પૈયાં પરું, નદી નારે જો જાઓ તો જૈબે કરો, બીચ ધારે ન જાઓ શ્યામ પૈયાં પરું...' આ ગીત બેવડા અર્થ ધરાવે છે. પહેલો અર્થ એવો છે કે ગોપબાળો અને ગોપિકાઓ ભગવાનને યમુના નદી તરફ નહીં જવાની વિનંતી કરે છે. બીજા અર્થમાં કથાનાયિકા નાયકને એ તરફ જવાની ના પાડે છે એવો ભાવ છે.
સુનીલ દત્તે આ ગીતના શૂટિંગ માટે ઉત્તર પ્રદેશના ઇટાવાનાં જંગલોની કોતરો પસંદ કરી હતી જ્યાં દિવસે પણ સૂમસામ અને બિહામણું વાતાવરણ હોય છે. જો કે સુનીલ દત્ત અને નરગિસ સરહદના જવાનો માટે સંગીતના પ્રોગ્રામ્સ કરવા માટે પંકાયેલાં હતાં એટલે એમને ઉત્તર પ્રદેશની રાજ્ય સરકારે પૂરતું પોલીસ રક્ષણ પૂરું પાડયું હતું. યોગાનુયોગે જે લોકેશન પસંદ કરાયું હતું ત્યાંથી યમુના નદીનું વહેણ પણ નજીક હતું એટલે શૂટિંગ કરવામાં તકલીફ પડી નહોતી.
જયદેવે આ ગીતમાં આશા ભોંસલેના વજનદાર અને લચકદાર કંઠનો ઉપયોગ કર્યો છે. સ્થાનિક ભોજપુરી બોલીના શબ્દો, સ્થાનિક લોકસંગીત અને જુદા જુદા ત્રણેક રાગોનો અછડતો આધાર લઇને આ ગીતને જયદેવે અનેકરંગી બનાવી દીધું છે. ઉપશાીય ગાયન માટે પંકાયેલા રાગ ખમાજથી શરૂ કરીને, સાંજના રાગો યમન, યમન કલ્યાણ, મારુ બિહાગ અને જરા અમથો હંસધ્વનિનો સ્પર્શ આપીને આ ગીતને યાદગાર બનાવી દીધું. સંગીતનો 'સ' પણ ન જાણતાં હોય એવા આમ આદમીને પણ ગણગણવું ગમે એ રીતે આ ગીતનું સ્વરાંકન થયું છે.
બીજું ગીત લતાના સ્વરમાં છે. એક માતા પોતાના ધાવણા બાળકને આશીર્વાદ આપે તો કેવા આપે? તમે વિચારો. કોઇ મા કહેશે, સો વરસનો થાજે દીકરા. કોઇ કહેશે, બાપ કરતાં બેટો સવાયો નીવડજે, કોઇ માતા કહેશે, ભણીગણીને બારિસ્ટર થાજે, માબાપનું નામ રોશન કરજે. પણ સમાજ સામે બહારવડે ચડેલા માણસની વેરાન વગડામાં વસતી પત્ની પોતાના બાળકને એવા આશીર્વાદ આપે તો કયા મોઢે આપે? કેવી રીતે આપે?
અત્રે એક આડવાત યાદ આવે છે. રાજ કપૂરે 'જિસ દેશ મેં ગંગા બહતી હૈ' માટે પ્રાણને શાકાના રોલની ઓફર કરી ત્યારે અભિનયમાં કોઇ સંકેત ઉમેરવાનું સૂચન કરેલું. એ સૂચનના જવાબમાં તમને યાદ હોય તો પ્રાણ પરદા પર વારેવારે શર્ટના કોલરની અંદર ડાબેથી જમણે આંગળી ફેરવતો. એનો સૂચિતાર્થ એવો હતો કે પકડાઇ જઇએ તો આખરે તો ફાંસીએ ચડવાનું છે.
અહીં પોતાને દુર્ભાગી સમજતી માતા પુત્રને આશીર્વાદ આપતાં કહે છે કે તું યૌવન વસંતને પામી શકે એવી પ્રાર્થના (દુઆ) કરું છું. માતાના હૈયાનો વલવલાટ, આક્રંદ, કલ્પાંત ગીતકાર સાહિરે દિવ્ય રીતે પ્રગટ કર્યો છે- 'તેરે બચપન કો જવાની કી દુઆ દેતી હૂં...' આવા આશીર્વાદ દેતી વખતે પાછી માતા વલવલાટ વ્યક્ત કરે છે, ઔર દુઆ દે કે પરેશાન સી હો જાતી હું... કેમ, શા માટે માતા પરેશાન છે ? મેરે મુન્ને મેરે ગુલઝાર કે નન્હે પૌધે, તુઝ કો હાલાત કી આંધી સે બચાને કે લિયે, આજ મૈં પ્યાર કે આંચલ મેં છૂપા
લેતી હૂં...
ગીત ઘણું મોટું છે અને પ્રગટ કરવા જેવું છે. શબ્દે શબ્દે માતાના હૈયાની વેદના સાકાર થાય છે. આ ગીતને જયદેવે છ માત્રાના દાદરા તાલમાં રજૂ કરીને વધુ વેદનાસભર બનાવી દીધું છે. ગીતનો ઉપાડ રાગ બાગેશ્રીના સ્પર્શથી શરૂ થાય છે અને વચ્ચે વચ્ચે શબ્દોને અનુરૂપ રાગ માલગૂંજી તેમજ રાગ પીલુના સ્વર માતાના આક્રંદને જીવંત કરે છે. ગીત સાંભળતાં સાંભળતાં આંખ ભીની થઇ જાય એવી હૃદયસ્પર્શી તર્જ બની છે. માતા રડતાં રડતાં ગાતી હોય એવી રીતે લતાએ સિસકતા કંઠે ગાઇને ગીતના શબ્દોને જીવંત કર્યા છે. ગીતકાર, સંગીતકાર, ગાયિકા, કેમેરામેન અને પરદા પર ગીતને જીવંત કરનારી અભિનેત્રી વહીદા રહેમાન- તમામને આ ગીતની કામિયાબી માટે યશના ભાગીદાર ગણવાં ઘટે છે.
'જિસ દેશ મેં ગંગા બહતી હૈ' અને 'ગંગા જમના'ના સંગીત સાથે ભલે 'મુઝે જીને દો'ના સંગીતની તુલના ન કરીએ, છતાં એક વાતની નોંધ લેવી જ પડે. 'મુઝે જીને દો'ની કથા, એની સિચ્યુએશન, એનાં લોકેશનો, ગીતના ભાવ અને પ્રસંગોને અનુરૂપ સ્વરાંકન બધી દ્રષ્ટિએ સંગીત હિટ નીવડયું હતું. એ માટે જયદેવને મુક્ત કંઠે બિરદાવવા જ રહ્યા.
તા.ક. ફિલ્મ 'કાલા બાઝાર'માં એસ.ડી. બર્મનનું સંગીત હતું એ વાત સાચી. સાથોસાથ એ વાત પણ સાચી કે 'ના મૈં ધન ચાહું ના રતન ચાહું'નું સ્વરાંકન જયદેવે કરેલું એવું બર્મનદાદા સાથે લાંબો સમય કામ કરનારા સાજિંદાઓ કને સાંભળ્યું છે.